પાડોશીની 4 વર્ષની દીકરીને લિફ્ટમાં ગાલ પર સ્ટીલની બોટલ ફટકારી, દીકરીના પગ ઉપર પગ મૂકીને ધમકાવી…

માનવતાને શર્મસાર કરતો કિસ્સો રાજકોટમાં બન્યો હતો, ચાર વર્ષની બાળકીને પાડોશીએ લિફ્ટમાં સ્ટીલની બોટલ ફટકારી મારકૂટ કરી હતી. બાળકીના પગ પર પોતાનો પગ રાખીને ધમકાવી હતી.
માધાપર ચોકડી પાસેના સુંદરમ સિટી એપાર્ટમેન્ટમાં રહેતા મહિલા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશને દોડી ગયા હતા, મહિલાએ પોલીસ સમક્ષ સીસીટીવી ફૂટેજ રજૂ કર્યું હતું, ફૂટેજ જોઇ પોલીસ અધિકારી પણ સમસમી ગયા હતા, એપાર્ટમેન્ટની લિફ્ટમાં ચારવર્ષની બાળકીને એ જ એપાર્ટમેન્ટના આઠમા માળે રહેતો રવિ સોની બેરહેમીથી માર મારતો હતો તે કેમેરામાં કેદ થઇ ગયું હતું.
રવિ બાળકીને સ્કૂલે લેવા ગયો હતો
મહિલાએ દિવ્ય ભાસ્કર સમક્ષ કહ્યું હતું કે, તેની પુત્રી અને પાડોશી રવિનો પુત્ર રેલનગરની સ્કૂલમાં સાથે અભ્યાસ કરે છે, ક્યારેક પોતે તો ક્યારેક રવિ બંનેના બાળકોને શાળાએ તેડી મૂકી આવે છે, શનિવારે રવિ પોતાના પુત્ર તથા પાડોશની પુત્રીને લઇને આવ્યો હતો, લિફ્ટમાંથી બહાર નીકળી બાળકી પોતાના ઘરે પહોંચી તો તે રડતી હતી. તેના રડવા અંગે પૂછતાં રવિએ કહ્યું હતું કે બાળકોએ શાળાએ ઝઘડો કર્યો હોવાથી તે રડે છે, પરંતુ રવિ જતો રહ્યો હતો.
ચારેક વાર બાળકી સાથે આવી ઘટના બની
ત્યારબાદ બાળકીએ કહ્યું હતું કે, રવિએ તેને માર્યું હતું, અગાઉ પણ ચારેક વખત બાળકી સાથે આવી ઘટના બની હોવાથી મહિલાએ એપાર્ટમેન્ટની લિફ્ટના સીસીટીવી ફૂટેજ ચેક કરતાં જ લિફ્ટમાં રવિ જ્યારે બાળકી તથા તેના પુત્રને લઇને પ્રવેશે છે તે સાથે જ રવિએ બાળકીના પગ પર પોતાનો પગ મૂકીને તેને ધમકાવી હતી, ત્યારબાદ રવિએ પોતાના હાથમાં રહેલી સ્ટીલની વોટર બોટલ બાળકીના ગાલ પર ફટકારી હતી.
આરોપીને પોલીસને હવાલે ક્રયો
રવિ સોની માનસિક વિકૃતિમાં આવું કૃત્ય આચર્યાનું પોલીસે કહ્યું હતું. પોલીસે રવિને ઉઠાવી લઇ તેની આગવીઢબે સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું.