ગ્રીષ્માના પિતાનો રોષ ફાટ્યો, સુકલકડી લવરમુછિયાને એક પથ્થર માર્યો હોત તો પણ પડી જાત…

ગ્રીષ્માના પિતાનો રોષ ફાટ્યો, સુકલકડી લવરમુછિયાને એક પથ્થર માર્યો હોત તો પણ પડી જાત…

સુરતમાં વેકરિયા પરિવારની લાડલી દીકરી ગ્રીષ્માની હત્યાનો સૌથી વધુ આઘાત તેના પિતા નંદલાલભાઈને લાગ્યો છે. આફ્રિકાથી સુરત પહોંચ્યા ત્યાં સુધી તેમને ખબર ન હતી કે તેમના કાળજાનો કટકો હવે આ દુનિયામાં નથી રહ્યો. સુરત આવ્યા બાદ જેવું તેમને કહેવામાં આવ્યું કે દીકરી ગ્રીષ્મા આ દુનિયામાં નથી તો તેમનો ઘેરો આઘાત લાગ્યો હતો. તેઓ તરત ભાન ગુમાવી બેઠા હતા. હત્યાના 4 દિવસ બાદ તેમણે અંદર ધરબી રાખેલો રોષ વ્યક્ત કર્યો હતો. એક ગુજરાતી અખબાર સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે સરકાર પ્રુફ માંગે છે, આ વીડિયો પ્રુફ છે, તો સરકાર પગલાં કેમ નથી લેતી. હત્યારાને ફાંસી જ થવી જોઈએ.

ગ્રીષ્માના મોતના સમાચાર સાંભળી પિતાએ ભાન ગુમાવી દીધું હતું.
નંદલાલભાઈએ કહ્યું કે મારો ભાઈ મને પિતાજીની તબિયર ખરાબ હોવાનું કહીને આફ્રિકાથી સુરત લાવ્યો હતો. હું સવારે પાંચ વાગ્યે સુરત પહોંચ્યો ત્યારે મને મારા ભાઈએ કહ્યું કે પપ્પા નહીં પણ તમારી ગ્રીષ્મા આ દુનિયામાં નથી, ત્યારથી મને કંઈક ભાન જ નહોતું રહ્યું. પછી મને ખ્યાલ જ નથી કે શું થયું હતું. પછી સમય જતો ગયો તેમ તેમ મને કહેતા ગયા કે તમારી દીકરી સાથે આમ રીતનું થયું છે.

મારે એ વીડિયો નથી જોવો
ગ્રીષ્માના પિતા નંદલાલભાઈએ એવું પણ કહ્યું હતું કે મેં એ વીડિયો જોયો નથી અને હું જોવા પણ નથી માંગતો. તેમણે એવું પણ કહ્યું હતું કે સરકાર પ્રુફ માંગે છે, આ વીડિયો પ્રુફ છે, તો સરકાર પગલાં કેમ નથી લેતી. સરકાર શેની રાહ જોવે છે. પ્રુફ આપવાની આમા જરૂર જ ક્યાં છે. અમને અમારી દીકરીનું અતિશય દુ:ખ છે, પણ દેશની કોઈ દીકરી સાથે આવું ન થાય.

ગ્રીષ્માએ શનિવાર સવારે મને કહ્યું હતું કે મારે વડોદરા ભણવા જવું છે
નંદલાલભાઈએ કહ્યું, મેં આફ્રિકા જવાનું કહ્યું ત્યારે બહુ રડી હતી. મને કહે પપ્પાની નથી જવું. મને મૂકીને નથી જવું. મેં કહ્યું, બેટા એક-બે વર્ષ જઈ આવું પછી તારે ટેન્શન ના રહે. છેલ્લો ગ્રીષ્માનો મારા પર શનિવાર સવારે ફોન આવ્યો હતો. ત્યારે મને એટલું જ કહ્યું કે પપ્પા મારે હવે વડોદરા ભણવા જવું છે. મારે હવે હોસ્ટેલમાં રહી વડોદરા ભણવું છે. મેં કહ્યું હતું કે કોઈ વાંધો નહીં બેટા, તને જે મજા આવતી હોય એ કરવાનું. મને શું ખબર કે દીકરી લફંગાથી છૂટકારો મેળવવા શહેર છોડવા માંગતી હતી.

પપ્પા તમારે નીચું જોવાનું થશે એવું કામ નહીં કરું
નંદલાલભાઈએ કહ્યું કે અમારો બાપ-દીકરીનો પહેલેથી એવો સંબંધ હતો કે અમે બન્ને ફ્રી માઈન્ડ હતા. હું એને હંમેશા પૂછતો તો મને એટલું જ કહેતી કે પપ્પા તમારે નીચું જોઈને દુનિયામાં ચાલવું પડશેને એવું કામ હું કોઈ દિવસ નહીં કરું. એના મોબાઈલની અંદર કોઈ દિવસ લોક નહોતી રાખતી. તેના પર્સનલ કબાટમાં તેણે કોઈ દિવસ લોક નથી માર્યું. તેની બેગની અંદર કોઈ દિવસ કોઈ વસ્તુ હોય જ નહીં. તેની બહેનપણીનો ફોન હોય તો પણ બહાર નીકળીને વાત કરી નથી. મારી બાજુમાં બેસીને જ વાત કરતી હતી. કોઈ એવી વસ્તુ જ એની પાસે નહોતી.

શું દીકરીને ચાર દિવાલો વચ્ચે જ રહેવાનું થશે
નંદલાલભાઈએ કહ્યું હતું કે આટલો ક્રુર મગજના આ વ્યક્તિ પાસેથી શસ્ત્રો ક્યાંથી આવ્યા? ચાર-ચાચ છરા, વિચાર કરો કે આવડી ઉંમરમાં આ વ્યક્તિ પાસે ચાર-ચાર છરા હતા, તો મોટો થઈને આ શું બંને. દેશ માટે આટલું તો ખ્યાલ રાખો. આજે મારી દીકરી છે, કાલે બીજાની દીકરી હશે. આ પોસ્ટર લગાવ્યા છે બેટી બચાવો, એ નકામું છે એ બધું ક્યાં કરવાની જરૂર છે.

કોઈએ એક પત્થર પણ કેમ માર્યો નહીં?
સોશ્યલ મીડિયા પર નંદલાલભાઈ વેકરિયાનો એક વીડિયો વાઈરલ થયો છે. જેમાં નંદલાલભાઈ સોસાયટીના લોકો સામે બેસીને વાતો કરતાં જોવા મળે છે. વીડિયોમાં નંદલાલભાઈ પૂછે કે સાવ સુકલકડી જેવો લબરમૂછિયો છોકરો મારી દીકરીનું ગળું ચીરી રહ્યો હતો ત્યારે તમે કોઈએ એક પત્થર પણ કેમ માર્યો નહીં? તમે પટેલ કહેવાને લાયક નથી, બેટી બચાવોની મોટી વાતો કરનારા પાટીદારો બાયલા થઈ ગયા છે તેવો રોષ પણ પિતા નંદલાલે સોસાયટીના રહીશો સામે વ્યક્ત કર્યો હતો.

ત્રણ દિવસના રિમાન્ડ
બીજી તરફ ગઈ કાલે મંગળવારે હત્યારા ફેનીલને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કામરેજ પોલીસે કબજો મેળવ્યો હતો. દરમિયાન આજે બુધવારે આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સરકારી વકીલ દ્વારા અલગ અલગ મુદ્દાઓની તપાસ અર્થે 5 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવ્યા હતા, જેના પર કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

SITની રચના કરવામાં આવી
હોસ્પિટલમાંથી ફેનિલ ડીસ્ચાર્જ થતા જ તેની કામરેજ પોલીસે ધરપકડ કરી હતી. આ મામલે ઉચ્ચ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને આ ઘટનાની તપાસ માટે એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવી છે. જેમાં એક એસપી, બે ડીવાયએસપી, 5 પીઆઈ, પીએસઆઈ તેમજ જિલ્લા એલસીબી અને એસઓજીની ટીમ તપાસમાં જોડાઈ છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.