રાધનપુરમાં કિંજલ દવેના ડાયરામાં બેકાબુ ચાહકોએ ખુરશીઓ ઉછાળી, જુઓ વિડીયો…

- ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત કાર્યક્રમનું આયોજન
- પ્રવાસન નિગમ દ્વારા યોજવામાં આવ્યો લોક ડાયરો
- કિંજલ દવે પર નોટોનો વરસાદ થયો
ગુજરાત સરકાર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ’અંતર્ગત રાધનપુર ખાતે લોક ગાયક કિંજલ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક ચાહકો બેકાબૂ બનતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમમાં ખુરશીઓ માટે પડાપડી થઈ હતી અને ખુરશીઓ ઉછાળવામાં આવી હોવાનો વીડિયો પણ વાયરલ થયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યના પ્રવાસન નિગમ દ્વારા રાધનપુરના અમરજ્યો એજ્યુકેશન કૉલેજ ખાતે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં લોક ગાયિકા કિંજલ દેવના કાર્યક્રમને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ દરમિયાન કિંજલ દવેના ગીત ચાલુ થતાં જ તેમના પર નોટોનો વરસાદ કરવામાં આવ્યો હતો. બીજી તરફ ડાયરો માણવા આવેલા કેટલાક યુવાનોએ હોબાળો મચાવ્યો હતો. કિંજલ દવેના ગીત દરમિયાન જ ડાયરામાં રાખેલી ખુરશીઓ ઉછાળીને તોડી નાંખવામાં આવી હતી. આ બાબતનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.