યુક્રેન પાસે પણ હતા 5000 પરમાણુ શસ્ત્રો, ક્યાં ગયા એ જાણશો તો વિચારતા રહી જશો!!!

યુક્રેન પાસે પણ હતા 5000 પરમાણુ શસ્ત્રો, ક્યાં ગયા એ જાણશો તો વિચારતા રહી જશો!!!

રશિયન રાષ્ટ્રપતિ પુતિને થોડા સમય પહેલા કહ્યું કે યુક્રેન પર કાબુ રાખવો જરૃરી છે, કેમ કે તે પરમાણુ હથિયારો વિકસાવાની તૈયારી કરી રહ્યું છે. યુક્રેન એવું કરી રહ્યું છે નહીં એ અલગ તપાસનો વિષય છે. પરંતુ ઈતિહાસમાં પાછળ જઈએ તો ખબર પડે કે યુક્રેન પાસે પણ પરમાણુ હથિયારો હતા. માત્ર એક-બે નહીં પણ 5000 પરમાણુ હથિયારો હતા. આજે જાણીને નવાઈ લાગે કે પછી યુક્રેનની મુર્ખામી લાગે પણ એ હથિયારો યુક્રેને રશિયાને આપી દીધા હતા. 1991 પહેલા રશિયા આજના કરતા ઘણું મોટું અને સોવિયેત સંઘ તરીકે ઓળખાતું હતું. એ સંઘનું વિભાજન થયું અને તેમાંથી જે વિવિધ દેશો સર્જાયા એમાંનો જ એક દેશ યુક્રેન છે. એટલે યુક્રનને રશિયાનો એક સમયનો ભાગ ગણીએ તો ખોટું નથી.

આજે ક્યા દેશો પાસે કેટલા પરમાણુ શસ્ત્રો છે?

રશિયા – 6850
અમેરિકા – 6550
ફ્રાન્સ – 300
ચીન – 280
યુ.કે. – 215
પાકિસ્તાન – 145
ભારત – 135
ઈઝરાયેલ -80
ઉત્તર કોરિયા – 15
આજે આટલા દેશો પાસે જ પરમાણુ શસ્ત્રો છે.

યુક્રેન પાસે 1993 સુધી અમેરિકા-રશિયા પછી સૌથી વધારે ન્યુક્લિયર વેપન્સ હતા. 1991માં સોવિયેત રશિયાના વિભાજન 15 દેશો સર્જાયા. એ દેશો રશિયાનો જ ભાગ હોવાથી ત્યાં શસ્ત્રો, પ્રયોગશાળા, અવકાશ સંશોધનકેન્દ્રો… વગેરે હતા. એ રીતે યુક્રેન પાસે 5 હજાર જેટલા પરમાણુ શસ્ત્રો હતા. સોવિયેત સંઘના વિભાજનનું એક કારણ આર્થિક કંગાળતા હતી. નોખા પડેલા દેશો પાસે પણ ખાસ આર્થિક સમૃદ્ધિ ન હતી. એટલે એ દેશો પાસે રહેલા પરમાણુ શસ્ત્રો ત્યજી દેવાની ઓફર રશિયા સહિતના ઘણા દેશોએ આપી. જેથી જગતમા પરમાણુ શસ્ત્રો ઓછા થતા જાય. યુક્રેનની માફક લિસ્બન પ્રોટોકોલ પર સહી કરીને બેલારુસ, કઝાખસ્તાન વગેરે દેશોએ પણ પોતાના પરમાણુ શસ્ત્રો રશિયાને સોંપી દીધા હતા.

યુક્રેને ઓફર સ્વિકારી લીધી. પરંતુ ભૂલ એ કરી કે પોતાના તમામ પરમાણુ શસ્ત્રો રશિયાને સોંપી દીધા. એના બદલામાં રશિયા પાસેથી મળનારી વિવિધ મદદ લઈ લીધી. યુક્રેનમાં એ વખતે ઘણાએ સરકારને સમજાવી હતી કે થોડાક શસ્ત્રો તો રાખવા જોઈએ. ભલે હુમલો કરવા નહીં, પરંતુ પોતાની સલામતી માટે રાખવા જોઈએ. યુક્રેનની સરકારે એ વાત સાંભળવાને બદલે બધા શસ્ત્રો પરત આપી દીધા. એ વખતે યુક્રેનની સરકારને પોતાના દેશને પરમાણુ હથિયારમુક્ત જાહેર કરવાની ઉતાવળ હતી.

1993માં જ કેટલાક નિષ્ણાતોએ આગાહી કરી હતી કે જો યુક્રેન બધા પરમાણુ હથિયારોનો ત્યાગ કરશે તો ભવિષ્યમાં રશિયા તેના પર ફરી હુમલો કરી શકે છે. એ આગાહી હવે સાચી પડવા જઈ રહી છે. પરંતુ એ સમયે યુક્રેનનો ઉન્માદ એવો હતો કે પરમાણુ હથિયારો રાખવાની વાત કરે તમને શાંતિના દુશ્મન તરીકે જોવામાં આવતા હતા.

આવા નાના દેશોની સલામતી માટે 1994માં હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં એક સભા મળી. બુડાપેસ્ટ મેમોરેન્ડમ નામની એ સમજૂતીમાં નક્કી થયું હતું કે યુક્રેન, બેલારુસ, કઝાખસ્તાન… વગેરે જેવા નાના દેશો પર જો કોઈ પરમાણુ હથિયારધારી દેશ હુમલો કરશે તો રાષ્ટ્રસંઘની સુરક્ષા પરિષદ (જે જગતની સર્વોચ્ચ સુરક્ષા સંસ્થા ગણાય છે) એ આવા દેશોની મદદ કરશે. આ સંધિ જોકે ત્યારે જ હાસ્યાસ્પદ હતી કેમ કે પરમાણુ શસ્ત્રો જેમની પાસે છે એવા મોટા ભાગના દેશો સુરક્ષા પરિષદમાં જ છે. પરંતુ એ વખતે યુક્રેનને વાત સાચી લાગી એટલે માની લીધી અને 1996 સુધીમાં પોતાના બધા ન્યુક્લિયર વેપન્સ રશિયાને હવાલે કરી દીધા.

આજે પરમાણુ શસ્ત્રો જગતમાં સૌથી ઘાતક આયુધ ગણાય છે. જેમની પાસે પરમાણુ શસ્ત્રો હોય એવા દેશો પર હુમલો કરતા બીજા દેશો સત્તર વાર વિચાર કરે છે. યુક્રેન પાસે જો થોડા-ઘણા પર પરમાણુ હથિયારો હોત તો આજે રશિયાનું વર્તન કદાચ જૂદું હોત.

યુક્રેન પાસે પણ હતા પરમાણુ શસ્ત્રો

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.