પ્રદિપસિંહ, રાદડિયા, બાવળિયાને પડતા મૂકવાનું ભાજપને પડશે ભારે જાણો કેમ…

પ્રદિપસિંહ, રાદડિયા, બાવળિયાને પડતા મૂકવાનું ભાજપને પડશે ભારે જાણો કેમ…

ત્રણ સિનિયર મંત્રીઓને પડતા મૂકાતાં પાટીદાર, ક્ષત્રિય, કોળી સમાજમાં પ્રત્યાઘાત પડે તેવી ભાજપના નેતાઓને ભીતિ

નો રિપીટ થિયરી અજમાવી ભાજપ હાઇકમાન્ડ ગુજરાતની રાજકીય લેબોરેટરીમાં એક નવો પ્રયોગ કરવા જઇ રહી છે .નીતિન પટેલ, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા ઉપરાંત કુંવરજી બાવળિયાને પડતા મૂકવા ભાજપ હાઇકમાન્ડે મન બનાવ્યુ હતું પણ આ ચારેય વગદાર નેતાઓને મંત્રીપદ ન અપાય તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતવિસ્તારમાં મોટો પ્રભાવ પડી શકે છે જેના કારણે મંત્રીના નામો પર પસંદગી અટકી પડી હતી. એટલુ જ નહીં, શપથવિધી સમારોહ પણ રદ કરવો પડયો હતો.

નવા મંત્રીમંડળમાં કોને સમાવવા તે અંગે ભાજપના દિગ્ગજ પ્રદેશ નેતાઓ માથાપચ્ચી કરી રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં પાટીલના નિવાસસ્થાને મોડી રાત સુધી બેઠકોનો દોર ચાલ્યો હતો. એક પણ સિનિયર મંત્રીને પુન મંત્રીપદ નહી આપવા લગભગ નક્કી કરાયુ છે પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાટીદાર સમાજમાં વગદાર નેતા છે. વહીવટી કુશળતા ધરાવે છે. મુખ્યમંત્રી ન બનાવાતા તેઓ ભારોભાર નારાજ છે. તેમના અકળ મૌને ભાજપના નેતાઓને દોડતાં કર્યા છે. નીતિન પટેલ મગનુ નામ મરી પાડવા તૈયાર નથી. હાલ નીતિન પટેલને મનાવવા ભાજપના નેતાઓ પાયલાગુ કરી રહ્યા છે. આ તરફ, ગઇકાલે રાત્રે સી.આર.પાટીલ અને પ્રદિપસિંહ જાડેજા વચ્ચે લગભગ એકાદ કલાક બંધબારણે બેઠક ચાલી રહી હતી. પ્રદિપસિંહ જાડેજા ક્ષત્રિય સમાજનો ચહેરો છે. આ ઉપરાંત કોરોનાકાળમાં તેમણે જ પ્રશંસનીય કામગીરી કરી સરકારની ઇજ્જત બચાવી હતી. લેન્ડગ્રેબિગ એક્ટ હેઠળ ભૂમાફિયાઓને જેલહવાલે કરી કાબેલ ગૃહમંત્રી સાબિત થયા છે આમ છતાંય જાડેજાને ઘેર બેસાડાય તો મતવિસ્તારમા ંજ નહીં, સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડી શકે છે. આજ પ્રમાણે, જયેશ રાદડિયા સૌરાષ્ટ્ર પાટીદાર સમાજ પર પક્કડ ધરાવે છે. યુવા અને ટેકનોસેવી પ્રધાન છે. આમ છતાંય તેમની બાદબાકી કરાશે તો પાટીદાર સમાજની નારાજગી વ્હોરવી પડે તેમ છે. કુંવરજી બાવળિયાને પણ મંત્રીમંડળમાં સામેલ નહી કરવા લગભગ નક્કી કરાયુ છે તે જોતાં કોળી સમાજ ભાજપથી મોં ફેરવવાની તૈયારીમાં છે. આ ચારેય વગદાર નેતાઓને મંત્રી નહી બનાવવાનુ ભાજપને ભારે પડી શકે છે. આ શકંયતા પર ફેરવિચારણા કરી હાઇકમાન્ડનુ માર્ગદર્શન મેળવવા છેલ્લી ઘડીએ શપથવિધી રદ કરવી પડી હતી.

કુંવરજી બાવળિયા અને વાસણ આહિરના સમર્થકો મેદાને પડયાં
મંત્રીપદ મેળવવા ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે.સિનિયર મંત્રીઓની બાદબાકી કરવા ભાજપ હાઇકમાન્ડે મન બનાવ્યુ છે ત્યારે કુંવરજી બાવળિયા અને વાસણ આહિરના સમર્થકોએ મંત્રીપદ આપવા માંગ કરી છે. અખિલ ગુજરાત કોળી સમાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને એવી માંગ કરી છેકે, કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રી બનાવો. આ તરફ, પૂર્વ મંત્રી વાસણ આહિરના સમર્થકોએ પણ કચ્છમાં દરેક સમાજ સાથે વાસણ આહિર ઘરોબો ધરાવે છે એટલે તેમને મંત્રી બનાવવા જોઇએ તેવી માંગણી કરી છે.

મંત્રીમંડળની શપથવિધીના એક દિવસ અગાઉ જ પૂર્વ મંત્રીઓના સમર્થકો મેદાને આવ્યા છે. આ જોતા લાગે છેકે, જો સિનિયર મંત્રીઓનુ પત્તુ કપાશે તો સમર્થકો બળવો કરે તેવી સ્થિતી છે. અત્યારથી કેટલાંક મંત્રીઓના સમર્થકોએ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી છે.

અખિલ ભારતીય કોળી સમાજે મોદીને પત્ર લખી કુંવરજી બાવળિયાને મંત્રી બનાવવા માંગ કરી

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *