સુરતમાં પટેલ અગ્રણીઓ આવ્યા આકરા પાણીએ, કહ્યું- અસામાજિક તત્વ બની ગયેલા કપલબોક્સ બંધ કરાવો…

સુરતમાં પટેલ અગ્રણીઓ આવ્યા આકરા પાણીએ, કહ્યું- અસામાજિક તત્વ બની ગયેલા કપલબોક્સ બંધ કરાવો…

સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ નરાધમ યુવક દ્વારા જાહેરમાં 21 વર્ષની ગ્રીષ્મા વેકરિયાનું ગળુ કાપીને ઘાતકી હત્યાના બનાવથી આખા ગુજરાતમાં ભારે ગુસ્સો વ્યાપો છે. કોલેજીયન ટપોરી દ્વારા દીકરીની આ રીતે ઘાતકી હત્યાએ ભદ્ર સમાજના લોકોને વિચારતા કરી દીધા છે. કેવી રીતે સુરતનો એક છોકરો આટલો નિર્દયી બન્યો? કેમ તેણે માસૂમ યુવતીને જાહેરમાં રહેંસી નાંખી? આવા અનેક સવાલોના જવાબ સમાજના પ્રતિષ્ઠિત લોકો શોધી રહ્યા છે. દરમિયાન સમાજનો એક વર્ગ સુરતમાં ફેલાયેલા કલ્ચરને જવાબદાર માની રહ્યો છે.

સમાજમાં ફેલાયેલી ગંદકી માટે લોકો હાલના કલ્ચરને જવાબદાર ઠેરવી રહ્યા છે. જે અંતર્ગત પાટીદાર સમાજના અગ્રણીઓએ સોમવારે પોલીસ કમિશ્નરને મળીને આવેદન પાઠવ્યું હતું. જેમાં અગ્રણીઓએ શહેરમાં ચાલી રહેલા સ્મોકિંગ રૂમ, હુક્કાબાર, સ્પા-પાર્લર પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી છે.

પાટીદાર સમાજના અગ્રણીઓએ સુરત પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને આવેદન પાઠવ્યું હતું. જેમાં સુરતના વરાછા રોડ પર કાપોદ્રા, વેલંજા, કામરેજ, લસકાણા, યોગીચોક, મોટા વરાછા, પુણા, માતાવાડી જેવા વિસ્તારમાં કપલ બોક્સ, પાન પાર્લર, અને સ્મોકિંગ રૂમ ચાલી રહ્યા છે, તેના પર કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.

આવેદનમાં કહેવામાં આવ્યું છે કે સુરતના આ વિસ્તારોમાં અસામાજિક તત્વો બેસીને ડ્રગ્સ, બીડી, દારૂ જેવા પદાર્થોનું સેવન કરે છે. આ તત્ત્વો યુવતીઓ, મહિલાઓને પરેશાન કરતા હોવાનું આવેદનમાં કહેવામાં આવ્યું છે. આ આવેદન દિનેશ નાવડિયા, મથુરભાઇ સવાણી, વેલજી શેટા, કાનજી ભાલાળા, લાલજી ટી પટેલ, હરિભાઇ કથિરિયા, કેશુભાઇ ગોટી, રામજી પટેલ, સીપી વાનાણી તેમજ સવજી વેકરિયા દ્વારા પાઠવવામાં આવ્યું હતું.

શું હતો બનાવ
મૂળ જૂનાગઢના નાગલપુરના વતની અને હાલ પાસોદરા પાટિયા-નવાગામ ખાતે આવેલી લક્ષ્મીધામ સોસાયટીમાં રહેતી ગ્રીષ્મા નંદલાલ વેકરિયા (ઉં.વ.21) જે.જે.શાહ કોલેજમાં બી-કોમનો અભ્યાસ કરે છે. દરમિયાન તેની સાથે અભ્યાસ કરતા મૂળ મોટી વાવડી, ગારિયાધારના વતની અને હાલ કાપોદ્રા સાગર સોસાયટીમાં રહેતો ફેનીલ પંકજ ગોયાણી છેલ્લા ઘણા સમયથી ગ્રીષ્માને હેરાન-પરેશાન કરતો હતો.

છેલ્લા કેટલાક દિવસથી યુવક ફેનિલ યુવતી ગ્રીષ્મા નો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. દરમિયાન એકતરફી પ્રેમમાં પાગલ બનેલા ફેશન ડિઝાઇનર ફેનીલ સાંજે ગ્રીષ્માના ઘરે પહોંચી ગયો હતો.

ગ્રીષ્મા વેકરિયાના મોટા પપ્પાએ આજે ફરી ઠપકો આપતા યુવક ફેનિલે ઉશ્કેરાઈને ચપ્પુથી હુમલો કર્યો હતો. યુવતી વચ્ચે પડતા યુવતીને બંધક બનાવી તેને રસ્તા પર લઈ ગયો હતો. યુવતીના પરિવાર સભ્યો તેમજ અન્ય લોકો ગ્રીષ્માને છોડી મુકવા આજીજી કરતા રહ્યા હતા પરંતુ ફેનીલ એકનો બે થયો ન હતો. અને નિર્દયી ફેનિલે સરાજાહેર પરિવારની સામે ચપ્પુથી ગળું કાપી ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. છોડાવવા વચ્ચે પડેલા ગ્રીષ્માના મોટા કાકા સુભાષભાઈને તેમજ ગ્રીષ્માના ભાઇ ધ્રુવને પણ ચપ્પુથી ઇજા પહોંચાડી હતી.

એટલું જ નહીં ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પર પણ ફેનિલ ગોાયાણીએ હુમલાની કોશિશ કરી હતી. ત્યારબાદ હત્યારા યુવકે ઝેરની ગોળી ખાધી હતી. પોલીસ આવતા હાથની નસ કાપી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બાદમાં તેને સ્વિમેર હોસ્પિટલ ખસેડી તપાસ હાથ ધરી છે. પોલીસે યુવકની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. ગ્રીષ્માના પિતા નાઇજીરીયામાં હીરાના વેપાર સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રીષ્મા માતા વિલાસબેન અને ભાઇ સાથે રહેતી હતી. ગ્રીષ્માની હત્યાની જાણ થતાં જ તેના પિતા નાઇજીરીયાથી વતન આવવા રવાના થઈ ગયા છે. આ ચકચારી ઘટનાથી આખા ગુજરાતમાં રોષ સાથે અરેરાટી વ્યાપી ગઈ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.