મહેસાણાની આ દિવ્યાંગ મહિલાને સલામ, 80 ટકા દિવ્યાંગ હોવા છતાં 16 વર્ષથી સૂતા-સૂતા ઘરના કામ કરે છે

હે પ્રભુ… તે જે નથી આપ્યું એનો અફસોસ ક્યારેય નહીં કરું, કારણ કે તે મને એવું ઘણું આપ્યું છે જેની મે કલ્પના પણ નહોતી કરી. આવી જ કઇક ગાથા છે મહેસાણાના 80 ટકા દિવ્યાંગ ભાવનાબેનની. જે છેલ્લા 16 વર્ષથી સૂતા-સૂતા ઘરકામ કરે છે. તેમણે દોઢ વર્ષના પુત્રને ઉછેરીને 17 વર્ષનો કર્યો છે.
સમગ્ર વિશ્વમાં 8 માર્ચના દિવસને વિશ્વ મહિલા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે અનેક મહિલાઓની ગાથા દુનિયા સમક્ષ આવતી હોય છે. ત્યારે આજે વાત કરવી છે એક એવી મહિલાની જેમની સંઘર્ષ ગાથા સાંભળીને ઉવાડાં ઉભા થઇ જાય. મહિલા પોતે 80 ટકા વિકલાંગ હોવા છતાં પોતાના દીકરાને જુસ્સા ભેર ઉછેરી હાલમાં તેનું પાલન કરી રહ્યા છે.
મહેસાણા શહેરમાં આવેલા સોનીવાડ વિસ્તારમાં રહેતાં ભાવનાબેન ઠાકોરની સંઘર્ષ ગાથા સાંભળી ભલભલા લોકોના રૂંવાડાં ઊભાં કરી દે એવી છે. આ વિધવા મહિલા થોડાં વર્ષ અગાઉ માલગોડાઉન રોડ પર પતિ, પુત્ર સાથે રહેતા હતા. એ સમયે મકાનનો છતનો ભાગ મહિલા પર પડતાં તેઓ ઇજાગ્રસ્ત બન્યા હતા અને શરીરમાં ઈજાઓ થતાં તેઓ કાયમી અપંગ બન્યાં હતાં. છેલ્લાં 16 વર્ષથી તેઓ બાળકને સાચવે છે અને બેડ પર સૂતાં-સૂતાં ઘરનાં કામ કરે છે.
2007માં દુર્ઘટના ઘટી શહેરના માલગોડાઉન વિસ્તારમાં 2007માં ભાવનાબેન ઠાકોર તેઓ પોતાના પતિ રમણજી અને દોઢ વર્ષીય પુત્ર વિપુલ સાથે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે જર્જરિત મકાનમાં ભાડેથી રહેતાં હતાં. ત્યારે તેમના મકાનની ગેલેરીમાં ઊભાં હતાં ત્યારે જર્જરિત મકાનની ગેલરી જમીન દોસ્ત થઈ જતાં આ મહિલા જમીન પર પટકાયા હતાં. કમરના મણકામાં ઇજા થતાં કમરની નીચેનો ભાગ કાયમી માટે કામ કરતો બંધ થઈ ગયો હતો.
દુર્ઘટનાના 6 મહિના બાદ કેન્સરગ્રસ્ત પતિનું પણ મૃત્યુ ભાવનાબેન પર છત પડવાના અકસ્માતના છ મહિના બાદ તેમના કેન્સરગ્રસ્ત પતિનું પણ મોત નીપજતાં આ મહિલા આર્થિક અને શારીરિક યાતનાઓ વેઠીને પોતાના દોઢ વર્ષના પુત્રને ઉછેરીને મોટો કર્યો. આજે પુત્ર 17 વર્ષનો થઇ ગયો છે અને મહિલાનો સહારો બન્યો છે. મહિલાઓની યાતનાને સમજીને સ્થાનિક માલગોડાઉનના વેપારીઓ મદદ કરી રહ્યા છે. જોકે, માહિલાએ જણાવ્યું હતું કે, અફસોસ એ વાતનો છે કે, હું જે સમાજમાંથી આવું છું એ ઠાકોર સમાજના કોઈ આગેવાને મારી ખબર સુધ્ધાં પૂછી નથી.
સૂતાં-સૂતાં રસોઈ, કપડાં જેવાં કામો કરે છે અકસ્માતમાં કાયમી અપંગતા ઘરાવતાં ભાવનાબેન કુંતા સૂતાં-સૂતાં જ પોતાના ઘરમાં રસોઈ બનાવવાનું અને કપડાં ધોવા સહિતનું કામ જાતે જ કરે છે. જોકે, કચરા-પોતું કરવા માટે કે અન્ય ભારે કામ કરવા માટે તેમનો પુત્ર વિપુલ તેમની મદદ કરવા હંમેશાં ખડેપગે રહે છે.
વિધવા સહાયની રકમ મળે છે ભાવનાબેનના પતિના અવસાન બાદ તેમને માનસિક વિધવા સહાયની સરકારી રકમ મળે છે, પરંતુ તેમને વિકલાંગ હોવાનું સરકારી સર્ટિફિકેટ મેળવવા ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે. પતિ હયાત હતા ત્યારે સરકારી કચેરીમાં વિકલાંગતાનું સર્ટિફિકેટ લેવા ધક્કા ખાતા હતા, પરંતુ પતિના અવસાન પછી 14 વર્ષ પછી પણ આ મહિલાને સર્ટિફિકેટ માટે રાહ જોવી પડી હતી.
શરીરથી વિકલાંગ છુ મનથી નહીં: ભાવનાબેન
ભાવનાબેને દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તકલીફ તો ઘણી પડી શરીર સાથ નહોતું આપતું અને બીજું તો ઘરમાં કોઈ કમાવનાર નહીં. પુત્ર જ્યારે 9 વર્ષનો હતો ત્યારે તેના પિતા ગુજરી ગયા. એક બાજુ દીકરાને ભણાવવો કે ઘર ચલાવવું એજ સમજ નહોતી પડતી. વિધવા સહાયના 1200માં ઘર ચાલતું નહોતું. પરંતુ લોકડાઉન સમયમાં સંસ્થાઓ અમારા ઘર સુધી આવી ત્યારે હાલમાં થોડી પરિસ્થિતિ સારી છે. ઘરનું ભાડું અને કરીયાણાની કીટ સામાજિક પ્રવુતિ ધરાવતા લોકો મોકલી આપે છે.
ભાવનાબેને વધુમાં જણાવ્યું કે, હું વિકલાંગ ભલે છુ પણ હું મનથી હજુ વિકલાંગ નથી થઈ. મારે એક દીકરો છે. જેથી મારા મનમાં એક આશા છે કે દીકરો ભણી ગણી આગળ વધે. મારામાં હિંમત એટલે છે કે હું એક સ્ત્રી છુ અને સ્ત્રી એક શક્તિ કહેવાય એટલે મેં હિંમત હારી નથી. આમ ભલે શરીર સાથ નથી આપતું પણ મેં હિંમત નથી હારી, મારાથી જે કામ થાય એ હું કરી લઉં છું.
મહિલા દિવસ પર દરેક મહિલાને એજ કહેવા માંગુ છું કે, હું આટલી તકલીફ હોવા છતાં જુસ્સા ભેર જીવું છુ અને મારા પગ નથી ચાલતા પણ હાથ ચાલે છે એટલે કોઈ તકલીફ નથી. એટલે કોઈ પણ તકલીફ કે દુઃખ આવે તો નાસીપાસ ના થવું તેનો હિંમતથી સામનો કરવો અને જુસ્સા સાથે જ જીવવું.