ગુજરાતીઓને મળશે કાળઝાળ ગરમીથી રાહત, આ વિસ્તારોમાં વરસાદની સંભાવના, હવામાન વિભાગે આગાહી કરી…

ભારતીય હવામાન વિભાગ ના જણાવ્યા અનુસાર રાજસ્થાન અને ગુજરાત, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં 21 માર્ચે તાપમાન ઘટશે. સાથે જ અનેક જગ્યાએ ગરમીની સ્થિતિ સુધરશે. હવામાન વિભાગે મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વરસાદની આગાહી કરી છે.
ઉત્તર ભારતના રાજ્યોમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી અચાનક ગરમી વધી ગઈ છે
સ્થિતિ એવી છે કે સવારથી જ તાપમાનમાં વધારાની સાથે ભેજનો અહેસાસ થઈ રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)ના જણાવ્યા અનુસાર 21 માર્ચે રાજસ્થાન,ગુજરાત, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં તાપમાનમાં ઘટાડો થશે. સાથે જ અનેક જગ્યાએ ગરમીની સ્થિતિ સુધરશે.
અંદમાન નિકોબારમાં હળવાથી ભારે વરસાદની સંભાવના
IMDના જણાવ્યા મુજબ આગામી 24 કલાક દરમિયાન અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર હળવાથી મધ્યમ વરસાદ અને અમુક જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. અંદમાન સમુદ્ર પાસે સમુદ્રની સ્થિતિ ખરાબ રહેશે અને પવનની ગતિ 50 કિમીથી 60થી 70 કિમી પ્રતિ કલાકની રહી શકે છે.
વાતાવરણમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન દ્વારા દેશના આ રાજ્યોમાં વરસાદીની આગાહી
હવામાન ખાતાના જણાવ્યા અનુસાર વિદર્ભ પર સાઈક્લોનિક સર્ક્યુલેશન દ્વારા પૂર્વોત્તર મધ્ય પ્રદેશથી લઈને આંતરિક કર્ણાટક સુધી દબાણ રેખા ફેલાયેલી છે. જેના કારણે તમિલનાડુ, કેરળ, દક્ષિણ આંતરિક કર્ણાટક, ઉત્તર આંતરિક કર્ણાટકના કેટલાક ભાગો, કોંકણ અને ગોવા અને મધ્ય મહારાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વિદર્ભ અને તેની આસપાસના વિસ્તારોમાં ચક્રવાતી પવનોનો વિસ્તાર યથાવત છે. જેના કારણે તેલંગાણા, વિદર્ભ અને છત્તીસગઢના જુદા જુદા ભાગોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીર, ગિલગિટ-બાલ્ટિસ્તાન, મુઝફ્ફરાબાદ, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને સિક્કિમ અને અરૂણાચલ પ્રદેશના અલગ-અલગ ભાગોમાં પણ હળવો વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ-કાશ્મીરના ઉપરના વિસ્તારોમાં પણ હળવી હિમવર્ષા શક્ય છે.