ગિરનારના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન, આવતીકાલે આપવામાં આવશે સમાધિ

ગિરનારના સંત કાશ્મીરી બાપુ બ્રહ્મલીન, આવતીકાલે આપવામાં આવશે સમાધિ

ગિરનારની તપોભૂમિમાં પોતાના આકરા તાપ અને લોકસેવાના કાર્યો માટે જેમનું નામ લેવામાં આવે છે તેવા જૂનાગઢના કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા છે. મહત્ત્વની વાત છે કે, કાશ્મીરી બાપુ છેલ્લાં 10 દિવસથી એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા અને સારવાર બાદ તેમને આશ્રમ લઈ જવાયા અને ત્યારબાદ આજે વહેલી સવારે તેઓ બ્રહ્મલીન થયા. કાશ્મીરી બાપુના નિધનના સમાચાર સાંભળતા જ ગિરનારની ધરાના અનેક સાધુ-સંતો અને કાશ્મીરી બાપુ સેવકોમાં દુઃખની લાગણી જોવા મળી છે. કાશ્મીરી બાપુના નિધનના સમાચારને લઈને સોશિયલ મીડિયા પર અલગ-અલગ રાજકીય નેતા અને સામાજિક અગ્રણીઓ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે. 97 વર્ષની ઉંમરે કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયા છે અને તેમણે વર્ષો સુધી ગિરનારની ધરતી પર ભગવાન દત્તનું તપ કર્યું છે.

કાશ્મીરી બાપુના પાર્થિવદેહને તેમના આશ્રમ ખાતે દર્શન માટે રાખવામાં આવ્યો છે. આવતીકાલે 11 વાગ્યે કાશ્મીરી બાપુને સમાધિ આપવામાં આવશે. કાશ્મીરી બાપુના નિધનના સમાચાર સાંભળીને મોટી સંખ્યામાં તેમના સેવકો આશ્રમ ખાતે પહોંચી રહ્યા છે.

ભાજપના સાંસદ પૂનમ માડમે શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે, તપ-સાધના થકી વિશ્વ ફલક પર ગિરનારની તપોભુમીને પહોંચાડનાર ભવનાથમાં આવેલા નિરંજન અખડાના સંત શિરોમણી કાશ્મીરી બાપુ આપ જે અનંતની સફર પર સિધાયાના સમાચાર અત્યંત દુઃખદ છે. ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

ભાજપના સાંસદ રમેશ ધડુકે દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, જૂનાગઢના ભવનાથમાં આવેલા નિરંજન અખાડાના સંત શિરોમણી પૂજ્ય કાશ્મીરી બાપુના બ્રહ્મલીન થયાના સમાચાર સાંભળીને શોકની લાગણી અનુભવુ છું. ઈશ્વર સદગતના આત્માને શ્રી ચરણોમાં સ્થાન અર્પે એ જ પ્રાર્થના.

ભાજપના સાંસદ રાજેશ ચુડાસમાએ પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું હતું કે, ગિરનારની તપોભુમિના મહાન સંત પરમ પૂજનીય કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થયાના સમાચાર ખૂબ જ દુઃખદ છે. પરમ કૃપાળુ પરમાત્મા સંત શિરોમણી કાશ્મીરી બાપુના દિવ્ય આત્માને પોતાના ચરણોમાં સ્થાન તથા શાંતિ અર્પે તેવી પ્રાર્થના. મહાન વિભૂતિ પરમ પૂજનીય બાપુને કોટી-કોટી પ્રણામ. જય ગિરનારી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.