વન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી, આગને કાબુમાં લેવાની જગ્યાએ અંજલિ તેંડુલકરને વાઘ બતાવવામાં વ્યસ્ત…

વન વિભાગના અધિકારીઓની ગંભીર બેદરકારી, આગને કાબુમાં લેવાની જગ્યાએ અંજલિ તેંડુલકરને વાઘ બતાવવામાં વ્યસ્ત…

આગ પર કાબુનાં લેટેસ્ટ સમાચાર

સરિસ્કાના જંગલમાં 4 દિવસ પહેલાં લાગેલી આગ હજુ કાબુમાં નથી આવી. પરંતુ ઘણાં ખરા વિસ્તારોમાં આ આગ સંપૂર્ણપણે કાબુમાં આવી ગઈ છે અને અન્ય સ્થળોએ પણ આગની તીવ્રતા ઘણી ઓછી થઇ ગઇ છે. આવી સ્થિતિમાં છેલ્લાં બે દિવસથી આગ ઓલવવામાં લાગેલા વાયુસેનાના બંને હેલિકોપ્ટરને પરત મોકલી દેવામાં આવ્યાં છે.

ગુરુવારે સવારે હેલિકોપ્ટર દ્વારા જંગલનું નિરીક્ષણ કરીને મોનિટરિંગ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, હેલિકોપ્ટરને પરત મોકલી શકાય છે. પરંતુ પવન સાથે ફરી આગ ભભૂકી ઉઠશે તેવો ડર છે. આ કારણોસર ફિઝિકલ મોનિટરિંગ ચાલુ રહેશે. એડીએમ સિટી સુનીતા પંકજે જણાવ્યું કે, એરફોર્સનું ઓપરેશન પૂર્ણ થઇ ગયું. આ આગ દરમિયાન અસરગ્રસ્ત પ્રાણીઓની સંખ્યા અને જંગલને થયેલા નુકસાનની સમીક્ષા કરવામાં આવી રહી છે.

20 કિમીથી વધુ વિસ્તારમાં આગ ફેલાયેલી

27 માર્ચે સરિસ્કાના જંગલમાં આ ભીષણ આગ લાગી હતી. જે વિસ્તારને બળી ગયો હતો તે વાઘ એસટી 17 અને તેનાં બે બચ્ચાનો વિસ્તાર હતો. તેની આસપાસનો વિસ્તાર ST 20 અને ST 14 નો પ્રદેશ ધરાવે છે. આગ બે દિવસ અને એક રાતમાં 20 કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ હતી. 29 અને 30 માર્ચના બે દિવસ સુધી અલવરના જંગલમાં સેનાના બે હેલિકોપ્ટરોએ જંગલ પર પાણીનો વરસાદ કર્યો હતો. વાયુસેનાની મદદથી આગને જંગલના આંતરિક વિસ્તારોમાં ફેલાતી અટકાવવામાં આવી હતી. 30 માર્ચની સાંજ સુધી ચાલેલા ઓપરેશન બાદ આ આગ 80 ટકાથી વધુ કાબુમાં આવી ગઇ હતી.

લગભગ 80 હજાર લીટર પાણીનો છંટકાવ કરાયો

આ આગને ઓલવવા માટે બે દિવસમાં આર્મીનાં હેલિકોપ્ટર દ્વારા અંદાજે 80,000 લિટર પાણીનો વરસાદ કરવામાં આવ્યો હતો. હેલિકોપ્ટરે પહેલાં દિવસે 12 રાઉન્ડ માર્યા હતાં તો બીજા દિવસે 13થી વધુ રાઉન્ડ લગાવ્યા હતાં. એક રાઉન્ડમાં 3.5થી 4 હજાર લિટર જેટલું પાણી ઠાલવવામાં આવ્યું હતું.

આગ શમી ગઈ, સવાલો સળગાવી ગઈ

આગના દિવસે પણ અધિકારીઓની બેદરકારી સામે આવી હતી. કારણ કે સચિન તેંડુલકરની પત્ની ડો. અંજલી તેના મિત્રો સાથે જંગલની મુલાકાત લેવા સરિસ્કા આવી હતી. ત્યારે અધિકારીઓ તેમની મહેમાનગતિમાં વ્યસ્ત હતાં. જણાવી દઇએ કે, સરિસ્કામાંથી એક વાઘ પણ અંદાજે 80 દિવસથી ગુમ છે. હજુ સુધી વાઘનો કોઈ જ પત્તો નથી. તેની ડેડબોડી પણ નથી મળી.

રાજસ્થાનના સરિસ્કા ટાઈગર રિઝર્વના જંગલોમાં લાગેલી ભયાનક આગ પર હજુ સુધી સંપૂર્ણ કાબુ મેળવવામાં નથી આવ્યો પરંતુ આ દરમિયાન એક તસવીર ખૂબ જ વાયરલ થઈ રહી છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની પત્ની અંજલિ તેંડુલકર ટાઈગર રિઝર્વમાં લાગેલી આગને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. વાસ્તવમાં, સચિનની પત્ની અંજલિ તેંડુલકરને લઇને એવો આરોપ છે કે, જંગલોમાં ભારે આગ લાગી હતી, પરંતુ ત્યાર બાદ પણ તેને કાબુમાં લેવાના પ્રયાસો કરવાને બદલે સરિસ્કા ટાઈગર રિઝર્વનાં ડિરેક્ટર આર.એન.મીણા તેઓને ફેરવવા માટે જંગલોમાં લઈને ચાલ્યા ગયા.

ત્રણ દિવસમાં સરિસ્કા ટાઈગર રિઝર્વનાં અકબરપુર રેન્જના બાલેટા-પૃથ્વીપુરા નાકામાં 20 કિમીનો જંગલ વિસ્તાર બળી ગયો છે. 27 માર્ચ (રવિવાર) ના રોજ અંજલિ તેંડુલકર સરિસ્કા આવી હતી અને તેઓને ઘુમાવવાની તૈયારીઓ માટે તમામ અધિકારી અને નિર્દેશક VIP ડ્યુટીમાં રોકાયેલા હતાં જ્યારે 15 મિનિટ પહેલાં જ વાયરલેસ પર જાણ કરવામાં આવી હતી કે આગ લાગી છે.

અધિકારીઓ અંજલિ તેંડુલકરને વાઘ બતાવવા જંગલમાં લઇ ગયેલા

આગની માહિતી મળ્યાં બાદ પણ તમામ અધિકારીઓ આગ ઓલવવાને બદલે અંજલિ તેંડુલકરને વાઘ બતાવવા જંગલમાં લઇ ગયા હતાં. જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે પ્રાદેશિક નિયામક આર.એન.મીણાએ જણાવ્યું હતું કે, આગને કાબુમાં લેવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી અને રેન્જર્સ પણ સ્થળ પર હતાં.

તેમણે કહ્યું કે, આગ લાગવા પર ડાયરેક્ટર આગ ઓલવવા જતા નથી. જ્યાં સુધી વીઆઈપી મૂવમેન્ટની વાત છે તો પ્રોટોકોલ અંતર્ગત અંજલિ તેંડુલકરને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી હતી. જણાવી દઈએ કે, સરિસ્કા ટાઈગર રિઝર્વના જંગલોમાં લાગેલી આગ પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી.

જો કે તે વિસ્તારમાં રહેતા વાઘ પહાડ પરથી નીચે ઉતરીને મેદાનમાં આવી ગયા છે જેના કારણે તેઓ સુરક્ષિત બની ગયા છે. જંગલોમાં ઝડપથી ફેલાતી આગ પર કાબુ મેળવવા માટે ભારતીય વાયુસેનાએ આગેવાની લઇ લીધી છે અને બે હેલિકોપ્ટર દ્વારા તેને ઓલવવાના પ્રયાસો ચાલુ છે.

PM મોદીએ પણ રાજસ્થાનના CM સાથે કરી હતી વાત

રાજસ્થાનના અલવરમાં સરિસ્કા ટાઈગર રિઝર્વના જંગલોમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે. મંગળવારે તેને કાબુમાં લેવા માટે એરફોર્સના હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. એ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરિસ્કા ટાઈગર રિઝર્વમાં લાગેલી આગને લઈને રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત સાથે વાત પણ કરી છે. પીએમ મોદીએ પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે અને તમામ સંભવ સહયોગની ખાતરી પણ આપી છે.

ગેહલોત સાથે વાત કરતી વેળાએ પીએમ મોદીએ ચિંતા વ્યક્ત કરી

કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યાં અનુસાર, પીએમ મોદીએ સરિસ્કા ટાઈગર રિઝર્વમાં લાગેલી આગને લઈને રાજસ્થાનના મુખ્યમંત્રી સાથે વાત કરી હતી. પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતાં તેમણે શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. દરમિયાન એરફોર્સના હેલિકોપ્ટર આગ ઓલવવામાં વ્યસ્ત છે. એ સિવાય 200 જેટલાં કર્મચારીઓ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે. આગ લગભગ 10 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાઈ હતી.

અશોક ગેહલોતે કહ્યું કે – ‘આગ પર કાબુ મેળવવાની કવાયત શરૂ’

મુખ્યમંત્રી અશોક ગેહલોતે એવી આશા વ્યક્ત કરી છે કે, બુધવાર સુધીમાં આગ પર કાબુ મેળવી લેવામાં આવશે. ગેહલોતે ટ્વિટમાં લખ્યું છે કે, ‘અલવરના સરિસ્કા જંગલમાં લાગેલી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર સંકલનથી કામ કરી રહી છે. ભારતીય વાયુસેનાના બે હેલિકોપ્ટર આજથી આગ ઓલવવાના કાર્યમાં જોડાયા છે. તેમણે કહ્યું કે, આગ ઘણી હદ સુધી કાબુમાં આવી ગઈ છે અને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં જ તેને કાબુમાં લઈ લેવામાં આવશે.’

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.