લાપાળા ડુંગર સળગ્યો, ​​​​​​230 હેક્ટરમાં વન્યસૃષ્ટિ ખાક, વનવિભાગને જાણ કરી તો કહ્યું કે…

લાપાળા ડુંગર સળગ્યો, ​​​​​​230 હેક્ટરમાં વન્યસૃષ્ટિ ખાક, વનવિભાગને જાણ કરી તો કહ્યું કે…

ખાંભા સાવરકુંડલા રોડ પર નાનુડી ગામ નજીક લાપાળા ડુંગર વિસ્તારમા ગઇકાલે બપોરબાદ અચાનક દવ ફાટી નીકળ્યો હતો. વનવિભાગના કર્મચારીઓ અહી કલાકો સુધી ન ડોકાતા દવ વધુ વિકરાળ બન્યો હતો. બાદમા 300 જેટલા કર્મીઓને કામે લગાડવા છતા બીજા દિવસે બપોરે પણ આગના લબકારા દેખાતા હતા. આગથી વન્યસૃષ્ટિને વ્યાપક નુકશાન થયુ છે. જયાં મોટી સંખ્યામા સાવજોનો વસવાટ છે તે મિતીયાળા જંગલથી માત્ર એકાદ કિમીના અંતરે નાનુડી ગામ નજીક લાપાળા ડુંગરમા ગઇકાલે બપોરબાદ અચાનક દવની શરૂઆત થઇ હતી.

ઉનાળો બેસવાનો સમય છે તેવા સમયે જંગલ પણ સુકુભઠ્ઠ છે અને ધરતી પરનુ ઘાસ પણ સુકાઇ ગયુ છે. તેવા સમયે જોતજોતામા આ દવ ઝડપથી પ્રસરી ગયો હતો. અહી સરકારી પડતર, ગૌચર અને ખાનગી વિડીઓ આવેલી છે. જેમા ઉગેલા વૃક્ષો, ઝાડી ઝાખરા અને ઘાસનો સંપુર્ણ સફાયો થઇ ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા વનવિભાગને જાણ કરાઇ હતી. પરંતુ સ્ટાફ જાણે ધુળેટીની રજાના મુડમા હતો. તેમ અહી વનતંત્રમાથી મેાડે સુધી કોઇ ડોકાયુ ન હતુ. જેના કારણે આગ વધુ વિસ્તારમા પ્રસરી ગઇ હતી. જો કે આગે વિકરાળ સ્વરૂપ પકડી લીધુ હોય આખરે વનતંત્રની ઉંઘ ઉડી હતી અને આરએફઓથી લઇ વન્યપ્રાણી મિત્રો, મજુરો સુધીના લોકોને આગ બુઝાવવા માટે કામે લગાડવામા આવ્યા હતા.

ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો પણ ચલાવાયો હતેા. જો કે બીજા દિવસે બપોરે પણ કેટલાક વિસ્તારમા આગના લબકારા દેખાતા હતા. તંત્ર દ્વારા 230 હેકટરમા આગ ફેલાયા બાદ તેના પર કાબુ મેળવવાનો દાવો કરાયો હતો. પરંતુ હકિકત એ છે કે મોટાભાગની આગ સ્વયં ઓલવાઇ ગઇ હતી. આવા સમયગાળા દરમિયાન ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમા દવની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે. જો સમયસર આગ પર કાબુ મેળવાય તો વન્યસંપદાને વધુ નુકશાની અટકાવી શકાય છે. અહી મોટી સંખ્યામા સરીસૃપ જીવજંતુઓ આગમા જીવતા ભુંજાયા હતા.

વનવિભાગને જાણ કરી તો કહ્યું અમારામાં નથી આવતું
ભાડ ગામના અગ્રણી રસીકભાઇ ભંડેરીએ જણાવ્યું હતુ કે ગઇકાલે બપોરે અઢી વાગ્યાના સુમારે દવની શરૂઆત થઇ હતી. વનવિભાગને જાણ કરાઇ તો એવો જવાબ મળ્યો હતો કે રેવન્યુ વિસ્તાર છે અમારામા નથી આવતુ. જો કે આગ પ્રસર્યા બાદ વનતંત્ર પણ દોડતુ થયુ હતુ. જયાં આગ લાગી હતી તે વિસ્તારમા ચાર સાવજો પણ નજરે પડયા હતા.

આ વિસ્તારના તમામ સાવજો સલામત
વન્યવિભાગના સુત્રોએ જણાવ્યું હતુ કે લાપાળા ડુંગરની આગ હવે સંપુર્ણ નિયંત્રણમા છે. અને આ વિસ્તારના તમામ સાવજો પણ સલામત છે. સામાન્ય રીતે દવ જેવી ઘટના હોય ત્યારે સિંહ સહિતના વન્યપ્રાણીઓ પોતાની રીતે જ સલામત સ્થળે ખસી જતા હોય છે.

12 ફાયર ફાઇટરોએ પાણીનો મારો ચલાવ્યો
આગ બુઝાવવા માટે જુદીજુદી પાલિકાના ફાયર ફાઇટરોને પણ બોલાવાયા હતા. અમરેલી પાલિકાના 2 ફાયર ફાઇટર ઉપરાંત સાવરકુંડલા, ચલાલા અને બગસરાના 1-1, જાફરાબાદના 2 તથા સીમેન્ટ કંપનીના 1 ફાયર ફાઇટર સહિત 12 ફાયર ફાઇટરે પાણીનો મારો ચલાવ્યો હતો.

તાલડાની વિડીમાં પણ આગની બીજી ઘટના
દરમિયાન આજે બપોરે તાલડાની સીમમા દલડી વિડી પાસે પણ આજે બપોરે દવ ભભુકી ઉઠયો હતો. અહી રેવન્યુ વિસ્તારમા 200 વિઘા જેટલી જમીનમા વન્યસૃષ્ટિનો નાશ થયો હતો. જો કે બાદમા આ દવ કાબુમા આવી ગયો હતો.

અહી નાનુડી આસપાસ જુદાજુદા 5 ડુંગરમા આ આગ પ્રસરી હતી. અને એેક પછી એક મધરાત સુધીમા પાંચેય ડુંગરમા દવ પ્રસરી જતા અહીની વન્યસૃષ્ટિ નાશ પામી હતી. જો કે આગને મિતીયાળા જંગલમા પ્રવેશવા દેવાઇ ન હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.