યૂક્રેનમાં ફસાયેલા અંદાજે 18,000 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 5,000 ગુજરાતીઓ છે, અને તેમાંથી 500 જેટલા માંડ પાછા આવ્યા…

યૂક્રેનમાં ફસાયેલા અંદાજે 18,000 ભારતીય વિદ્યાર્થીઓમાંથી 5,000 ગુજરાતીઓ છે, અને તેમાંથી 500 જેટલા માંડ પાછા આવ્યા…

15મી ફેબ્રુઆરીએ પરત આવવા માગતા વિદ્યાર્થીઓને કોલેજે 15 દિવસમાં પાછા ફરવાનું એલ્ટિમેટમ આપ્યું આથી મોટા ભાગના પરત ન આવ્યા, યુદ્ધ થતાં કોલેજોએ ઓનલાઈન શિક્ષણ શરૂ કર્યું પરંતુ ઈન્ટરનેટ જ બંધ છે

રશિયાએ રાતોરાત યૂક્રેન પર આક્રમણ કર્યું છે ત્યારે ત્યાં ભણતાં અંદાજે 18,000 ભારતીય વિદ્યાર્થીઓમાંથી બહુ ઓછા પાછા આવી શક્યા છે. ત્યાં ભણતા 5,000 ગુજરાતી વિદ્યાર્થીઓમાંથી માંડ 500 જેટલા પાછા આવ્યા છે. આક્રમણ થતાં જ યૂક્રેનની સરકારે તેની એરસ્પેસ પર પ્રતિબંધ ફરમાવી દેતાં આ તમામ ગુજરાતી વિદ્યાર્થીઓ રઝળી પડયાં છે. ગુજરાતના ત્રણ મંત્રીઓ રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી અને હર્ષ સંઘવીએ એવી બાંહેધરી આપી હતી કે, અમે બધી માહિતી વિદેશ મંત્રાલયને મોકલી છે અને કિવની ભારતીય એમ્બસી તમામ મદદ કરી રહી છે. પરંતુ જે વિદ્યાર્થીઓએ ગુજરાતમાં પોતાના પરિજનો સાથે વીડિયો કોલ કર્યાં તે દરેકે એકસરખી ફરિયાદ કરેલી કે, એમ્બસીમાં કોઈ જ તેમના ફોન સુદ્ધાં ઉપાડાતા નથી. બીજી તરફ, આ વિદ્યાર્થીઓને તેમની કોલેજોની બેદરકારી પણ નડી. 15 ફેબ્રુઆરીથી વિદ્યાર્થીઓ કહેતા હતા કે તેમને સ્વદેશ જવા દો, પરંતુ ત્યારે 15 દિવસમાં પાછા ફરવાના હોવ તો જ જવાની વાત કરેલી. હવે જ્યારે આક્રમણ થયું છે અને ઈન્ટરનેટ ડાઉન છે ત્યારે કોલેજોએ ઓનલાઈન ક્લાસ શરૂ કર્યાં છે.

…મમ્મી અહીં સવારથી બ્લાસ્ટ થાય છે, સાયરનો વાગે છે મને બચાવી લો’

યુક્રેનના ઓડેશામાં મારી સાથે અન્ય ત્રણ વિદ્યાર્થીઓ છે. ગતરોજની અમારી ફ્લાઈટ હતી. પરંતુ પરિસ્થિતિ વિકટ બનતાં ફ્લાઈટો રદ થઈ જતાં અમે અહીં ફસાયા છીએ. અહીંના તમામ મોલ અને સ્ટોરો ખાલીખમ થઈ ગયા છે . જ્યારે મારા ઘરેથી માતાનો ફોન આવ્યો તે જ સમયે ઘરથી માત્ર 1.5 કિમી દુર જ બોમ્બ બ્લાસ્ટ થયો જેથી મારા હાથમાંથી ચાલુ ફોન પણ છુટી ગયો હતો. અમે ગભરાઈ ગયા હતા. હાલ બપોર પછી કોઈ ધડાકાનો અવાજ નથી આવ્યો

અમારી પાસે ૩ દિવસ ચાલે તેટલું જ કરિયાણું છે

રાજકોટનો હર્ષ સોની નામનો વિદ્યાર્થી એમબીબીએસનો અભ્યાસ કરવા યુક્રેન ગયો છે. તેણે જણાવ્યું હતું કે, અહીં પરિસ્થિતિ અત્યંત નાજુક છે. દરેક લોકો જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે વલખા મારી રહ્યા છે. મોલ અને કરિયાણાની દુકાનો પણ હવે ખાલીખમ થઈ ગઈ છે. અમારી પાસે ત્રણ જ દિવસ ચાલે તેટલું કરિયાણું છે. દૂધ સહિતની ચીજો મળવી પણ મુશ્કેલ બની ચૂકી છે. અમે 40 જેટલા ગુજરાતીઓ અહીં ફસાયા છે અને તમામમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત સરકારે ત્વરિત કોઈ મદદ કરી અમને વતન પરત મોકલે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.

મારી બિલ્ડિંગની સામે જ ધડાકો થયો અને ધુમાડા નીકળ્યા હતા

પાટણ જિલ્લાના રાધનપુરના ત્રણ વિદ્યાર્થીઓ યુક્રેનમાં આવેલ ઓડેસા સીટીની એમબીબીએસની ડીગ્રી પ્રાપ્ત કરવા ગયા હતા, જેમાંથી બે વિદ્યાર્થી યુદ્ધના ભણકારાને લઈને 17 ફેેબ્રુઆરીના રોજ રાધનપુર ખાતે યુક્રેનથી પરત ફર્યા હતા, પરંતુ આજે હર્ષ જીતુભાઈ દરજી (રહે.રાધનપુર શેરબાગ)નામના યુવક રાધનપુરમાં ફરત ફરી શકયો નથી. તેમણે કહ્યુ હતું કે, ર૬ ફેબ્રુઆરીએ મારે વતન આવવાનુ હતુ પરંતુ યુધ્ધને કારણે ફલાઈટ કેન્સલ થઈ હતી. આજ વહેલી સવારે મારી બિલ્ડીગ સામે ધડાકો થયો અને ધુમાડાઓ નિકળ્યા હતાં. પાંચ દિવસ ચાલે તેટલો ખાવાનો સામાન અમોને મળ્યો છે.

સરકારે બંકરનો નક્શો આપ્યો અને કહ્યું, જો હુમલો થાય તો છુપાઈ જજો

સુરતના મોટા વરાછા યોગીચોક વિસ્તારમાં રહેતો મૌલિક પેથાણી નામનો વિદ્યાર્થી છેલ્લા 4 વર્ષથી યુક્રેનમાં સ્મ્મ્જીનો અભ્યાસ કરે છે. યુદ્ધ ફટી નીકળતા તેઓ યુક્રેનની ટર્નોપિલ સિટીમાં ફ્સાયા છે. યુદ્ધ શરૂ થતાં જ એક રૂમમાં કેદ થઇ ગયા છે. મૌલિકે જણાવ્યું હતું કે, હાલ તેઓ ટર્નોપિલ સિટીમાં છે. અહીં પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ, ઘરની બહાર નીકળવાની મનાઈ ફરમાવાઈ છે. આ ઉપરાંત અહીં રહેતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા બંકરનો નક્શો આપવામાં આવ્યો છે અને જો હુમલો થાય તો બંકરમાં છૂપાવા આદેશ કર્યો છે. મૌલિકના પિતાએ જણાવ્યું હતું કે, તે બે દિવસ પહેલાં જ ભારત આવવા તૈયાર થયો હતો.

હવે લાઇટો અને ગેસ પણ બંધ થશે એવી નોટિસ આપવામાં આવી

બે હજારથી વધુ ઈન્ડિયન યુક્રેનના નાના એવા ટર્નોપિલ સ્ટેટમાં ફસાયેલા છે. પ્રોવિઝન સ્ટોર અને પાણીની દુકાનો બંધ થઈ રહ્યા હોવાથી જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે મુશ્કેલી થઈ છે. એવી નોટિસ અપાઈ છે કે થોડા સમયમાં લાઈટ અને ગેસ પણ બંધ કરી દેવાશે. નેટ અને ઓનલાઈન માધ્યમ પણ બંધ થઈ જવાની સંભાવના છે.

હાથમાં પૈસા પણ નથી, હવે શું કરીશું તેની ચિંતા સતાવે છે

હાલ યુક્રેનમાં તમામ એરપોર્ટ બંધ કરી દેવાયા છે. ઘણા સમયથી ટિકીટો પણ મળતી નથી. લોકોને ઘર બહાર ન નીકળવા માટે આદેશ આપ્યા છે. અનેક વિદ્યાર્થીઓ પૈસા વગર ફસાયેલા છે.

મોલ અને રસ્તાઓ પર મિલિટરી જોઈને ડર લાગતો હતો, બે મહિનામાં જ પાછી આવી ગઈ

યુક્રેનના ચેરનોવિટીસી સિટીમાં બુકોવિનિયન સ્ટેટ મેડિકલ યુનિ.માં પહેલાં વર્ષમાં એડમિશન લીધુ હતુ. બે મહિનામાં જ પરત આવવા મજબૂર થવુ પડયુ છે. અમોને મોલ અને રસ્તાઓ પર જ્યાં જાઓ ત્યાં મિલિટરી જોઈને ડર લાગતો હતો. મારી સાથે અન્ય 10થી 15 વિદ્યાર્થીઓ હતા.

બે દેશો વચ્ચે તંગદિલીનો માહોલ લાગતાં દીકરીને પરત બોલાવાનો નિર્ણય લીધો

રશિયા- યુક્રેન વચ્ચે તંગદિલીનો માહોલ લાગતાંની સાથે જ દિકરીને પરત બોલાવાનો નિર્ણય લીધો હતો. અન્ય દિવસોમાં 22 હજારની એર ટિકિટનો ભાવ માત્ર પાંચ કલાકમાં 51 હજારની થઈ ગઈ હતી. આ કિંમત પણ ચૂકવી દિકરીને પરત બોલાવીને ખુશ છીએ. પરિસ્થિતિ શાંત ન થાય ત્યાં સુધી મોકલીશું નહીં.

પરિસ્થિતિ ઈમરજન્સી જેવી થઈ ગઈ છે, સાયરનો વાગે છે, અમારી મદદ કરો

યુક્રેનના ટરનોપીલમાં રહેતી ભરૂચની આયેશા શેખ હાલ પોતાની બે મિત્રો સાથે ફસાયેલી છે. તે સરકારને અપીલ કરી રહી છે કે પૈસાને ન જોતાં અમારી જીંદગીને જોઈને અમને જલ્દીમાંથી જલ્દી અહીંથી બહાર કાઢવામાં આવે. સતત સાયરનના અવાજ સાથે ઈમરજન્સી જેવો માહોલ બની ગયો છે.

યૂક્રેનની સરકાર ભારતીય વિદ્યાર્થીઓની જવાબદારી ઉઠાવવા તૈયાર નથી

અહીંની સરકાર ભારતના વિદ્યાર્થીઓની રિશપોન્સીબીલીટી નથી લઈ રહી, ભારત સરકાર અમારી મદદ કરીને અમને જલ્દી ભારત પરત લાવે.

મોલ-ATM ખાલીખમ થઈ ગયા છે

અહીંના એટીએમ સહિત મોલમાં મોટી લાઈનો લાગી છે. સાથે એટીએમ સહિત મોલ પણ ખાલી થઈ ગયા છે. અહીંની હાલત ખૂબ ખરાબ છે. જલ્દી અમને ઈન્ડીયા લાવવા પ્રયત્નો કરવામાં આવે તેવી જલ્દી વ્યવસ્થા કરવામાં આવે

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ હાલમાં ગુજરાતના દરેક જિલ્લામાં કલેક્ટર દ્વારા યુક્રેનમાં ભણતા વિદ્યાર્થીઓ સહિતના કુલ કેટલા ગુજરાતીઓ ફસાયા છે તેની માહિતી એકત્ર કરી સરકારમાં મોકલવામાં આવી રહી છે. ગુજરાત સરકાર આ માહિતી એમ્બેસીને મોકલી રહી છે. એમ્બેસી દ્વારા આ વ્યક્તિઓ યુક્રેનમાં જ્યાં છે ત્યાંથી તેમને શોધી બોર્ડર ક્રોસ કરાવી પોલેન્ડ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. બોર્ડર ક્રોસ કરાવ્યા બાદ તેમને હવાઇમાર્ગે ભારત પરત લાવવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઓછામાં ઓછા ચાર પાંચ દિવસ વીતી જાય એવી શક્યતા સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.

1,485 કરોડનો ખર્ચ : 5,500 વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર

યુક્રેનમાં હાલમાં ગુજરાતના આશરે 5,500 જેટલા વિદ્યાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરે છે. આવી એક વિદ્યાર્થીનીના પિતાએ સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ભારતમાં ખાનગી કોલેજમાં મેડિકલનો અભ્યાસ કરવો હોય તો આશરે રૂ 1.5 કરોડ જેટલી ફી થાય છે, જ્યારે યુક્રેનમાં છ વર્ષના કોર્ષ માટે કુલ રૂ. 27 લાખનો જ ખર્ચ થાય છે એટલે અમે યુક્રેનમાં અભ્યાસ માટે દીકરીને મોકલી હતી. ભારતમાં આટલો બધો ખર્ચ કરવો કેવી રીતે પરવડે? વિદ્યાર્થીનીના વાલીએ કહેલી વાત અને ગુજરાતના કુલ વિદ્યાર્થીના અંદાજના આધારે બેક ઓફ ધ એન્વેલોપ ગણતરી કરીએ તો કુલ 5,500 વિદ્યાર્થીમાંથી પ્રત્યેકના રૂ. 27 લાખ લેખે કુલ રૂ. 1,485 કરોડનો ખર્ચ થાય. હાલમાં યુક્રેનમાં આ વિદ્યાર્થીઓના જીવન મરણનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે ત્યારે એમ કહી શકાય કે 1,485 કરોડનો ખર્ચ છતાં આ વિદ્યાર્થીઓનું ભવિષ્ય દાવ પર લાગેલું છે.

એરપોર્ટ પાસે હુમલો થયો છે, શું કરવું ખબર નથી પડતી

હું હાલ યુક્રેનમાં છું. અહીં ઈવાનો ફ્રાંકિવ્સકના એરપોર્ટ પાસે હુમલો થયો છે. અમને નથી ખબર કે અમારે શું કરવું? ભારતીય દુતાવાસ જલ્દી કોઈ પગલાં લે અને અમને અહીંથી બહાર કાઢે.
સવારના પાંચ વાગ્યાથી બ્લાસ્ટ થાય છે, ગભરાટ થાય છે
યુક્રેનમાં 18 હજાર જેટલા ભારતીય વિદ્યાર્થીઓ છે. અત્યારે ત્યાં કોઈ સેફ નથી. મારા મિત્રો કીવમાં રહે છે. આજે સવારે જ ત્યાં બોંબ બ્લાસ્ટ થયા છે. સવારના પાંચ વાગ્યાથી બધા જાગે છે.
એરપોર્ટ બંધ થઈ ગયું, એમ્બેસીનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે
શહેરનું એરપોર્ટ બંધ થઈ ગયું છે. અમે ઈન્ડિયન એમ્બેસીનો સંપર્ક કરવાનો સતત પ્રયાસો કરી રહ્યા છીએ.પરંતુ સંપર્ક થઈ શકતો નથી.
વહેલી તકે બીજા દેશમાં શિફ્ટ કરી દેવાશે
ઈન્ડિયન એમ્બેસી દ્વારા નવી જાહેરાત આવી છે. તેઓ દ્વારા સામાન પેક કરી રાખવા અને બેંકમાંથી જરૂરિયાત મુજબના નાણા ઉપાડી હાથ પર રાખવા જણાવાયું છે. ગમે ત્યારે ઈમરજન્સી જાહેર થઈ જશે. શક્ય હશે તો ચાર્ટર્ડ પ્લેન અથવા બીજા કોઈ વાહનમાં નજીકના દેશમાં શિફ્ટ કરી દેવાશે.

અનેક લોકો ટ્રેનમાં ફસાયા છે
યુક્રેન ઉપર હૂમલો થતાં કીવ શહેરમાં અનેક લોકો ટ્રેનમાં ફસાયેલા છે. આ મુશ્કેલીમાંથી બહાર કાઢવા ભારત સરકાર પાસે મદદ માંગી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275