મિત્રતા મોંઘી પડી, સ્પામાં કામ કરતી મહિલાને પામવા યુવકે ઘરમાં ઘૂસી દુષ્કર્મનો પ્રયાસ કર્યો, મહિલાએ લાગી આવતાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો…

અમદાવાદમાં સ્પાની આડમાં ચાલી રહેલા ગેરકાયદેસર કારોબારમાં અનેક મહિલાઓ ફસાઈ જાય છે. આ પ્રકારના સ્પામાં આવતા લોકો ત્યાં કામ કરતી મહિલાઓને ગમે તેમ કરીને પામવા મથતાં હોય છે. ત્યારે શહેરની એક મહિલાને સ્પામાં તેને પામવા મથતા યુવકનો વિરોધ કરવો મોંઘો પડ્યો છે. આ મહિલા ઘરેથી ક્યાંય પણ જાય તો એક યુવક તેનો પીછો કરીને જાહેરમાં તેનો હાથ પકડી લેતો હતો. આ યુવકે એક દિવસ મહિલાને તેના ઘરમાં ઘુસીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરતાં મહિલાને લાગી આવ્યું અને તેણે છે.
યુવક મહિલાનો પીછો કરતો અને જાહેરમાં હાથ પકડી ઉભી રાખતો: પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતી નિશા (નામ બદલ્યું છે) પોતાના પરિવાર સાથે રહે છે. ઘરની આર્થિક સ્થિતિ સારી નહીં હોવાથી તે સ્પામાં કામ કરતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક દિગ્વિજય નામના વ્યક્તિ સાથે થયો હતો. તે રોજ નિશાને મળવા આવતો જેથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. પરંતુ થોડા સમય બાદ નિશાએ સ્પામાં કામ કરવાનું છોડી દીધું હોવા છતાં દિગ્વિજય નિશાને સતત ફોન કરીને પરેશાન કરતો અને મળવા માટે દબાણ કરતો હતો. જેથી નિશાએ દિગ્વિજયનો નંબર બ્લોક કરી નાંખ્યો હતો.થોડા સમય બાદ નિશા ફરીવાર સ્પામાં કામ કરવા ગઈ ત્યારે દિગ્વિજયને તેની જાણ થઈ હતી. દિગ્વિજય તેનો પીછો કરતો અને જાહેરમાં હાથ પકડીને રોકી લેતો હતો.
મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ: દિગ્વિજયની હરકતોથી કંટાળીને નિશા તેનાથી દુર રહેવાનો પ્રયાસ કરતી હતી. નિશા જ્યારે સવારે ઘરની બહાર નીકળી ત્યારે દિગ્વિજય તેની સોસાયટીની બહાર ઉભો હતો. તેણે નિશાને રોકવાનો પ્રયાસ કરતાં નિશા ઘરમાં પરત આવી ગઈ હતી. આ સમયે દિગ્વિજય પણ તેની પાછળ પાછળ ઘરમાં ઘૂસી ગયો હતો અને તેણે નિશાની સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહી તેણે નિશાને માર મારતાં તે ગભરાઈ ગઈ હતી અને બૂમો પાડવા લાગી હતી. જેના લીધે આસપાસના લોકો ભેગા થઈ જતાં દિગ્વિજય ત્યાંથી ભાગી ગયો હતો. આ ઘટનાથી નિશાને આઘાત લાગતાં તેણે ટોયલેટ ક્લિનર પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલમાં તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ છે. બીજી તરફ ઓઢવ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.