યૂક્રેનથી વીડિયો સંદેશ મોકલી મહેસાણાના વિદ્યાર્થીઓએ વાલીઓને હૈયાધારણા આપી…

યૂક્રેન ઉપર રશિયન આક્રમણનાં છવાયેલાં વાદળો વિખેરાઈ ગયાં છે. જેના કારણે મહેસાણા જિલ્લામાંથી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરી રહેલા 180 જેટલા વિદ્યાર્થીઓ સંપૂર્ણ સલામત બની ગયા છે. યૂક્રેનમાંથી પણ પોતાના વીડિયો મોકલી મહેસાણાના છાત્રો પોતાનાં વાલીઓને હૈયાધારણ આપી રહ્યા છે અને તેમને નિશ્ચિત રહેવા માટે સંદેશા પાઠવ્યા છે.
મેડિકલનું શિક્ષણ મેળવવામાં વ્યસ્ત હોવાની માહિતી મળી
જો કે, રશિયાની હુમલો કરવાની ધમકીઓ વચ્ચે પણ ભારતીય એમ્બેસી, મેડિકલ યુનિવર્સિટીના ડીન તેમજ કોલેજના સંચાલકોની હૂંફના કારણે યૂક્રેનમાં વિદ્યાર્થીઓ બેફિકર જ રહ્યા હતા. યૂક્રેનમાં મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા મહેસાણાના વિદ્યાર્થી દીક્ષિત બેન્કરે પોતાના એજન્ટને વીડિયો મોકલી ચિંતા નહીં કરવા માટે સંદેશો પાઠવ્યો હતો. વાલીને પણ આવો જ મેસેજ મોકલ્યો હતો. ભારતીય રાજદૂતાવાસે યૂક્રેનમાં ફિજીકલ હાજરીની જરૂર ન હોય તો વતન જઈ શકાય તેવી સલાહ આપી હતી. તેમ છતાં યૂક્રેનમાં અભ્યાસ કરતા એક પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીએ વતન આવવાનું મુનાસિબ માન્યું ન હતું. વિદ્યાર્થીઓ હજુ પણ મેડિકલનું શિક્ષણ મેળવવામાં વ્યસ્ત જ હોવાની માહિતી મળી છે.
હેમખેમ છાત્રોના વીડિયો કોલ મળી રહ્યા છે
મહેસાણા શહેર અને આસપાસના વિસ્તારના યૂક્રેન સ્થિત મેડિકલ છાત્રોની સલામતીના સંદેશા સાંભળી વાલીઓમાં હાશકારો ફેલાયો છે. વિદ્યાર્થીઓ પોતે પણ એક પછી એક સંદેશા પાઠવી પોતાની કોઈ ચિંતા નહીં કરવાનું જણાવી રહ્યા છે.
ધરતી એજ્યુ. રાઉન્ડ ધ કલોક સંપર્કમાં
યૂક્રેન, ફિલિપાઈન્સ સહિતના દેશોની મેડિકલ કોલેજો સાથે સંપર્કમાં રહી યુવાનોને વિદેશ અભ્યાસાર્થે મોકલનાર ધરતી એજ્યુકેશનના સતીષભાઈ પટેલ, છેલ્લા 72 કલાકથી યૂક્રેનની મેડિકલ કોલેજો, પોતાનાં 24 જેટલાં છાત્રો અને એમ્બેસી સાથે રાઉન્ડ ધી કલોક સાથે સંપર્કમાં રહ્યા હતા. તેમને અહેવાલો મળતા રહ્યા હતા કે છાત્રોને કોઈ જોખમ નથી.