ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસ: પોલીસે ફેનિલની ધરપકડનાં 4 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી…

સુરત જિલ્લાના કામરેજ તાલુકાના પાસોદરામાં 21 વર્ષની ગ્રીષ્મા વેકરિયા નામની યુવતીની એકતરફી પ્રેમી દ્વારા સરેઆમ ગળું કાપીને હત્યા કરવાના કેસે સમગ્ર રાજ્યમાં સનસનાટી મચાવી હતી. આ મામલે કામરેજ પોલીસે માત્ર 4 દિવસમાં જ ચાર્જશીટ દાખલ કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગ્રીષ્મા વેકરિયાની હત્યા કેસની તપાસ કરી રહેલી પોલીસે પુરાવા એકત્ર કરીને હત્યારાની ધરપકડના 4 દિવસમાં જ 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરી કરી છે. સરકારી વકીલ નયન સુખડવાલાના હસ્તે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે. જેમાં 190 સાક્ષી અને 27 પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
શું છે સમગ્ર મામલો?
પાસોદરામાં રહેતી ગ્રીષ્મા નામની યુવતીને તેના એકતરફી પ્રેમમાં પાગલ ફેનિલ ગોયાણી નામના યુવકે જાહેરમાં ગળું કાપીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ફેનિલ ગોયાણી ગ્રીષ્માનો પીછો કરીને તેને પરેશાન કરતો હતો. ગ્રીષ્માના પરિવારજનોએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આમ છતાં ગત શનિવારે ફેનિલ ગ્રીષ્માના ઘર આવ્યો હતો અને હોબાળો કર્યો હતો. ગ્રીષ્માના ભાઈ અને કાકા વચ્ચે બચાવવા પડ્યા, તો ફેનિલે તેમના પર ચાકુ વડે હુમલો કરી દીધો હતો. જે બાદ તે ગ્રીષ્માના ગળા પર ચાકુ મૂકીને તેને ઘરની બહાર લઈ ગયો. જ્યાં જાહેરમાં તેની માતા સહિતના પરિવારજનોની હાજરીમાં ગ્રીષ્માનું ગળું કાપીને તેની હત્યા કરી નાંખી હતી. જે બાદ આરોપી ફેનિલે પણ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો હતો. જે બાદ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને સતત સવાલ ઉઠી રહ્યાં હતા. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી વિશેષ ટીમની રચના કરી હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ મંગળવારે ફેનિલની પણ ધરપકડ કરવામાં આવી હતી.
આ હત્યાકાંડની તપાસ માટે રેંજ આઇજીએ બનાવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ફેનિલના રિમાન્ડ દરમિયાન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા સાથે મજબૂત પુરાવા પણ એકત્ર કર્યા હતા. પોલીસે સાંયોગિક, ફિઝિકલ પુરાવાની સાથોસાથ ફોરેન્સિક અને ડિજિટલ પુરાવા પણ એકત્ર કર્યા હતા. પોલીસે ફેનિલનું ફેસ રેકેગ્નેશન કરાવ્યું હતું
આ ઉપરાંત, ગ્રીષ્માની હત્યા કર્યા બાદ ફેનિલે તેના પિતરાઇને ફોન કર્યો હતો અને પોતે હત્યા કરી નાંખી હોવાનું તથા પોતાને લેવા આવવા જણાવ્યું હતું. આ રેકોર્ડિંગમાં હત્યા કર્યાનું સ્વીકારતો હોઇ પોલીસ માટે આ રેકોર્ડિંગ એક પુરાવો બની ગયું હતું. પોલીસે ફેનિલ અને તેના પિતરાઇને ગાંધીનગર FSL લઇ જઇ બન્નેના વોઇસ રેકોર્ડિંગ ટેસ્ટ કરાવ્યા હતા.
ફેનિલના રિમાન્ડ પૂર્ણ થતાં તેને શનિવારે સાંજે કઠોર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તપાસનીશ એસઆઇટીની ટીમે વધુ રિમાન્ડની માંગ ન કરતા કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં લાજપોર જેલમાં ખસેડવાનો હૂકમ કરતા ફેનિલને લાજપોર જેલ મોકલી અપાયો હતો.