ફેનિલની જેમ કલ્પેશ પણ ‘સાઈકો’, હ’ત્યા બાદ ઘરે જઈ આરામથી સૂઈ ગયો હતો…

વડોદરા શહેરના જામ્બુવા વિસ્તારના ખેતર પાસે કાચા રસ્તા પર એક તરફી પ્રેમમાં પાગલ યુવકે કલ્પેશે તૃષા સોલંકીની હત્યા કરી હતી. પાળિયાના 10 જેટલા ઘા ઝીંકી કરપીણ હત્યા કરવાના કમકમાટીભર્યા બનાવમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ હત્યારાને દબોચી લીધો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરતમાં ગ્રીષ્માની હત્યા કરનાર ફેનિલની જેમ તૃષાનો હત્યારો પણ ‘સાઈકો’ હોય એવું લાગી રહ્યું છે. તૃષાની હત્યા બાદ કલ્પેશ બિન્દાસ્ત થઈ જઈ ઘરે જઈને આરામથી સૂઈ ગયો હતો. તૃષાનો ફોન બંધ કરી દીધો હતો અને પોતાનો ફોન ચાલુ રાખી સંતાડી દીધો હતો.
ગણતરીના કલાકમાં જ ક્રાઇમ બ્રાન્ચ હત્યારાના ઘરે પહોંચી
સનસનાટીભર્યા હત્યાના બનાવનો ભેદ પોલીસે ગણતરીના કલાકમાં જ ઉકેલી કાઢ્યો હતો. જામ્બુવા નજીક મુજાર ગામડીની સીમમાં બનેલા હત્યાના બનાવમાં ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી એસ ચૌહાણ, પીઆઇ આર એ જાડેજા અને અન્ય અધિકારીઓ જોડાયા હતા. યુવતીના આધાર કાર્ડ પરથી પોલીસ તેને ઘેર પહોંચી હતી. પરિવારજનોની પૂછપરછ બાદ પોલીસે કલ્પેશ ઠાકોરને દબોચી લીધો હતો. કલ્પેશે હત્યાના બનાવની કબૂલાતનો સતત ઇનકાર કરતાં પોલીસે કલ્પેશના મિત્રને તેની સામે ઉભો કરી દીધો હતો. જ્યારે બનાવના સ્થળ પાસેના સીસીટીવી ફૂટેજ પણ બતાવ્યા હતા. જેથી તે ભાંગી પડ્યો હતો અને હત્યાની કબૂલાત કરી હતી.
તૃષાની ઓઢણીથી લોહીવાળું પાળિયું સાફ કર્યું
તૃષાની હત્યા કર્યા બાદ હત્યારા કલ્પેશે લોહીવાળું પાળિયું તેની ઓઢણીથી સાફ કર્યું હતું અને ત્યારબાદ તૃષાનું સ્કૂટર લઇ રોડ પર એક કિમી દૂર છોડી દીધું હતું.
તૃષાનો મોબાઇલ પોતાની બાઇકમાં સંતાડી દીધો
હત્યારા કલ્પેશે તૃષાની હત્યા કર્યા બાદ તેનો મોબાઇલ આંચકી લીધો હતો. તૃષાનો મોબાઇલ બંધ કરીને પોતાની બાઇકમાં સિટ નીચે સંતાડી દીધો હતો. પોલીસે કડકાઇથી પૂછપરછ કરતાં તેણે મોબાઇલ કાઢી આપ્યો હતો.
કલ્પેશે પોતાનો ફોન ચાલુ રાખ્યો
હત્યારા કલ્પેશે પોતાનો મોબાઇલ ફોન ચાલુ રાખ્યો હતો. જેથી પોલીસને તેનું લોકેશન મેળવવામાં આસાની રહી હતી. કલ્પેશે હત્યા કર્યા બાદ ઘેર આવી આરામથી સૂઈ ગયો હતો અને પાળિયું દુકાનમાં છુપાવી દીધું હતું. જે કબજે લેવા પોલીસે તજવીજ કરી છે.
ઘટના શું હતી?
મુજાર ગામડી ગામની સીમમાં આવેલા સોમાભાઈ મહીજીભાઈ પાટણવાડીયાના ખેતરમાં મંગળવારે સાંજે 7 વાગે 19 વર્ષિય તૃષા રાજેન્દ્રભાઈ સોલંકીની હાથ કપાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કંટ્રોલ મેસેજના આધારે મકરપુરા પોલીસ, પીસીબી અને ક્રાઈમ બ્રાંચની ટીમ ઘટના સ્થળે પહોંચીને તપાસ કરતા યુવતીનું આધારકાર્ડ તેમજ લાશથી થોડે દુર પડેલા ટુ-વ્હિલરના આધારે યુવતીની ઓળખ થઈ હતી. મૃતક યુવતીનો જમણો હાથ કોણીથી કપાયેલો હતો. ગાલ, કાન, ગરદન, પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં તીક્ષ્ણ હથિયારથી ઘા મરાયાનું જણાયું હતું. ઘટના અંગે મકરપુરા પોલીસ મથકમાં મૃતકના મામા વિરેન્દ્રસિંહ જયદીપસિંહ વિરપુરા (રહે-આર્યન રેસીડેન્સી, જામ્બુવા બ્રીજ) એ ફરીયાદ દાખલ કરાવી હતી.