વાવાઝોડું ‘આસની’ બન્યું આફત, આંદમાન-નિકોબારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, IMDએ આપ્યું હાઇ એલર્ટ…

વાવાઝોડું ‘આસની’ બન્યું આફત, આંદમાન-નિકોબારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, IMDએ આપ્યું હાઇ એલર્ટ…

માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે, ટાપુઓ તરફ પ્રથમ ચક્રવાતી વાવાઝોડાંની ઝડપી પ્રગતિને ધ્યાનમાં રાખીને આંતર-દ્વીપ જહાજ સેવા ઉપરાંત, ચેન્નાઈ અને વિસાખાપટ્ટનમ સહિતના અન્ય વિસ્તારોમાં જહાજ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપી દેવાઇ છે. અધિકારીઓના જણાવ્યાં અનુસાર, લગભગ 150 NDRF જવાનોને ટાપુઓના વિવિધ ભાગોમાં તૈનાત કરવામાં આવ્યાં છે અને સાવચેતીના પગલાં તરીકે છ રાહત શિબિરો પણ સ્થાપિત કરવામાં આવી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેક્રેટરી પંકજ કુમારે કહ્યું હતું કે, ‘હું લોકોને અપીલ કરું છું કે ગભરાશો નહીં. કારણ કે વહીવટીતંત્ર તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રકારનાં પગલાં લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે, પોર્ટ બ્લેરમાં કુલ 68 NDRF જવાનોને તૈનાત કરવામાં આવ્યાં છે, જ્યારે 25-25 જવાનોને ડિગલીપુર, રંગત અને હટબે વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યાં છે. અધિકારીએ જણાવ્યું કે, પોર્ટ બ્લેરની સાથે ઉત્તર અને મધ્ય અને દક્ષિણ આંદામાન જિલ્લામાં ભારે વરસાદની સાથે જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. ઉત્તર અને મધ્ય આંદામાનના જિલ્લા ડેપ્યુટી કમિશનર અંજલિ સેહરાવતે જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને NDRF નાં જવાનો દ્વારા સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યાં છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે જારી કરેલી એક ટ્વિટર પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગઈ કાલે બંગાળની ખાડી અને તેને અડીને આવેલ દક્ષિણ આંદામાન સમુદ્રમાં આજે 20 માર્ચ, 2022 નાં રોજ ભારતીય સમય અનુસાર સવારે 5:30 વાગ્યે રચાયેલ નીચા દબાણનું ક્ષેત્ર લઘુત્તમ દબાણમાં ફેરવાઈ ગયું છે. આગામી 24 કલાક દરમિયાન તેના વધુ તીવ્ર લઘુત્તમ દબાણવાળા વિસ્તારમાં બદલાવાની શક્યતા છે.

ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ આગળ વધે તેવી શક્યતા: IMD એ જણાવ્યું હતું કે, દક્ષિણ-પૂર્વ બંગાળની ખાડી અને નજીકના દક્ષિણ આંદામાન સમુદ્ર પરનું દબાણ આજે ભારતીય સમયાનુસાર સવારે 8:30 વાગ્યે કાર-નિકોબાર (નિકોબાર દ્રીપસમુહ) ના લગભગ 110 કિમી ઉત્તર અને ઉત્તર-પશ્ચિમમાં કેન્દ્રિત હતું. ભારતીય સમયાનુસાર બીજા દિવસે સવારે 5:30 વાગ્યે લઘુત્તમ દબાણનું ક્ષેત્ર ચક્રવાતી તોફાનમાં ફેરવાય તેવી શક્યતા છે. હવામાન શાસ્ત્રીઓના મતે ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયાકાંઠા તરફ પણ આગળ વધે તેવી શક્યતા સેવાઇ રહી છે.

ડિરેક્ટોરેટ ઑફ શિપિંગ સર્વિસે 22 માર્ચ સુધી તમામ આંતર-ટાપુ સેવાઓને રદ કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય વિશાખાપટ્ટનમથી MV કેમ્પબેલ જહાજ અને ચેન્નાઈ જતી MV સિંધુની યાત્રા પણ મોકૂફ રાખવામાં આવી છે. ચક્રવાતી તોફાનના કારણે આ વિસ્તારની તમામ શાળાઓ અને કોલેજો પણ બંધ કરી દેવામાં આવી છે.

વાવાઝોડાંને લઇને IMDએ આપ્યું હાઇ એલર્ટ

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.