ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષા, 2 વર્ષ બાદ ઓફલાઈન પરીક્ષા, આજે થોડાક ડર વચ્ચે પહેલું ભાષાનું પેપર…

ધોરણ 10 અને 12ની પરીક્ષા આજથી શરૂ થઈ રહી છે જેમાં 14.98 લાખ વિદ્યાર્થીઓ રાજ્યભરમાંથી પરીક્ષા અપવાના છે. રાજ્યમાં આજે ધોરણ 10ના 9.64 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. તમામ કેન્દ્રો પરીક્ષા માટે તૈયાર છે.2 વર્ષ બાદ આજે પરીક્ષા યોજાશે.પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓના સ્વાગત કરવામાં આવશે. ત્યાર બાદ પ્રવેશ સમયે વિદ્યાર્થીઓનું ચેકીંગ કરવામાં આવશે. કેન્દ્ર પર પશ્ચાતાપ પેટી પણ રાખવામાં આવી છે. જેથી વિદ્યાર્થી પોતાના સાથે કોઈ સાહિત્ય કે કાપલી લઈને આવ્યા હોય તો અંતિમ સમયે પણ તેમાં મૂકી શકે. બીજી બાજુ વડોદરામાં પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓને ઢોલ નગારાના તાલે આવકારવામાં આવ્યા હતાં.
અમદાવાદમાં વિદ્યાર્થીઓએ કહ્યું તૈયારી કરી છે પરંતુ થોડી નર્વસનેસ છે
ધોરણ 10 બોર્ડની પરીક્ષાની શરૂઆતમાં આજે પહેલું પેપર ભાષાનું છે. પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચી રહ્યા છે અને પોતાની બેઠક વ્યવસ્થા ક્યા બ્લોકમાં છે તે સુનિશ્ચિત કરી રહ્યા છે. પહેલો દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સાથે સાથે વાલીઓ પણ પરીક્ષા કેન્દ્ર બહાર જોવા મળી રહ્યા છે. સલોની જાદવ નામની વિદ્યાર્થીને જાણવ્યું હતું કે આજે બોર્ડની પરીક્ષા છે તે માટે તૈયારી કરી છે પરંતુ થોડી નર્વસનેસ છે. 2 વર્ષથી તો માસ પ્રમોશનમાં પાસ થતા હતા હવે પરીક્ષા આપીએ છીએ એટલે થોડો ડર છે. તૈયારી પુરી કરી છે એટલે પાસ તો થઈ જ જવાશે.
રાજકોટમાં કલેક્ટરે વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું
રાજકોટમાં આજે પ્રથમ દિવસે પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ કરતા વિદ્યાર્થીઓમાં ક્યાંક ખુશી તો ક્યાંક નર્વસનેસ જોવા મળતી હતી. આજે પ્રથમ દિવસે જિલ્લા કલેકટર અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બાળકોને આશ્વાસન આપી પુષ્પગુચ્છથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવવામાં આવી હતી.રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુ રૈયા રોડ પર આવેલ ન્યુએરા સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી પરીક્ષાર્થીઓને રૂબરૂમાં શુભેચ્છા પાઠવી પરીક્ષા કેન્દ્રનું નિરીક્ષણ કર્યું હતું.રાજકોટ શહેરમાં આજથી શરૂ થતી ધોરણ 10 અને 12 ની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં ધો.10 માં 175 બિલ્ડીંગના 1592 બ્લોક પરથી 47760 વિદ્યાર્થીઓ, ધો.12 સામાન્ય પ્રવાહમાં 79 બિલ્ડીંગના 731 બ્લોક પરથી 21930 અને વિજ્ઞાન પ્રવાહમાં 30 બિલ્ડીંગના 359 બ્લોક પરથી 7180 વિદ્યાર્થીઓ મળી કુલ 76,870 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે જે તમામ પરીક્ષા કેન્દ્રો પર સી.સી.ટી.વી. હોવાથી ટેબલેટની જરૂર નહીં રહે.
વડોદરામાં વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે આવકાર અપાયો
વડોદરાથી ગુજરાતભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. શહેરની ઊર્મિ સ્કૂલ ખાતે આજે વિદ્યાર્થીઓને ઢોલ-નગારાના તાલે અને ફૂલ તેમજ ગોળ-ધાણા ખવડાવી સ્વાગત કરાયું હતું. સાથે જ વિદ્યાર્થીઓ માટે પ્રાયશ્ચિત પેટી પણ મુકવામાં આવી હતી. જેમાં તેઓ જો કોઈ કાપલી લાવ્યા હોય તો પરીક્ષા પહેલા જ તેમાં મૂકી શકે અને ગેરરીતિથી બચી શકે. દરમિયાન શહેરના કલેકટર એબી ગોરે ઓલ્ડ પાદરા રોડ પર આવેલ વિદ્યુત વિદ્યાલય ખાતે બોર્ડના પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા. અહીં વડોદરા શહેરના નવનિયુક્ત કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ પણ પરીક્ષાર્થીઓને આવકાર્યા હતા. ઋત્વિક જોશી વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી હાલ પોલીસની નજરકેદમાં છે.
સુરતમાં વિદ્યાર્થીઓનું ગોળ-ધાણા અને પુષ્પ વડે સ્વાગત કરાયું
સુરતના ધોરણ-10 અને 12ના 1.47 લાખ વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ છે. પરીક્ષા આપવા આવેલા વિદ્યાર્થીઓનું પરીક્ષા કેન્દ્રો પર તિલક કરવાની સાથે હાથમાં સેનિટાઈઝરથી સ્વાગત કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે પરીક્ષા કેન્દ્રો દ્વારા કોઈ અગવડતા ન પડે તે માટેની પણ તકેદારી રાખવામાં આવી હતી.સુરતના ધોરણ-10ના 89178, ધોરણ-12 સામાન્ય પ્રવાહના 44345, ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 12171 અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના રિપિટર 1149 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. જિલ્લા શિક્ષણાધિકારી એચ. એચ. રાજ્યગુરૂએ કહ્યું હતું કે પરીક્ષા સ્થળોની આસપાસ કલમ-144 લાગુ પડશે, પરીક્ષા સ્થળોની આસપાસની ઝેરોક્ષોની દુકાન બંધ રાખવામાં આવી છે.વિદ્યાર્થીઓમાં બોર્ડની એક્ઝામનો ડર ન રહે તેમજ શાંત અને ઉત્સાહપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓ પરીક્ષા આપે તે માટે શહેરના મેયર દ્વારા સંદેશો પાઠવાયો હતો. મેયર હેમાલી બોઘાવાલા વિદ્યાર્થીઓના ઘરે પણ ગયા હતા અને તેમનો ઉત્સાહ વધારવાની સાથે સાથે ખોટા માનસિક તાણ વગર શાંત ચિત્તે પરીક્ષા આપવા માટે અનુરોધ કર્યો હતો.