રશિયાનો યુક્રેન પર હુમલો: ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા…

રશિયાનો યુક્રેન પર હુમલો: ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા…

વહેલી સવારે ત્રણ દિશાના હવાઇ અને મિસાઇલ હુમલાથી યુક્રેનની રાજધાની કીવ, ખારકિવ અને ઓડેસા સહિતના શહેરો ધણધણી ઊઠ્યા, 40થી વધુ લોકોનાં મોત, અનેક સૈનિકોનો ખાત્મો

વૈશ્વિક શાંતિ અને પશ્ચિમના દેશોના આર્થિક પ્રતિબંધોની પરવા કર્યા વગર રશિયાએ આખરે ગુરુવારે ત્રણ દિશામાંથી યુક્રેન પર ભયાનક આક્રમણ કર્યું હતું. યુક્રેનના લોકો સવારે ઉઠે તે પહેલા તેમના શહેરો હવાઇ અને મિસાઇલ હુમલાથી ધણધણી ઉઠાવ્યા હતા. યુક્રેનના નેતાઓના જણાવ્યા મુજબ આ હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે. રશિયાએ પૂર્વ, ઉત્તર અને દક્ષિણ એમ ત્રણેય દિશામાં તાબડતોડ હુમલા કરીને સંપૂર્ણ કક્ષાનું યુદ્ધ આદર્યું હતું. યુક્રેનની રાજધાની કીવ, ખારકિવ અને ઓડેસા સહિતના શહેરોમાં વિસ્ફોટના અવાજો સંભળાયા હતા.

યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેનસ્કીએ જણાવ્યું હતું કે રશિયા યુક્રેનને પાયમાલ કરવાનો ઇરાદો ધરાવે છે. રશિયાના હુમલા ચાલુ થતાં યુક્રેનના લોકો ઘરબહાર છોડીને ભાગવા માટે ઘસારો ચાલુ કર્યો હતો. રસ્તાઓ પર કારની લાંબી લાઇન થઈ ગઈ હતી અને રેલવે સ્ટેશનો પર ભારે ભીડ એકઠી થઈ હતી. લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો અને લોકો ખાદ્ય ચીજવસ્તુઓ સહિતની જીવનજરૂરી વસ્તુઓ ખરીદવા ઉમટી પડ્યા હતા.નાટો અને યુરોપના નેતાઓએ તાકીદે તીખી પ્રતિક્રિયા આપી હતી. આ દેશોએ રશિયા સામે વધુ આકરા નાણાકીય પ્રતિબંધો લાદવાની જાહેરાત કરી હતી. યુરોપના દેશોએ તેમની સરહદોને મજબૂત કરવાની પણ હિલચાલ આદરી હતી. વહેલી સવારે સરપ્રાઇઝ ટીવી સંબોધનમાં રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને જણાવ્યું હતું કે પૂર્વ યુક્રેનના નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા આ જરૂરી છે. પૂર્વ યુરોપમાં છેલ્લાં આઠ વર્ષથી રશિયા સમર્થિત બળવાખોરો યુક્રેનની આર્મી સામે લડી રહ્યાં છે.

વિશ્વના બીજા દેશોને ચીમકી આપતા પુતિને જણાવ્યું હતું કે યુક્રેનમાં દરમિયાનગીરી કરવાના કોઇપણ પ્રયાસના ઇતિહાસમાં ક્યારેય ન જોવા મળ્યા હોય તેવા ગંભીર પરિણામો ભોગવવા પડશે. આ ધમકી રશિયાના અણુશસ્ત્રોનો ઉપયોગ કરવા તૈયાર હોવાનો સંકેત આપે છે. પુતિને આક્ષેપ કર્યો હતો કે અમેરિકા અને તેના સહયોગી દેશોએ નાટોમાં યુક્રેને સામેલ ન કરવાની રશિયાની માગણીની અવગણના કરી છે. રશિયા યુક્રેન પર કબજો મેળવવા માગતું નથી, પરંતુ તેની લશ્કરી તાકાતને નષ્ટ કરવા માગે છે. પુતિનના સંબોધન પછી તરત યુક્રેનની રાજધાની કીવ, ખારકિવ અને ઓડેસા સહિતના શહેરોમાં વિસ્ફોટના અવાજો સંભળાયા હતા. રશિયાએ જણાવ્યું હતું કે તે મિલિટરી ટાર્ગેટ પર હુમલો કરી રહ્યું હતું. યુક્રેનને સૈનિકોને હથિયાર હેઠા મૂકીને ઘરેમાં જતા રહેવાનો પણ રશિયાએ તાકીદ કરી હતી. યુક્રેનની બોર્ડર ગાર્ડ એજન્સીએ જણાવ્યું હતું કે રશિયાએ પડોશી દેશ બેલારુસમાંથી ભારે તોપમારો ચાલુ કર્યો હતો. યુક્રેનને બોર્ડર ગાર્ડે વળતો હુમલો કર્યો હતો. બેલારુસ રશિયાનો સાથી દેશ છે.

યુએસ પ્રમુખ બાઇડેને રશિયા પર વધુ પ્રતિબંધો મુક્યા, પણ લશ્કર નહિ મોકલે

વોશિંગ્ટન: અમેરિકાના પ્રમુખ જો બાઇડેને યુક્રેનમાં રશિયાના હુમલાને કારણે નવા પ્રતિબંધો અમલી બનાવી દીધા છે. તેમણે કહ્યું છે કે રશિયાના નેતા પુતિને યુદ્ધ પસંદ કર્યા છે અને તેમના દેશને તેનું પરિણામ ભોગવવું પડશે. અમેરિકા અને સહયોગી દેશો શાંત નહિ બેસે અને પુતિનના આ પગલાનો આકરો જવાબ આપવામાં આવશે. જોકે તેમણે સેના મોકલવા અંગે કોઇ જાહેરાત કરી નહતી.નવા પ્રતિબંધોમાં રશિયાની બેન્કો, હાઇટેક સેક્ટર્સને નિશાન બનાવાયા છે. અમેરિકા અને તેના સહયોગી દેશો રશિયાની ચાર મોટી બેન્કોની મિલ્કતો બ્લોક કરી દેશે, નિકાશ અંકુશો લાદશે. કેનેડાએ પણ રશિયાના ૫૮ વ્યક્તિઓ અને સંસ્થાઓ પર અંકુશ મુકયા છે.

યુક્રેને ભારત પાસે મદદ માગી

રશિયાના હુમલાથી ભયભીત યુક્રેને ચાણક્ય અને મહાભારત નો ઉલ્લેખ કરીને ભારતને મદદ માટે અપીલ કરી છે. પીએમ મોદીની રશિયાના રાષ્ટ્રપતિની સાથે ઘનિષ્ઠતા જોતાં યુક્રેન ઈચ્છે છે કે ભારત આ યુદ્ધ રોકવા માટે આગળ આવે. ભારત સ્થિત યુક્રેનના રાજદૂત ઇગર પોલિખાએ કહ્યું કે, મહાભારતને યાદ કરો. મહાભારતના યુદ્ધ પહેલા પણ શાંતિની કેટલીક કોશિશ કરાઈ હતી. દુર્ભાગ્યથી મહાભારતમાં શાંતિની એ કોશિશો સફળ રહી નહતી. પરંતુ અમને આશા છે કે આ મામલામાં આવી વાતચીત સફળ થશે.

​​​​​​​

યુક્રેનમાં માર્શલ લો, લોકો ઘરોમાં જ રહે યુક્રેનના પ્રેસિડન્ટ વોલોડિમિર ઝેલેનસ્કીએ વીડિયો સ્ટેટમેન્ટ જારી કરીને માર્શલ લોની જાહેરાત કરી હતી. તેમને નાગરિકોને ગભરાટ ન કરવાનો અને ઘરમાં રહેવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અમેરિકા રશિયાને જવાબ આપવા માટે આંતરરાષ્ટ્રીય સપોર્ટ ઊભો કરી રહ્યાં છે. તેમણે વૈશ્વિક નેતાઓને સહાય કરવાનો પણ અનુરોધ કર્યો હતો.

યુક્રેનનાં 74 સૈન્યસ્થળોને નષ્ટ કર્યાનો રશિયાનો દાવો

મોસ્કોઃ રશિયાની હવાઈ હુમલામાં યુક્રેનને ભારે નુકસાન થયું છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે હુમલો શરુ થયાના 12 કલાક પછી નિવેદન જાહેર કરીને દિવસભરની ઘટનાની માહિતી આપી છે. આ માહિતી અનુસાર રશિયન સૈન્યે હવાઈ હુમલામાં યુક્રેનના સશસ્ત્ર દળોના 74 સૈન્ય સ્થળોને નષ્ટ કરી દીધા છે. યુક્રેની સૈન્યના નષ્ટ થયેલા સ્થળોમાં 11 એરફિલ્ડ, ત્રણ કમાંડ સેન્ટર, એક યુક્રેની નૌકાદળની પોસ્ટ, 18 એસ-300 રડાર અને બુક એર ડિફેન્સ સિસ્ટમ સામેલ છે. આ સિવાય રશિયન સૈન્યે ડોનબાસમાં યુક્રેની એકેટ હેલીકોપ્ટર અને ચાર તુર્કી ઉત્પાદિત બાયરકટાર સ્ટ્રાઈક ડ્રોનને તોડી પાડ્યા છે. રશિયાએ એવો પણ દાવો કર્યો છે કે તેમના સૈન્યે યુક્રેનના એર ડિફેન્સ સિસ્ટમના એન્ટી રેડિએશન મિસાઈલોથી ટાર્ગેટ કર્યા છે. કેટલીક એવી તસવીરો પણ સામે આવી છે, જેમાં રશિયાના હુમલાની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે. રશિયાના દાવા મુજબ સંરક્ષણ મંત્રી સર્ગેઈ શોઇગુએ યુદ્ધમેદાનથી આત્મસમર્પણ કરનાર યુક્રેની સૈનિકોને સુરક્ષિત બહાર લાવવા માટે કોરિડોર બનાવવાનો આદેશ કર્યો છે. આ સાથે રશિયન સૈન્યને આત્મસમર્પણ કરનાર યુક્રેનના સૈનિકોની સાથે સન્માનપુર્ણ વ્યવહાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત યુક્રેનના શહેરો પર હુમલો નહીં કરવા તાકીદ કરાઈ છે.જોકે, રશિયાના આ દાવાઓની હજુ સ્વતંત્ર રીતે ખરાઈ થઈ શકી નથી. જ્યારે યુક્રેનના દાવા મુજબ રશિયાના હુમલામાં 70થી વધુ સામાન્ય નાગરિકોના મોત થયા છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275