પુતિનને હવે કોઈ કાળે સમાધાન કરવું જ નથી, લડી જ લેવું છે, શું યુદ્ધનો અંત ખતરનાક હશે???

પુતિનને હવે કોઈ કાળે સમાધાન કરવું જ નથી, લડી જ લેવું છે,  શું યુદ્ધનો અંત ખતરનાક હશે???

કૃષ્ણકાંત ઉનડકટ

યુદ્ધ લાંબું ખેંચાય એ પછી એક તબક્કે તાકાતવર હોય એ દેશ એવું નક્કી કરી લે છે કે, હવે કોઇ સમાધાન કરવું નથી. છેક સુધી લડી લેવું છે. કાં તો એ નહીં અને કાં તો હું નહીં. રશિયા શક્તિશાળી દેશ છે. જેની પાસે તાકાત હોય એનો પોતાનો એક ઇગો હોય છે. પુતિનનો ઇગો પહાડ જેવડો છે. યૂક્રેને એક મહિના સુધી ટક્કર આપી એટલે પુતિનનો ઇગો ઘવાયો છે. યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડિમીર ઝેલેન્સ્કીએ એવા ઘણા ઇશારાઓ આપ્યા કે અમે સમાધાન કરવા તૈયાર છીએ. યુદ્ધનું સૌથી મોટું કારણ યૂક્રેનની નાટો સાથે જોડાવવાની જીદ હતી. એક તબક્કે પુતિને એવું કહ્યું હતું કે, યૂક્રેન એવું કહી દે કે અમે નાટો સાથે ક્યારેય જોડાશું નહીં તો અમે યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર છીએ. હવે ઝેલેન્સ્કી કહી રહ્યા છે પણ પુતિનને એની વાત માનવી નથી. આ યુદ્ધ હવે પુતિનની આબરૂનો સવાલ થઇ ગયો છે. રશિયાની સેના યૂક્રેનના તમામ શહેરોમાં મોટા મોટા બિલ્ડીંગનો નિશાન બનાવીને મિસાઇલો છોડી રહી છે. ઝેલેન્સ્કી રશિયન સેનાના હાથમાં આવતા નથી અને રોજે રોજ નિવેદનો કરે છે. યુદ્ધના થોડા દિવસ બાદ જ્યારે બંને દેશના પ્રતિનિધિઓ યુદ્ધ ખતમ થાય એ માટે મંત્રણાઓ કરતા હતા ત્યારે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, પુતિન મારી સાથે સીધી વાત કરે, હું કંઇ બચકું નહીં ભરું! આખી દુનિયાના નેતાઓ વ્લાદિમીર પુતિનને યુદ્ધનો અંત લાવવા સમજાવી ચૂક્યા છે. પુતિને કોઇની વાત માની નથી.

પુતિન દિવસેને દિવસે યુદ્ધમાં વધુને વધુ ખતરનાક હથિયારોનો ઉપયોગ કરી રહ્યા છે. રશિયાએ હમણાં વધુ એક વખત એવું કહ્યું કે, અમારા અસ્તિત્ત્વનો સવાલ આવશે તો અમે ન્યૂક્લિયર હથિયારનો ઉપયોગ કરતા પણ અચકાશું નહીં. હવે તો દુનિયાને એ ડર લાગવા માંડ્યો છે કે, પુતિન ક્યાંક ખરેખર પરમાણુ શસ્ત્ર ન છોડી દે! જો આવું થયું તો ત્રીજા વિશ્વયુદ્ધની નોબત આવી જશે. આખું યૂક્રેન ખેદાનમેદાન થઇ ગયું છે. કોના કેટલા સૈનિકો મર્યા અને કેટલા નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા તેના વિશે જુદા જુદા આંકડાઓ આવી રહ્યા છે. યૂક્રેનના લાખો લોકોએ જીવ બચાવવા માટે પડોશી દેશોમાં શરણ લીધું છે. અત્યારે જે સિનારીયો જોવા મળે છે એ અનેક સવાલો પેદા કરે છે! સૌથી મોટી વાત તો એ કે, આખી દુનિયાની શાંતિનો ઠેકો લઇને બેઠેલી સંસ્થા યુનાઇટેડ નેશન્સ શું કરે છે? શું યુનાઇટેડ નેશન્સની ભૂમિકા માત્ર સલાહ આપવાની જ રહી ગઇ છે? જો આવું જ ચાલ્યું તો તેનું કોઇ મહત્ત્વ કે વર્ચસ્વ જ નહીં રહે. અમેરિકા સહિત કેટલાંક દેશો પણ અત્યારે ભેદી રમત રમી રહ્યા છે. બધા એક-બીજા સાથે વાતો કરે છે પણ યુદ્ધ સમાપ્ત થાય એ માટે કોઇ પ્રયાસો જ નથી થતા!

રશિયા યૂક્રેન યુદ્ધને એક મહિનો થયો છે. યૂક્રેને એવા ઘણા ઇશારા આપ્યા કે, અમે સમાધાન માટે તૈયાર છીએ. નાટો સાથે જોડાવવાનો હવે કોઇ સવાલ જ નથી એવું પણ વોલોડિમીર ઝેલેન્સ્કીએ કહ્યું પણ પુતિન કોઇ વાત માનવા કે સમજવા તૈયાર જ નથી!

રશિયાને ડરાવવા માટે પ્રતિબંધોનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. હવે તો એ સવાલ પણ આવ્યો છે કે, જો બધા ખેલ આવી જ રીતે ચાલતા રહ્યા તો પ્રતિબંધોનું શસ્ત્ર પણ બુઠ્ઠું થઇ જશે. અમેરિકા અને તેના સાથી દેશોએ રશિયા, ઇરાન, નોર્થ કોરિયા, સીરિયા સહિત અનેક દેશો સામે પ્રતિબંધો લાદ્યા છે. બે ઘડી વિચાર કરો કે, જેના પર પ્રતિબંધો લાદવામાં આવ્યા છે એ બધા દેશો એક થઇ જાય અને કહી દે કે, તમારા પ્રતિબંધોની ઐસીતૈસી, અમે તો એક-બીજા સાથે સંબંધો રાખવાના, તો શું થાય? અમેરિકા ભલે ગમે એવી વાતો કરે પણ અમુક કિસ્સાઓમાં અમેરિકાને પણ રશિયા વગર ચાલે એમ નથી. સ્પેસ સહિત અનેક ક્ષેત્રો એવા છે જ્યાં બંને સાથે મળીને કામ કરે છે. એક વાત તો એવી છે કે, યુદ્ધ પતે એ પછી રશિયા દુનિયાના દેશો સાથે પણ હિસાબ કરી લેશે અને અમેરિકા પણ એમાંથી બાકાત નહીં હોય. પુતિન કહેશે કે, સંબંધ રાખો તો પૂરેપૂરો રાખો, અડધોપડધો નહીં. ચીન અત્યારે ચૂપ બેઠું છે પણ યુદ્ધ પતે એ પછી એનું પણ પોત પ્રકાશવાનું છે. અમેરિકાની વાયડાઇ ચીનને પણ ખૂંચી રહી છે. અમેરિકા ડરાવવાના ધંધા કરે છે એ ચીનથી પણ સહન થતું નથી.

રશિયા યૂક્રેનનું યુદ્ધ પતે એ પછી ઘણા બધા આંતરરાષ્ટ્રીય સમીકરણો બદલી જવાના છે. જે કંઇ થશે એમાં ભારતની ભૂમિકા પણ મહત્ત્વની રહેવાની છે. જે રીતે રશિયા યૂક્રેનનું યુદ્ધ ચાલ્યું એ જોઇને આખી દુનિયાને એક પાઠ તો શીખવા મળ્યો જ છે કે, યુદ્ધ કરવાથી કોઇ ફાયદો તો નથી જ ઉલટું નુકશાન જ છે. ચીનના વિદેશ પ્રધાન વાંગ યી આજે એટલે કે ગુરૂવારે આપણા દેશની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત પછી ભારત અને ચીન વચ્ચેનો તણાવ પણ ઘટે એવી શક્યતાઓ છે. આપણા દેશે રશિયાના યૂક્રેન પર હુમલાની ટીકા કરી નથી કે રશિયા પર કોઇ પ્રતિબંધો લાદ્યા નથી એ અમેરિકાને ગમ્યું નથી. અમેરિકા અત્યારે ભારત સાથે સંબંધ બગાડી શકે એમ નથી, બાકી એ પણ સખણું રહે એમ નથી. અમેરિકાને ખબર છે કે, ભારત જો આડું ચાલ્યું તો આપણને ભારે પડી જશે. અમેરિકાએ ગમે તેમ કરીને પોતાની જગત જમાદારની ભૂમિકા જાળવી રાખવી છે. અમેરિકાનો દબદબો છેલ્લા થોડા સમયમાં ઘટ્યો છે. અમેરિકાએ અફઘાનિસ્તાનમાંથી જે રીતે ભાગવું પડ્યું એ ઘટનાએ અમેરિકાની ઇમેજને ઝાંખી પાડી છે.

પુતિને ફરીથી કહ્યું કે, અમારા અસ્તિત્ત્વનું જોખમ લાગશે તો અમે ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરીશું. પુતિન ઇચ્છે છે કે, યૂક્રેન ઘૂંટણિયા ટેકવી દે. યૂક્રેને આટલી ટક્કર આપી એ પણ પુતિનથી સહન થતું નથી. શું યુદ્ધનો અંત ખતરનાક હશે?

છેલ્લા થોડા સમયથી અમેરિકાનું જે વર્તન રહ્યું છે એ જોઇને સાથી દેશોને પણ એવો સવાલ થવા લાગ્યો છે કે, અમેરિકાનો ભરોસો કઇ હદ સુધી કરવો? આપણે અમેરિકા સાથે સારા સંબંધ છે પણ અમેરિકાના કારણે આપણે કોઇની સાથે સંબંધ બગાડ્યા નથી. આપણા દેશને તટસ્થ રહેવાના ફાયદા મળી રહ્યા છે. અમેરિકાએ એ જોઇને ખુશ થતું હશે કે યૂક્રેન સાથેના યુદ્ધમાં રશિયાની હાલત કફોડી થઇ ગઇ છે. યુદ્ધ પછી પ્રતિબંધોના કારણે રશિયાનું વર્ચસ્વ ઘટશે એવું અમેરિકાનું માનવું છે. આર્થિક રીતે પણ પોતાને ફાયદો થશે એવી ગણતરી અમેરિકાએ માંડી જ હશે. પ્રતિબંધોને લઇને પણ પુતિન શું ખેલ કરશે એ જોવાનું છે. અત્યારે સૌથી મહત્ત્વની વાત એ છે કે, રશિયા યૂક્રેનનું યુદ્ધ વહેલીતકે ખતમ થાય. યુદ્ધમાં એવી નોબત ન આવે કે, રશિયા ન્યૂક્લિયર વેપનનો ઉપયોગ કરે. યુદ્ધમાં અત્યાર સુધીમાં જેટલું થયું છે એટલું પણ બહુ છે. આખી દુનિયામાં યુદ્ધની અસરો જોવા મળી રહી છે. ઓઇલના વધતા ભાવોને કારણે નાના દેશોની હાલત ખરાબ થઇ ગઇ છે. અમુક દેશો તો આર્થિક પતનના આરે આવીને ઊભા છે. પુતિન ઓલરેડી વિફરેલા છે. યૂક્રેન જો વહેલી તકે નમતું નહીં જોખે તો પુતિન કોઇ પણ હદે જતાં અચકાય એવા નથી. આશા રાખીએ કે કંઇ અજુગતું ન થાય!

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275