ભગવાન જગન્નાથની મૂર્તિમાં છે બ્રહ્મ પદાર્થ, શું તમે પણ જાણો છો? આ મંદિર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો…

હિંદુ ધર્મના હિસાબે ચાર ધામ બદરીનાથ, દ્વારિકા, રામેશ્વરમ અને પુરી છે.માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ ચારેય ધામમાં વાસ કરે છે. પહેલા તેઓ બદ્રીનાથ ગયા અને ત્યાં સ્નાન કર્યું, ત્યારબાદ તેઓ ગુજરાતના દ્વારકા ગયા અને ત્યાં કપડાં બદલ્યા. દ્વારકા પછી તેમણે ઓડિશાના પુરીમાં બપોરનું ભોજન લીધું અને છેલ્લે તામિલનાડુના રામેશ્વરમ ખાતે આરામ કર્યો. ત્યારે આજે જાણીએ ભગવાન જગન્નાથ મંદિર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે.
એવી માન્યતા છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો દેહ ત્યાગ કર્યો અને તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા તો શરીરના તમામ અવયવો માત્ર હૃદયને છોડીને પંચતત્વમાં વિલીન થઇ ગયા. પરંતુ ભગવાનનું હૃદય ધબકતુ રહ્યુ હોવાનુ માનવાંમાં આવે છે. આજે પણ તે હૃદય ભગવાનની લાકડાની મૂર્તિમાં હોવાનું માનવામાં આવે છે.
દર 12 વર્ષે મૂર્તિઓ બદલવામાં આવે છે
જગન્નાથ પુરી મંદિરની ત્રણેય મૂર્તિઓ દર 12 વર્ષે બદલવામાં આવે છે. જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવે છે. મૂર્તિ બદલવાની આ પ્રક્રિયા સાથે સંબંધિત એક રસપ્રદ કિસ્સો પણ છે. જ્યારે મૂર્તિઓ બદલવામાં આવે છે ત્યારે સમગ્ર શહેરમાં વીજળી ડુલ થઈ જાય છે. મંદિરની આસપાસ સંપૂર્ણ અંધારું છે. મંદિરની બહાર CRPF સુરક્ષા તૈનાત છે. મંદિરમાં કોઈપણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ છે. મંદિરમાં ફક્ત તે જ પૂજારીઓને જ પ્રવેશ આપવામાં આવે છે જેમણે મૂર્તિઓ બદલવાની હોય છે.
પૂજારીની આંખો પર બાંધે છે પટ્ટી
જ્યારે મૂર્તિ બદલવાની હોય છે ત્યારે પૂજારીની આંખ પર પટ્ટી બાંધવામાં આવે છે. હાથમાં મોજા પહેરવામાં આવે છે.ત્યારબાદ જ મૂર્તિ બદલવાની પ્રક્રિયા શરુ થાય છે.પરંતુ એક વસ્તુ છે જે ક્યારેય બદલાતી નથી, તે છે બ્રહ્મ પદાર્થ. જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં લગાવવામાં આવે છે.
બ્રહ્મ પદાર્થ શું હોય છે ?
આજ દિન સુધી કોઇને ખબર પડી નથી કે બ્રહ્મ પદાર્થ શું હોય છે. પરંતુ મળતી માહિતી મુજબ મૂર્તિ બદલનાર પૂજારીને પણ ખબર નથી હોતી કે બ્રહ્મ પદાર્થ શું હોય છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ આ બ્રહ્મા પદાર્થને જુએ છે તો તે મૃત્યુ પામે છે. એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ આ પદાર્થને જુએ તો વ્યક્તિના શરીરના ચીંથરા ઉડી જાય છે.
સિંહદ્વારનું રહસ્ય
જગન્નાથ પુરી મંદિર સમુદ્ર કિનારે આવેલું છે. મંદિરમાં સિંહ દ્વાર છે. કહેવાય છે કે જ્યાં સુધી આ દરવાજાની અંદર પગ ન મૂકો ત્યાં સુધી સમુદ્રના મોજાનો અવાજ સંભળાય છે, પરંતુ જેવા તમે અંદર જાઓ કે દરિયાના મોજાનો અવાજ ગાયબ થઇ જાય છે. એ જ રીતે સિંહદ્વારથી નીકળતી વખતે પહેલું પગથિયું બહાર આવે કે તરત જ સમુદ્રના મોજાનો અવાજ ફરી આવવા લાગે છે.