દેશમાં ટોલ કલેક્શનની સિસ્ટમ બદલાશે, હવે ફાસ્ટેગ નહીં, GPS ટ્રેકિંગથી ટોલ વસૂલાશે…

ફાસ્ટેગનો જમાનો પણ હવે જવાનો છે. તેની જગ્યાએ જીપીએસ ટ્રેકિંગની મદદથી ટોલ વસૂલવાની નવી સિસ્ટમ લવાશે જે અમુક યુરોપિયન દેશોમાં સફળ થઇ ચૂકી છે. તેને સેટેલાઈટ નેવિગેશન ટોલિંગ સિસ્ટમ કહેવાય છે. તેને લાગુ કર્યા બાદ દેશભરમાંથી ટોલ પ્લાઝા હટાવી લેવાશે.
સરકારે ટેસ્ટ શરૂ કર્યા
સરકારે 2020માં જ દિલ્હી-મુંબઈ કોરિડોર પર કોમર્શિયલ ટ્રકોમાં ઓન બોર્ડ યુનિટ અને ઈસરોની નેવિગેશન સેટેલાઈટ સિસ્ટમની મદદથી એક પાઈલટ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો જે સફળ રહ્યો છે. હવે કેન્દ્ર સરકારે નવી સિસ્ટમને લાગુ કરવા અમુક ટેસ્ટ શરૂ કર્યા છે. ટેસ્ટમાં દેશભરનાં 1.37 લાખ વાહનોને સામેલ કરાયાં છે. મહારાષ્ટ્રમાં 38,680, દિલ્હીમાં 29,705, ઉત્તરાખંડમાં 14,401, છત્તીસગઢમાં 13,592, હિમાચલપ્રદેશમાં 10,824 અને ગોવામાં 9,112 વાહનો ટ્રાયલમાં સામેલ કરાયાં છે. જ્યારે મધ્યપ્રદેશ, મણિપુર, સિક્કિમ અને લદ્દાખમાં હાલ ફક્ત એક-એક વાહન પર ટ્રાયલ ચાલી રહી છે.
નિષ્ણાતો આ ટેસ્ટનો રિપોર્ટ બનાવશે
કેન્દ્ર સરકાર રશિયા અને દ.કોરિયાના અમુક નિષ્ણાતોની મદદથી એક સ્ટડી રિપોર્ટ તૈયાર કરી રહી છે. કેન્દ્રીય પરિવહન મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે નવી સિસ્ટમ લાગુ કરતા પહેલાં પરિવહન નીતિમાં જરૂરી ફેરફાર કરવા પડશે. નિષ્ણાતોની ટીમ નીતિમાં ફેરફાર કરવા પ્રસ્તાવ પોઇન્ટ તૈયાર કરી રહી છે. આગામી અમુક અઠવાડિયાંઓમાં તેના પર રિપોર્ટ તૈયાર થઈ જશે.
જર્મનીનું મોડલ
રોડ પર ગાડી કેટલા કિ.મી. સુધી ચાલી… તે પરથી ટોલ નક્કી થાય
જર્મની અને રશિયામાં સેટેલાઈટ નેવિગેશન સિસ્ટમના ઉપયોગથી ટોલ કલેક્શન થાય છે. જર્મનીમાં 98.8% વાહનોથી આ સિસ્ટમથી ટોલ વસૂલાય છે. ટોલ માટે ચિહ્નિત માર્ગ પર ગાડી જેટલા કિ.મી. ચાલે છે તે હિસાબે જ ટોલની રકમ વસૂલાય છે. જેવી ગાડી ટોલ માટે ચિહ્નિત માર્ગથી હટે છે ત્યારે કિ.મી.ની ગણતરીના હિસાબે ગાડી માલિકના ખાતામાંથી ટોલ કપાઇ જાય છે. ખાતામાંથી ટોલ કાપવાની સિસ્ટમ એવી છે જેવી ભારતમાં ફાસ્ટેગ સિસ્ટમ છે. ભારતમાં 97% વાહનોથી ફાસ્ટેગની મદદથી ટોલ વસૂલવામાં આવી રહ્યો છે.
60 કિ.મી.થી ઓછા અંતરે બનેલા ટોલ પ્લાઝા 3 મહિનામાં હટાવાશે
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ અઠવાડિયે ગૃહમાં કહ્યું કે દેશમાં ગમે ત્યાં બે ટોલ પ્લાઝ 60 કિ.મી.થી ઓછા અંતરે હશે તો તેમાંથી એક પ્લાઝા 3 મહિનામાં હટાવી દેવાશે. દેશમાં 727 ટોલ પ્લાઝા છે. તેમનું મેપિંગ ચાલુ છે જેથી જાણી શકાય કે એવા કેટલા છે જે 60 કિ.મી.થી ઓછા અંતરે છે. અનેક પ્લાઝા બીઓટી શરતો પર બનેલા છે જે ઓછા અંતરે છે. તેમને કયા નિયમ હેઠળ હટાવાશે તેના પર મંત્રાલયે હજુ કોઈ સ્પષ્ટતા નથી કરી.