હાર્દિક પટેલનું હૃદય પરિવર્તન? ગુજરાત કોંગ્રેસ નેતૃત્વથી હાર્દિક પટેલ નારાજ…

હાર્દિક પટેલનું હૃદય પરિવર્તન? ગુજરાત કોંગ્રેસ નેતૃત્વથી હાર્દિક પટેલ નારાજ…
  • ગુજરાત કોંગ્રેસ નેતૃત્વથી નારાજ હાર્દિક પટેલ
  • નેતૃત્વથી કંટાળેલા હાર્દિકના બળવાખોર સુર
  • ભાજપમાં જોડાવાને લઈને કરી મોટી વાત

ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા ગુજરાત કોંગ્રેસને મોટો રાજકીય ઝટકો લાગી શકે છે. પાટીદાર અનામત આંદોલનથી ગુજરાતના રાજકારણમાં પ્રવેશ કરનાર અને હાલ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોટું નિવેદન કરીને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ સમિતિના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા બળવાખોર વલણ અપનાવ્યું છે. હાર્દિકે પોતાને રામભક્ત ગણાવ્યા છે અને કહ્યું છે કે હિંદુ હોવાનો મને ગર્વ છે પરંતુ ભાજપમાં જવા મામલે હજુ તેમણે પોતાના પત્તા નથી ખોલ્યા.

હાર્દિક પટેલએ પ્રદેશ નેતૃત્વને લઈને પોતાની વાત કોંગ્રેસ હાઇકમાન સમક્ષ રજુ કરી દીધી છે. દિલ્હીમાં કોંગ્રેસના સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે મુલાકાત કરીને પોતાની વાત રજુ કરી હતી. તેમણે કહ્યું હતું કે મને કોંગ્રેસના પ્રદેશ નેતૃત્વ સાથે વાંધો છે. તેઓ ઈચ્છે છે કે કોઈ કામ કરે અને જો કોઈ કામ કરે તો તેમણે કરવા નથી દેતા. જેને લઈને ગુજરાતમાં વિપક્ષના રૂપમાં અમે લોકોનો અવાજ નથી ઉઠાવી શકતા.

તો, ગુજરાત કોંગ્રેસમાં વરિષ્ઠ નેતૃત્વએ પણ હાર્દિક પટેલને જાહેરમાં જ બોલવા માટે અને વ્યક્તિગત રીતે આંતરિક મુદ્દે ચર્ચા કરવાને લઈને ચેતવણી પણ આપી હતી. તેમ છતાં, હાર્દિક સતત પ્રદેશ નેતૃત્વને લઈને નિવેદનો આપી રહ્યા છે. એવામાં સ્પષ્ટ છે કે ગુજરાત વિધાનસભા ચુંટણી પહેલા કોંગ્રેસમાં વર્ચસ્વની જંગ તેજ થઇ ગઈ છે જે પાર્ટી માટે મોટો ખતરો બની શકે છે.

હાર્દિકે પટેલે કહ્યું છે કે વિપક્ષએ લોકોના પ્રશ્નોને લઈને સરકાર વિરુદ્ધ લડવું અને સંઘર્ષ કરવો પડશે. જો આપણે તેમ નથી કરતા તો લોકો બીજો વિકલ્પ શોધવા લાગશે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ભાજપ મજબૂત છે, કારણ કે તેમની પાસે નેતૃત્વ છે અને સમયસર નિર્ણયો પણ લે છે. જોકે, હાર્દિકે તેમ પણ કહ્યું કે મારી ભાજપમાં સામેલ થવાની કોઈ જ યોજના નથી. તે મારા મનમાં પણ નથી. તેમણે કહ્યું કે દુશ્મનની તાકાતને સ્વીકાર કરવી જોઈએ. તે શક્તિશાળી છે અને દુશ્મનને ક્યારેય નબળો ન સમજવો જોઈએ.

રામ ભક્ત બન્યા હાર્દિક પટેલ

ગુજરાત કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલે કહ્યું કે અમે ભગવાન રામને માનીએ છીએ. હાર્દિકે પોતાના પિતાના અવસાન સંસ્કાર પર ચાર હજાર ભગવત ગીતા વહેંચવાની વાત કરી તો સાથે સાથે કહ્યું કે અમે હિંદુ છીએ અને હિંદુ હોવાનો ગર્વ છે.

કોંગ્રેસથી નારાજ હાર્દિક પટેલ

હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયથી ગુજરાત કોંગ્રેસ નેતૃત્વથી નારાજ છે. તેમણે કહ્યું કે મને ગુજરાતમાં કોઇપણ વ્યક્તિ કે નેતા સાથે સમસ્યા નથી, પરંતુ કોંગ્રેસ નેતૃત્વ કોઈને કામ નથી કરવા દેતું અને જો કોઈ કામ કરે છે તો પણ તેમને કામ કરવા દેવામાં આવતું નથી. હાર્દિકે કહ્યું કે મેં પાર્ટી હાઇકમાન સાથે વાત કરીને ચિંતા વ્યક્ત કરી છે અને તેમણે ટૂંક સમયમાં નિર્ણય લેવાનું આશ્વાસન આપ્યું છે. હાર્દિકે કહ્યું કે જે રીતે તમને ઘરમાં કોઈ સમસ્યા હોય તો માતાપિતાને વાત કરો છો. એ જ રીતે મેં પણ મારી પાર્ટીના ટોચના નેતૃત્વ સામે પાર્ટીની સમસ્યાની રજૂઆત કરી છે. એટલે એમ ન વિચારવું કે હું કોંગ્રેસ છોડી રહ્યો છું. મારા મગજમાં એવો કોઈ જ વિચાર નથી.

ગુજરાતમાં ભાજપને મજબૂત આધાર

તો, હાર્દિક પટેલે કહ્યું છે કે ગુજરાતમાં ભાજપ પાસે સારો મજબૂત આધાર છે. તેમની પાસે નિર્ણય લેવાની ક્ષમતા છે. એવામાં આપણે દુશ્મનોની શક્તિઓનો સ્વીકાર કરવો જોઈએ અને તેની સાથે લડવા માટે તે દિશામાં કામ કરવું જોઈએ. તો, ગુજરાત ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે પણ હાર્દિક પટેલના વખાણ કર્યા છે. તેમણે કહ્યું છે છે કે પીએમ મોદીના વિઝનની સાથે સમગ્ર દેશ છે. ભાજપની વિચારધારાથી પ્રભાવિત છે. 2014થી તેઓ દેશ સેવા કરી રહ્યા છે. તેમનાથી ઘણા બધા લોકો પ્રભાવિત થયા છે. સારું છે કે હાર્દિક પટેલે આ બધું જનતા વચ્ચે કહ્યું. બધા લોકો આવું નથી કરી શકતા.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.