રશિયા-યુક્રેન યુદ્ધ પછી સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, માર્ચના અંત સુધીમાં સોનું 56 હજારે પહોંચવાની શક્યતા…

રશિયા-યુક્રેન યુદ્ધ પછી સોના-ચાંદીના ભાવમાં થયો વધારો, માર્ચના અંત સુધીમાં સોનું 56 હજારે પહોંચવાની શક્યતા…

રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સોના-ચાંદીમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો છે. સપ્તાહના પહેલા જ દિવસે એટલે કે સોમવારે 10 ગ્રામ સોનાનો ભાવ ફરી એકવાર 53,500ની ક્રોસ થઈ ગયો છે. સવારે 11 વાગે વાયદાબજાર MCXમાં સોનાનો ભાવ 53,612 રૂપિયા હતો, જ્યારે ઝવેરીબજારની વાત કરીએ તો ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઈટ પ્રમાણે સોનું 1,450 રૂપિયા મોંઘું થઈને 10 ગ્રામ સોનાનો ભાવ 53,234 થઈ ગયો હતો. આજે ગુજરાતના ઝવેરીબજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 55 હજારે પહોંચવા આવ્યો છે, જ્યારે કિલો ચાંદીની કિંમત 67 હજાર છે.

ચાંદી 70 હજારને પાર: MCX પર સાડા 11 વાગે ચાંદીનો ભાવ 70,690ના ભાવે ટ્રેડ કરતો હતો. ઝવેરીબજારની વાત કરીએ તો આજે ચાંદીનો ભાવ કિલોદીઠ રૂ. 69,920 થઈ ગયો હતો. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં ચાંદીનો ભાવ 80 હજાર સુધી પણ પહોંચી શકે છે.

યુદ્ધનો તણાવ રહ્યો તો સોનું રૂ. 56,000 પણ થઈ શકે છે: અમદાવાદની AB જ્વેલ્સના ડિરેક્ટર મનોજ સોનીએ જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધને પગલે વૈશ્વિક બજારમાં સોનું સતત વધી રહ્યું છે. એની અસરરૂપે સ્થાનિક બજારમાં પણ સોનાના ભાવ સતત વધી રહ્યા છે. જો બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ યથાવત્ રહેશે તો આગામી દિવસોમાં સોનું રૂ. 56,000 પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી શકે છે. જોકે હાલ ભારતીય બજારમાં જ્વેલરીની ખરીદીમાં ઓફ સીઝન ગણાય એટલે આ સમયે ઘરેણાંની ખરીદી બહુ રહેતી નથી. પરિસ્થિતિ સામાન્ય બનશે એટલે સોનામાં ફરી ઘટાડો થશે.

ગુજરાતમાં ગયા સપ્તાહે સોનાના ભાવ

તારીખ 10 ગ્રામ સોનાનો ભાવ
5 માર્ચ 52,200-54,200
4 માર્ચ 52,100-53,400
3 માર્ચ 52,000-53,200
2 માર્ચ 51,900-52,900
1 માર્ચ 52,800-53,000

આ વર્ષે અત્યારસુધીમાં સોનાની કિંમત રૂ. 5000 વધી: વર્ષ 2022ની વાત કરીએ તો અત્યારસુધી સોનાની કિંમતમાં રૂ. 4,955નો વધારો થયો છે. 1 જાન્યુઆરીએ ઝવેરીબજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 48,279 હતો, જે હવે વધીને 53,234 થઈ ગયો છે, જ્યારે ચાંદીની વાત કરીએ તો 1 કિલો ચાંદીની કિંમત 62,035થી વધીને 69,920 થઈ ગઈ છે. આમ, આ વર્ષે ચાંદીની કિંમતમાં 7,885નો વધારો થયો છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 1,982 ડોલરને પાર: આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો સોનું 1,982.57 અમેરિકન ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે, જ્યારે ચાંદીની વાત કરીએ તો એ 26 ડોલર પ્રતિ ઔંસની નજીક પહોંચી ગયો છે.

2-3 મહિનાઓમાં 56 હજાર થઈ શકે છે સોનાની કિંમત: IIFL સિક્યોરિટીના વાઈસ-પ્રેસિડન્ટ (કોમોડિટી એન્ડ કરન્સી) અનુજ ગુપ્તાએ કહ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધને કારણે સોનામાં તેજી આવી છે. એ સિવાય મોંઘવારી કંટ્રોલમાં નથી આવતી. એને કારણે ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું આગામી 2-3 મહિનામાં 2100 ડોલરની સપાટીએ પહોંચી શકે છે. એને કારણે આપણા દેશમાં સોનાનો ભાવ 56 હજાર સુધી પહોંચી શકે છે. ચાંદીની વાત કરીએ તો એનો આ વર્ષે કિલોનો ભાવ 80થી 85 હજાર થવાની શક્યતા છે.

કોરોનાની પહેલી લહેરમાં 56,200 થયો સોનાનો ભાવ: 2020માં કોરોનાની પહેલી લહેરમાં સોનાએ 56 હજારની સપાટી ક્રોસ કરી હતી. ઓગસ્ટ 2020માં એ રેકોર્ડ 56,200ની સપાટીએ પહોંચી ગયો હતો. એ સમયે કોરોનાની મહામારીને કારણે રોકાણોમાં ડર હતો. સામાન્ય રીતે જોવા મળે છે કે શેરબજારમાં નુકસાનની શંકા હોય છે અને ડોલરની સરખામણીએ અન્ય કરન્સી નબળી પડતી હોય છે અને ત્યારે સોનાના ભાવમાં ઉછાળો આવતો હોય છે. બજારમાં અત્યારે ફરી એકવાર આવી સ્થિતિ જોવા મળી રહી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.