શંકાશીલ પતિનું ‘પરાક્રમ’, સુરતમાં પ્રેમ લગ્ન બાદ 7 વર્ષથી અલગ રહેતી પત્ની પર પતિએ બાળકોની સામે જ ફાયરિંગ કર્યું…

શંકાશીલ પતિનું ‘પરાક્રમ’, સુરતમાં પ્રેમ લગ્ન બાદ 7 વર્ષથી અલગ રહેતી પત્ની પર પતિએ બાળકોની સામે જ ફાયરિંગ કર્યું…

કતારગામની એક સોસાયટીમાં મધરાત્રે વહેમીલા પતિએ અલગ રહેતી પત્ની પર બાળકોની સામે ગોળી મારી પતાવી દેવાનો પ્રયાસ કરતાં ખળભળાટ મચી ગયો હતો. છાતી, પેટ અને પગમાં વાગેલી ગોળી સાથે મહિલાને તાત્કાલિક સારવાર માટે સિવિલ ખસેડાતાં ઓપરેશન થિયેટરમાં લેવી પડી હતી. 16 વર્ષના લગ્નજીવનમાં 7 વર્ષથી પરિણીત મહિલા બાળકો સાથે અલગ રહી પોતાનું ગુજરાન ચલાવી રહી હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં, પણ શંકાશીલ પતિના મારઝૂડ અને ત્રાસથી કંટાળેલી પત્નીએ બેવાર આપઘાતનો પ્રયાસ પણ કર્યો હોવાનું બનેવીએ જણાવ્યું છે. પતિ કર્ણાટકનો રહેવાસી અને ફાયરિંગ કરવા જ સુરત આવ્યો હતો. ફાયરિંગ કરી ભાગી ગયો હોવાનું જાણવા મળ્યું છે.

શંકા કરી મારઝૂડ કરતો હતો
પ્રવીણ પ્રજાપતિ(બનેવી)એ જણાવ્યું હતું કે ટીનાએ 16 વર્ષ પહેલાં અખિલેશસિંહ સાથે પ્રેમ લગ્ન કરી નવા જીવનની શરૂઆત કરી હતી. જોકે લગ્નના થોડા સમય બાદ જ અખિલેશ વહેમીલો હોવાનું સામે આવી ગયું હતું. કોઈ સાથે પણ વાત કરતી પત્નીને એલફેલ ગાળો આપવી અને શંકા કરી મારઝૂડ કરતો થઈ ગયો હતો. વેલ્ડિંગના કામકાજ સાથે સંકળાયેલા અખિલેશનાં બે બાળકોને લઈ ટીના ખૂબ જ ચિંતિત હતી. માનસિક તણાવમાં રહીને પણ એની સાથે જ જીવવા મજબૂર હતી.

ભરણપોષણના હુકમ થયા હતા
આખરે ટીનાએ બન્ને બાળકો સાથે અખિલેશને છોડવાનો નિર્ણય કરી અલગ રહેવા ચાલી ગઈ હતી. લગભગ 7 વર્ષથી ટીના અલગ રહેતી હતી. કોર્ટમાંથી ભરણપોષણ આપવાના હુકમ પણ થયા હતા. કોરોના પહેલાં છૂટેછેડા લેવાની કાયદાકીય પ્રક્રિયા પણ કરી હતી. જોકે કોર્ટ બંધ રહી હોવાના કારણે હજી કોઈ નિર્ણય આવ્યો નથી.

મદદ કરનારને પણ અપશબ્દો કહેવાતા
રાજસ્થાનની રહેવાસી ટીનાને જે કોઈ મિત્ર કે બહેન-બનેવી મદદ કરે તેની સાથે અખિલેશ એના અનૈતિક સંબંધ જોડી ગંદી ગાળો આપતો હતો. બુધવારની રાત્રે બનેલી ઘટના બાદ કતારગામ પોલીસના તમામ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. માસૂમ દીકરીનું નિવેદન લઈ ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી હોવાનું બનેવીએ વધુમાં જણાવ્યું હતું.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.