પ્રેમીપંખીડા જે જગ્યાએ મળતા એ જ જગ્યાએ ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું, આ અવસ્થામાં મળી આવ્યા…

ગુજરાતમાં એક હચમચાવી દેતો શોકિંગ બનાવ સામે આવ્યો છે. એક પ્રેમી કહાનીનો દુખદ અંત આવ્યો છે. પ્રેમીપંખીડાએ જે જગ્યા ઉપર મળતા હતા તે જ સ્થળે ઝેરી દવા ગટગટાવી જીવન ટૂંકાવ્યું છે. પ્રેમીપંખીડાએ ફાની દુનિયાને અલવિદા કહેતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગત મુજબ સાવલી તાલુકાના મોક્સી ગામમાં રહેતી 21 વર્ષીય પારૂલ રાઠોડ અને પંચમહાલ જિલ્લાના નારનપુરા ગામના જોરાવરસિંહ રાઠોડે ઝેરી દવા ગટગટાવી મોતને વ્હાલું કર્યું હતું. બંનેએ મોક્સી ગામની પ્રાથમિક શાળા પાસે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઝેરી દવા પીધા બાદ બેભાન અવસ્થામાં પડેલા યુગલને પસાર થતાં ગામના કોઇ વ્યક્તિએ જોતા તુરત જ તેણે ગામના અગ્રણીઓ જાણ કરી હતી. જોતજોતામાં ગામ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા.
ગામના લોકોને જાણ થતાં પારૂલ રાઠોડ અને જોરાવરસિંહને બચાવી લેવા માટે 108 એમ્બ્યુલન્સને જાણ કરાઈ હતી. જોરાવરસિંહ રાઠોડને ભાદરવા ગામ સ્થિત આરોગ્ય કેન્દ્રમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યારે પારૂલની હાલત ગંભીર હોવાના કારણે તેને વડોદરા સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. ઝેર શરીરમાં પ્રસરી ગયું હોવાથી બંનેના હોસ્પિટલોમાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતા.
આ બનાવથી ગામમાં સનસનાટી મચી ગઈ હતી. બનાવ અંગેની જાણ ભાદરવા પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં કાલોલનો રહેવાસી જોરાવરસિંહ રાઠોડ ખેતી કામ કરતો હતો. અવાર-નવાર તે મોક્સી ગામમાં રહેતા તેના બનેવીના ઘરે આવતો હતો. આથી તેની પારૂલ રાઠોડ સાથે આંખો મળી જતાં, તેઓ મોક્સી ગામની પ્રાથમિક શાળા પાસે મળતા હતા. બંનેએ લગ્ન કરવાનો પણ નિર્ધાર કરી લીધો હતો.
બીજી તરફ પારૂલના અન્ય યુવાન સાથે લગ્ન નક્કી થતાં પરિવારજનોએ તેના આગામી દિવસોમાં લગ્ન લેવાની તૈયારી કરી હતી. આથી પારૂલને પ્રેમી જોરાવરસિંહ સાથે લગ્ન શક્ય જણાયું ન હતું. આથી બંનેએ પ્રેમના દિવસોમાં એક બીજાને સાથે રહેવાના અને સાથે મરવાના આપેલા વચન પૂરીપૂર્ણ કરવાનો નિર્ણય લીધો હતો. આખરે બંનેએ ઝેરી દવા ગટગટાવી લઇ ફાની દુનિયાને અલવીદા કરી દીધી હતી.