હત્યારાનો લૂલો બચાવ: જાહેરમાં હત્યા કરનાર ફેનિલે પોલીસને કહ્યું,’પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યા બાદ ગ્રીષ્મા મારી સાથે વાત નહોતી કરતી’…

હત્યારાનો લૂલો બચાવ: જાહેરમાં હત્યા કરનાર ફેનિલે પોલીસને કહ્યું,’પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યા બાદ ગ્રીષ્મા મારી સાથે વાત નહોતી કરતી’…

ગ્રીષ્માનો ફોન મામાના હાથમાં આવી જતાં ફોટા જોઈ લેતાં બંનેના પ્રેમસંબંધનો ભાંડો ફૂટ્યો હતો-ફેનિલ

સુરતના પાસોદરા ખાતે 12મીએ જાહેરમાં ગળું કાપી ગ્રીષ્મા વેકરિયાની નિર્મમ હત્યા નિપજાવવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ત્યારે આ ચોંકાવનારા કેસમાં ગ્રીષ્મા વેકરિયાના હત્યારા આરોપી ફેનિલ ગોયાણીએ પોલીસ સમક્ષ ચોંકાવનારું નિવેદન આપ્યું હોવાનું પોલીસસૂત્રોનું કહેવું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ફેનિલને ગ્રીષ્મા સાથે ઓળખાણ ગ્રીષ્માના જ મિત્ર પવન કળથિયા થકી થઈ હતી. શરૂઆતમાં પવન ફેનિલની બાઇક લઈને ગ્રીષ્માને મળવા જતો હતો. ત્યાર બાદ ધીમે ધીમે ગ્રીષ્મા અને ફેનિલ પરિચયમાં આવ્યાં. એ પછી ગ્રીષ્માના મેસેજ આવતા હતા અને અવારનવાર બંને વચ્ચે મુલાકાત શરૂ થઈ હતી.

ફોટોથી પ્રેમસંબંધની જાણ થઈ
ગત 22 ડિસેમ્બરે ગ્રીષ્માની બર્થ ડે હતી ત્યારે તેઓ બંને આરવી પટેલ કોલેજ ખાતે પણ મળ્યાં અને પછી ફરવા ગયાં હતાં. એકાદ વર્ષ પહેલાં ગ્રીષ્માના ફોનની ડિસ્પ્લે તૂટી જતાં તેણે નવો ફોન લીધો હતો. જોકે જૂનો ફોન રિપેર થતાં તેના મામાના હાથમાં આવ્યો, જેમાં ફેનિલ અને ગ્રીષ્માના ફોટોથી પ્રેમસંબંધની જાણ થઈ હતી. ગ્રીષ્માએ આ વાત ફેનિલને કરી હોવાનું તેણે નિવેદનમાં લખાવ્યું હતું.

વાત ન કરવા કહ્યું હતું
આ પછી ગ્રીષ્માએ કહ્યું હતું કે હવે તું મારી સાથે વાત ના કરતો. હું તને સામેથી મેસેજ કરીશ. જોકે એ પછી ગ્રીષ્માના મામા અને કાકાએ ફેનિલને અમરોલી JZ કોલેજ પાસે બોલાવ્યો હતો. ફેનિલ પહોંચ્યો ત્યારે ત્યાં ગ્રીષ્મા, તેના મામા અને કાકા હાજર હતાં. ગ્રીષ્માના મામા અને કાકાએ કહ્યું હતું કે જે લફરું છે એ મૂકી દેજે, નહીં તો તારો વારો પડી જશે. ત્યારે ફેનિલે કહ્યું હતું કે ગ્રીષ્મા સાથે મારે પ્રેમસંબંધ છે, એટલે અમારા લગ્ન કરાવી આપો. ત્યારે તેના મામાએ કહ્યું હતું કે આ બધું બંધ કરી દે અને તારા ઘરે ચાલ. તારાં મમ્મી-પપ્પાને મળવું છે.

ફોટો મેસેજ ડિલિટ કરાવ્યા હતા
એ સમયે સમાજમાં બદનામી થશે એવા ડરે ફેનિલે મળવાની ના પાડી હતી. જોકે એ પછી પણ ફેનિલ અને ગ્રીષ્મા વચ્ચે મેસેજ ચાલુ રહ્યા હતા. દિવાળીમાં ફેનિલના મોટા બાપાના દીકરા પર ફોન આવ્યો હતો કે ફેનિલ ગ્રીષ્માને હેરાન કરે છે અને ગ્રીષ્માના મામા તેને હીરાબાગ સર્કલ પાસે બોલાવે છે. ફેનિલ અને તેના મોટા બાપાનો દીકરો બંને હીરાબાગ પાસે ગયા હતા અને ત્યાં પણ ગ્રીષ્માના મામાએ ફેનિલ પાસેથી ફોન લઈ ફોટો અને મેસેજીસ ડિલિટ કરાવી દીધા હતા. ત્યાર બાદ એક દિવસ રાત્રે ફેનિલના ઘરે ફોર-વ્હીલર લઈને 5-7 માણસો આવ્યા હતા. તું ફેનિલ છે કહીને તેમણે લાફો મારી દીધો હતો. ફેનિલે પણ સામે લાફો મારી દીધો હતો. પછી તે લોકોએ ફેનિલનાં માતા-પિતાને પણ માર માર્યો હતો. આ ઘટના પછી ફેનિલને મનમાં લાગી આવ્યું હતું. જોકે ગ્રીષ્માએ પણ બોલવાનું બંધ કરી દેતાં અંતે હત્યા કરી હોવાની ફેનિલે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275