આટલી બધી ક્રૂરતા? દોઢ વર્ષ માટે પત્નીને ટોયલેટમાં કરી દીધી બંધ, હાલત જોઈ અધિકારીઓની આંખમાં પણ આવી ગયા આંસુ…

આટલી બધી ક્રૂરતા? દોઢ વર્ષ માટે પત્નીને ટોયલેટમાં કરી દીધી બંધ, હાલત જોઈ અધિકારીઓની આંખમાં પણ આવી ગયા આંસુ…

દેશમાં ક્યારેક એવી ઘટનાઓ બનતી હોય છે જેના વિશે જાણીને ધ્રુજી જવાય. ભલે તે ઘટના કોઈપણ જગ્યાએ બની હોય તેના વિશે જાણીને સૌ કોઈ દંગ રહી જાય છે. આવી જ એક ઘટના તાજેતરમાં પ્રકાશમાં આવી છે. આ ઘટનામાં એક પતિએ પત્ની સાથે એવું કર્યું કે જેની કોઈ કલ્પના પણ કરી શકાય નહીં. આ વાતની જાણ મહિલા સુરક્ષા અને બાળ લગ્ન નિષેધ અધિકારીઓને મળતાં તેમણે મહિલાને મુક્ત કરાવી હતી.

આ ઘટના બની હતી હરિયાણાના પાણીપતમાંથી. અહીંના સનૌલી રિસપુર ગામમાં 35 વર્ષીય રામરતિને તેના પતિ નરેશે દોઢ વર્ષ સુધી ટોયલેટમાં કેદ કરી રાખી હતી. જી હાં આ કોઈ કાલ્પનિક વાત નથી. નરેશ નામના વ્યક્તિએ દોઢ વર્ષ પહેલા ઘરના ટોયલેટમાં કેદ કરી તાળું મારી દીધું હતું. સતત દોઢ વર્ષ સુધી મહિલા નાનકડા ટોયલેટમાં કેદ રહી હતી.

આ વાતની જાણ પોલીસ અને મહિલા સુરક્ષાની ટીમને કોઈએ કરી. જ્યારે આ ટીમ ઘરમાં પહોંચી તો તેમણે જોયું કે ઘરની બહાર કેટલાક લોકો પત્તા રમે છે. પોલીસે તેમને રામરતિ વિશે પુછ્યું તો કોઈએ બરાબર જવાબ આપ્યો નહીં. જ્યારે અધિકારીઓએ કડકાઈ દાખવી તો લોકોએ બોલ્યા વિના ટોયલેટ તરફ ઈશારો કર્યો.

ટીમ તુરંત ત્યાં પહોંચી અને તાળું તોડ્યું તો ટીમે જોયું કે અંદર એક મહિલા બેઠી છે. મહિલાની હાલત અત્યંત દયનીય હતી. તેણે વર્ષો જુના મેલા કપડા પહેર્યા હતા અને ટોયલેટમાં બંધ હોવાના કારણે શરીર પણ ગંદકીથી ખદબદતું હતું. તેના શરીરમાં હાડકાં દેખાતા હતા. વાળ પણ કચરા અને ગંદકીથી ખદબદતા હતા.

સૌથી પહેલા તો મહિલા અધિકારીઓએ તેને બહાર કાઢી પરંતુ દોઢ વર્ષથી ટોયલેટમાં કેદ હોવાથી તે ચાલી પણ શકતી ન હતી. અધિકારીઓએ તેને બહાર લાવી સ્નાન કરાવ્યું, તેને ભોજન કરાવ્યું ત્યારે મહિલામાં થોડો જીવ આવ્યો.

ત્યારપછી રામરતિએ હાથમાં પહેરવા બંગડી, ચાંદલો સહિતની વસ્તુઓ માંગી. જ્યારે પોલીસે આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ કરી તો જાણવા મળ્યું કે થોડા વર્ષો પહેલા રામરતિના ભાઈ અને પિતાનું અવસાન થયું હતું. ત્યારબાદથી તે માનસિક રીતે બીમાર રહેતી હતી. ત્યારબાદ એક દિવસ તેના પતિએ તેને ટોયલેટમાં કેદ કરી દીધી.

નરેશે એવું કારણ આપ્યું કે તે કોઈને નુકસાન ન કરે તે માટે તેણે આવું કર્યું પરંતુ જ્યારે પોલીસે તેની બીમારી, સારવાર વગેરેના કાગળ માંગ્યા તો નરેશ આપી શક્યો નહીં. ત્યારબાદ પોલીસે પતિ નરેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો અને રામરતિને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.