તો શું હવે નીતિન પટેલ, પ્રદીપસિંહ, રૂપાની જેવા દિગ્ગજ નેતાઓને ભાજપે આપી દીધો સન્યાસ ? કે પછી…

તો શું હવે નીતિન પટેલ, પ્રદીપસિંહ, રૂપાની જેવા દિગ્ગજ નેતાઓને ભાજપે આપી દીધો સન્યાસ ? કે પછી…

વિજય રૂપાણી, નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા હવે શું કરશે તે સવાલ આખા ગુજરાતમાં ચર્ચાય રહ્યો છે.
ન જાણ્યુ જાનકી નાથે કાલે સવારે શું થવાનું.એમ સંવેદનશીલ ગુજરાત સરકાર પર ભર ભાદરવે આફત આવી. અને મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીને રાજીનામું આપી દેવું પડ્યું.અને પાટીદાર ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવાયા.આ પછી નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળની મડાગાંઠ ઉકેલવાની હતી.કારણ કે આ વખતે હાઈકમાન્ડનો સ્પષ્ટ આદેશ હતો કે કોઈને પણ ફરી મંત્રી બનાવવાના નથી.નો રિપીટ થીયરીનો પૂરેપૂરો અમલ કરવાનો છે..આવામાં નીતિન પટેલ, પ્રદીપસિંહ જાડેજા અને ભૂપેન્દ્રસિંહ પર લટકતી તલવાર હતી.તો વિજય રૂપાણી શું ભૂમિકા ભજવશે તેનો પણ સવાલ હતો.

રૂપાણી સત્તાથી પર રહ્યા છે
વિજય રૂપાણીને રાતોરાત રાજીનામું અપાવી દેતાં તેમને દુઃખ જરૂર થયું છે.પરંતુ તેઓ હંમેશા સત્તામાં રહીને પણ સત્તાથી પર રહ્યા છે. વિજય રૂપાણી ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી જેવાં સર્વોચ્ચ પદે રહી ચૂક્યા છે. નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા મારફતે પણ તેમની સેવા અને આવડતનો લાભ લેવાતો રહેશે તેવી જાહેરાત કરી દીધી છે. મુખ્યમંત્રી પદ જવાનો રંજ તેમને ચોક્કસ હશે, પરંતુ નારાજગી નથી. તેથી તેમણે મળવા આવેલાં તમામ મંત્રીઓને કહ્યું કે તેઓ આ કિસ્સામાં કોઇ દરમિયાનગીરી કરશે નહીં. હવે પાર્ટી તેમને જે કામ અથવા પદ સોંપે તે તેઓ સહર્ષ સ્વીકારી લેશે.

નીતિન પટેલે પહેલા ઝૂકવ્યા, હવે તે ઝૂકયા
સતત ત્રીજીવાર મુખ્યમંત્રી પદના સૌથી સક્ષમ દાવેદાર તરીકે તેમનું નામ આવ્યું અને ત્રણેય વખત તેમને મન મનાવવું પડ્યું છે. નીતિન પટેલ કદાવર નેતા છે અને જ્યારે રૂપાણી સરકારમાં તેમને નાણાં મંત્રાલય મળ્યું ન હતું ત્યારે તેમણે આંચકીને એ મંત્રાલય મેળવ્યું હતું. ભાજપની નેતાગીરીએ તેમની સામે ઝૂકવું પડ્યું હતું.આજે નીતિનભાઈને ઝૂકવાનો વારો આવ્યો છે.
હવે તેમની રાજકીય કારકિર્દી સામે સૌથી મોટું જોખમ છે. આમ તો તેમને ભાજપનું મોવડીમંડળ કોઇ જવાબદારી સોંપે તેવી ચર્ચા હતી પરંતુ તેઓને હવે તે શક્યતા હાલ તો જણાતી નથી.

પ્રદીપસિંહ જાડેજાની રાજકીય સમજનો લાભ મળશે
પ્રદીપસિંહ જાડેજા અંગે વાત કરીએ તો.પ્રદીપસિંહ જાડેજા હજુ યુવાન અને ખૂબ રાજકીય સમજ ધરાવતા નેતા છે. હાલ તેમનું મંત્રીપદ જળવાય નહીં તો પણ તેઓ પક્ષને ચૂંટણી જિતાડવાના કામમાં હોંશથી કામ કરતાં રહેશે. . તેમના કામનો બદલો ભાજપનું મોવડીમંડળ આવતી ચૂંટણી પછી રચાનારી સરકારમાં સારી રીતે આપી શકે છે.

ભૂપેન્દ્ર ચૂડાસમા વિધાનસભાના અધ્યક્ષ બની શકે
પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર ચૂડાસમાને પણ મંત્રીપદ નથી ફાળવાયું. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ખૂબ સિનિયર મંત્રી છે. તેમને વિધાનસભા અધ્યક્ષ બનાવાય તેવી વાત છે અને જો આ પદ મળે તો તેનો તેઓ પ્રતિકાર કરશે નહીં. ગઇ વિધાનસભા ચૂંટણીની તેમની જીત કોર્ટમાં પડકારાઇ છે અને હવે જો તેમને સ્પીકરનું પદ પણ ન મળે તો સલાહકારનું અથવા સંગઠનમાં હોદ્દા વિના કામ મળે તો તે સ્વીકારવું પડશે.

લોકોના મુખે અનેક પ્રશ્નો
તો બીજી બાજુ જવાહર ચાવડા, રાદડિયા, બાવળિયા વગેરે પણ મોટો ચાહક વર્ગ ધરાવતા નેતાઓ છે. મંત્રી તરીકે તેમણે સારું કામ કર્યું હોય કે નહીં પણ તેમના ચાહકો તો છે જ. એ સંજોગોમાં પડતા મુકાયેલા નેતાઓ પૈકી કેટલાક પક્ષ પલટો કરશે કે પછી ચૂપચાપ ભાજપમાં જ બેસી રહી અપમાનનો ઘૂંટડો ગળી જશે. પક્ષમાં જ રહી પક્ષને નુકસાન થાય એવી પ્રવૃત્તિઓ કરશે. નિવૃત્તિની દિશામાં કામગીરી કરશે.વગેરે પ્રશ્નો જનતાના મનમાં ઘૂમી રહ્યાં છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *