હવે છેતરપિંડીના કિસ્સામાં ગ્રાહકોને ઝડપી ન્યાય મળશે, સ્ટેટ અને જિલ્લા કન્ઝ્યુમર કોર્ટને નવા જજ મળશે, 58 પ્રેસિડેન્ટની ભરતીપ્રક્રિયા હાથ ધરાઈ…

હવે છેતરપિંડીના કિસ્સામાં ગ્રાહકોને ઝડપી ન્યાય મળશે, સ્ટેટ અને જિલ્લા કન્ઝ્યુમર કોર્ટને નવા જજ મળશે, 58 પ્રેસિડેન્ટની ભરતીપ્રક્રિયા હાથ ધરાઈ…

ગ્રાહકો સાથે અવારનવાર બનતી છેતરપિંડીની ગેરરીતિના કિસ્સામાં ન્યાય મેળવવા માટે હવે તેમણે લાંબો સમય રાહ નહીં જોવી પડે, કારણ કે ટૂંક સમયમાં રજની કન્ઝ્યુમર કોર્ટ, જેને હવે કન્ઝ્યુમર કમિશન તરીકે ઓળખવામાં આવે છે, તેમાં પ્રેસિડેન્ટ તથા મેમ્બરની જગ્યા માટેની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. ટૂંક સમયમાં અમદાવાદ સ્ટેટ કમિશન સહિત રાજ્યના તમામ જિલ્લાની કન્ઝ્યુમર કોર્ટમાં 19 પ્રેસિડેન્ટ અને 39 નોન-જ્યુડિશિયલ સભ્ય તરીકે નવા જજ મળશે, જેમની છેલ્લાં 3 વર્ષથી જગ્યા ખાલી હતી.

58 પ્રેસિડેન્ટની ભરતીપ્રક્રિયા હાથ ધરાઈ
રાજ્ય સરકારના અન્ન અને પુરવઠા વિભાગ હેઠળ આવતી રાજ્યની કન્ઝ્યુમર કોર્ટમાં જજોની નિયુક્તિની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. લેખિતમાં પરીક્ષા બાદ ઇન્ટરવ્યુની પ્રક્રિયા પૂરી થઈ છે. ત્યારે એપ્રિલ મહિનાની શરૂઆતમાં સ્ટેટ કમિશન સહિત તમામ જિલ્લા કમિશનમાં નવા જજ ઉપલબ્ધ થશે. રાજ્ય સ્તરની કન્ઝ્યુમર કોર્ટ સહિત 25 જેટલા જિલ્લાકક્ષાનાં સ્થાન પર કુલ 58 પ્રેસિડેન્ટ ઉપરાંત મેમ્બરની ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે પૂર્ણ થતાં હવે ન માત્ર કન્ઝ્યુમર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા, પરંતુ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ પણ હવે એના પરિણામની રાહ જોઇ રહ્યા છે.

વકીલાતની પ્રેક્ટિસ કરનારને પણ મહત્ત્વ મળ્યું
કન્ઝ્યુમર કોર્ટમાં જજની ભરતી માટે સૌપ્રથમવાર કેટલાક મહત્ત્વપૂર્ણ અને મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. હવે હાલ વકીલાતની પ્રેક્ટિસ કરતા વકીલોને પણ મહત્ત્વ આપવામાં આવ્યું છે, જેમાં 10 વર્ષનો વકીલાત તરીકેનો અનુભવ, જ્યારે બેન્ચના અન્ય સભ્ય માટે 20 વર્ષનો અનુભવ નક્કી કરવામાં આવ્યો છે.

જ્યુડિશિયલ મેમ્બર માટે ડાયરેક્ટ ઇન્ટરવ્યુ
નવા નિયમ પ્રમાણે, પહેલીવાર આ વખતે લેખિતમાં પરીક્ષા અને ઇન્ટરવ્યુ લેવામાં આવ્યાં છે. જ્યુડિશિયલ મેમ્બર માટે સીધા ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા, જ્યારે નોન-જ્યુડિશિયલ સભ્ય માટે પરીક્ષા લેવાઈ હતી, જેમાં 300 ઉમેદવારે પોતાનું નસીબ અજમાવ્યું હતું, જે પૈકી 84 ઉમેદવાર પાસ થયા હતા. બાદમાં તેમના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. બીજી તરફ મહત્ત્વના એવા જ્યુડિશિયલ સભ્ય, એટલે કે પ્રેસિડેન્ટ માટે 44 જેટલા ઉમેદવારે ઇન્ટરવ્યુ આપ્યા હતા.

ગ્રાહકોને ન્યાય મળવાની પ્રક્રિયા ઝડપી બનશે: મિલન દૂધિયા
આ ભરતીની સૌથી મોટી ખાસિયત છે કે ઇન્ટરવ્યુ પ્રક્રિયામાં 3 સભ્યની પેનલમાં ગુજરાત હાઇકોર્ટના સીટિંગ જજ સામેલ કરવામાં આવ્યા હતા. કન્ઝ્યુમર કોર્ટ બાર કાઉન્સિલના પ્રેસિડેન્ટ મિલન દૂધિયાએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતં કે ‘કન્ઝ્યુમર કોર્ટમાં નવા જજોના આગમનથી ગ્રાહકોને ન્યાય મળવાની પ્રક્રિયા ઝડપી બનશે. અત્યારસુધી સ્ટેટ કમિશનર સહિત રાજ્યભરની કોર્ટમાં કેસોનું ભારણ પણ વધી રહ્યું છે, જોકે હવે ગ્રાહકોને ઝડપી ન્યાય મળવાની આશા જાગી છે’

કન્ઝ્યુમર કોર્ટમાં 35 હજારથી વધુ કેસ પેન્ડિંગ
એક અંદાજ પ્રમાણે, રાજ્યભરની કન્ઝ્યુમર કોર્ટમાં આશરે 35 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે, જે પૈકી અમદાવાદ જિલ્લા અને એડિશનલ કોર્ટમાં સૌથી વધુ અંદાજે 6 હાજર જેટલા કિસ્સા પેન્ડિંગ છે. જ્યારે વડોદરા અને સુરતમાં પણ 5 હજાર કેસ પેન્ડિંગ અવસ્થામાં છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.