સુરતના સચિન GIDC વિસ્તારમાં શાળાએથી છૂટીને તળાવમાં ન્હાવા પડ્યા 2 બાળકો અને ડૂબી ગયા…

સુરતના સચિન GIDC વિસ્તારમાં શાળાએથી છૂટીને તળાવમાં ન્હાવા પડ્યા 2 બાળકો અને ડૂબી ગયા…

સુરતમાં સચિન GIDC વિસ્તારના એક તળાવમાં મધરાત્રે 2 બાળક ડૂબી ગયાં હોવાની વાત બાદ પોલીસ અને ફાયરના જવાનો દોડતા થઈ ગયા હતા. મોડી રાત સુધી તળાવના પાણીમાં ગરકાવ બાળકોની શોધખોળ બાદ પણ ન મળતાં આજે સવારથી જ બોટ લઈ મૃતદેહ શોધવા તળાવમાં ઊતર્યા હતા. તળાવ કિનારે બાળકોનાં કપડાં મળી આવ્યાં બાદ તેઓ ડૂબી ગયાં હોવાની વાત બહાર આવતાં ફાયરે શોધખોળ હાથ ધરી હતા. ઘટનાના 10 કલાક બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા. ફાયર વિભાગે પાણીમાં ગરકાવ થયેલા મૃતદેહોને બહાર કાઢ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, સ્કૂલેથી છૂટ્યા બાદ બંને બાળકો તળાવમાં ન્હાવા પડતા ડૂબીને મોતને ભેટ્યા હતા.

રાત્રે ન મળતા સવારે શોધખોળ કરી
હિતેશ પાટીલ (ફાયર ઓફિસર ભેસ્તાન) એ જણાવ્યું હતું કે ઘટના મંગળવારની રાત્રે બની હતી. કોલ મળ્યા બાદ તાત્કાલિક પોલીસ સાથે ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. લગભગ 9થી 11:30 સુધી રાત્રીના અંધારામાં તળાવમાં ગરકાવ બાળકોની શોધખોળ કરી હતી. જોકે કોઈની ભાળ મળી ન હતી. ત્યારબાદ વહેલી સવારે એટલે કે બુધવારની સવારે 9 વાગ્યાથી બોટ લઈ ફાયરના જવાનો તળાવમાં ઉતર્યા હતા. 3 કલાકમાં જ બન્ને બાળકોના મૃતદેહ તળાવના પાણીમાંથી શોધી કાઢવામાં સફળ થયા હતા. હાલ કબજો પોલીસને સોંપ્યો છે.

પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો
અમજદ પઠાણ (મૃતક આબિદના પિતા) એ જણાવ્યું હતું કે, એકનો એક દીકરો હતો. હું કામ પર હતો. શાળાએથી આવ્યા બાદ ભોજન કરી માતાને કહ્યું હું બહાર રમવા જાઉં છું. ત્યારબાદ એની કોઈ ભાળ મળી ન હતી. પત્નીનો ફોન આવ્યો ત્યારે ખબર પડી કે આબિદ ગુમ છે. દોડીને ઘરે ગયો શોધખોળ કરી ત્યારે જાણવા મળ્યું કે મિત્રો સાથે તળાવમાં ન્હાવા ગયા છે. દોડીને ત્યાં ગયા તો કપડાં જોઈ જમીન સરકી ગઈ. તળાવમાં કોઈ દેખાતું ન હતું. તત્કાલિક પોલીસ અને ફાયરને જાણ કરી તો આજે સવારે બન્નેના મૃતદેહ મળી આવ્યા. ધોરણ-6માં અભ્યાસ કરતો હતો. એને એક બહેન છે.

તળાવ કાંઠે માત્ર કપડા જ મળ્યા
મોહમદ અંસારી (મૃતક અજમેરનો મોટો ભાઈ) એ જણાવ્યું હતું કે ત્રણ ભાઈ અને બે બહેનોમાં અજમેર સૌથી નાનો ભાઈ હતો. પિતા કાપડ માર્કેટમાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. ધોરણ-7માં અભ્યાસ કરતો અજમેર મંગળવારના રોજ શાળાએ રજા પાડી હતી. ત્યારબાદ બપોરે માતાને ઘર બહાર મહોલ્લામાં રમવા જાઉં છું કહીને નીકળ્યો હતો. ત્યારબાદ એનો કોઈ પતો ન હતો. બાળ મિત્રોએ કહ્યું બે જણા તળાવ પર નહાવા પડ્યા છે. દોડીને ગયા તો કપડા જ મળ્યા ને આજે સવારે ફાયરે મૃતદેહ બહાર કાઢ્યા છે. આખું પરિવાર શોકમાં ગરકાવ છે.

તળાવમાં નહાવા જતા મોત મળ્યું
વધુમાં જણાવ્યું હતું કે બન્ને બાળકો આબીદ અમજદ પઠાણ ઉ.વ. 3 રહે ભીંડી બજાર ઉન સચિન અને અજમેર નસીમ અંસારી ઉ.વ. 14 રહે ભીંડી બજાર ઉન સચિન વિદ્યાર્થી હોવાનું જાણવા મળ્યું છે. બન્ને મિત્રો મંગળવારના રોજ સાંજે શાળાએથી છૂટ્યા બાદ તળાવમાં નહાવા પડ્યા હતા. હાલ પોલીસ તપાસ ચાલી રહી છે.

બાળકોની ઉંમર 12, 13 વર્ષ
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે બાળકો 12 અને 13 વર્ષનાં હોવાનું હાલ સામે આવ્યું છે. બાળકોનાં પરિવારજનો પણ તળાવ પર દોડી આવ્યાં હતાં. રાત્રે તળાવ કિનારેથી મળી આવેલાં કપડાં બાદ બાળકોની શોધખોળ માટે ફાયરની મદદ લેવામાં આવી હતી. ઘટનાને લઈ પરિવારજનો શોકમાં ડૂબી ગયાં છે.

બાળકો ઉન વિસ્તારનાં હોવાની શક્યતા
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ફાયરના જવાનો અને અધિકારીઓ સવારથી જ તળાવમાં બોટ લઈને ઊતર્યા છે. તળાવના પાણીમાં ડૂબકી મારી બાળકોને શોધી રહ્યા છે. બાળકો ઉનની સિદિકનગર અને સાંઈનગર ઝૂંપડપટ્ટીનાં હોવાનું કહેવાઈ રહ્યું છે. બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા છે.

ડૂબી ગયા 2 બાળકો, 10 કલાક બાદ બંનેના મૃતદેહ મળ્યા

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.