યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન…

યૂક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આપ્યું મોટું નિવેદન…

રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી છે. યુદ્ધની જાહેરાત કરતાની સાથે જ રશિયાએ યુક્રેનની રાજધાની કિવ સહિત 11 શહેરો પર એકસાથે હુમલો કર્યો છે. યુક્રેનની રાજધાની કિવમાં જોરદાર વિસ્ફોટના અવાજો સંભળાઈ રહ્યા છે. લોકોમાં ડરનો માહોલ છે. ત્યારે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા ગુજરાત સરકાર પ્રયત્નશીલ હોવાનું શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે. ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી અને રાજેન્દ્ર ત્રિવેદીએ એક નિવેદન આપ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે સરકાર પર વિદ્યાર્થીઓ ભરોસો રાખે, દૂતાવાસ વિદ્યાર્થીઓની સુરક્ષા નિશ્ચિત કરી રહ્યું છે.

શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું મોટું નિવેદન: યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓને સરકારના મંત્રી જીતુ વાઘાણીની ખાતરી આપી છે. તેમણે એક નિવેદન આપીને જણાવ્યું છે કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરત લાવવા સરકાર પ્રયત્નશીલ છે. આખું વિશ્વ આ પરિસ્થિતિમાં ચિંતિત છે. ગુજરાતના અઢીથી ત્રણ હજાર વિદ્યાર્થીઓ છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસ વિદ્યાર્થીઓની સુરક્ષા નિશ્ચિત કરી રહ્યું છે. વાઘાણીએ વિદ્યાર્થીઓને સરકાર પર ભરોસો રાખવા જણાવ્યું છે.

જીતુ વાઘાણીએ ઉમેર્યું હતું કે, યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને જલ્દી જ પરત લવાશે. તથા ફસાયેલા લોકો સાથે સરકાર સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકારે ભૂતકાળમાં પણ ફસાયેલા લોકોને સુરક્ષિત કર્યા છે. તેમજ ફસાયેલા લોકોને લઇને પણ સરકાર ચિંતિત છે.

24 કલાકની હેલ્પલાઇન શરૂ: ભારત સરકારે યુક્રેન માટે 24 કલાકની હેલ્પલાઇન શરૂ કરી છે. દિલ્લી સ્થિત કન્ટ્રોલ રૂમના નંબર પણ જાહેર કર્યા છે. યુક્રેન સ્થિત ભારતીય દુતાવાસનો સંપર્ક પણ જાહેર કર્યો છે. ઈ મેઈલ અને ફોન મારફતે સંપર્ક કરી શકાશે. ભારત સરકારે યુક્રેન માટે 24 કલાકની હેલ્પલાઇન નંબરોમાં +911123012113, +911123014104, +911123017905,1800118797 પર ઈ મેઈલ અને ફોન મારફતે સંપર્ક કરી શકાશે.

નોંધનીય છે કે, મેડીકલનો અભ્યાસ કરનારા ગુજરાતના વિદ્યાર્થીઓ આજે ભારત આવવા માટે એરપોર્ટ પહોંચ્યા હતાં, પરંતુ યુદ્ધ શરૂ થતાં યુક્રેન દ્વારા એર સ્પેઇસ બંધ કરાતાં તમામ વિદ્યાર્થીઓ ફસાયા છે. વિદ્યાર્થીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે મદદ માટે અપીલ કરી છે.

ઉલ્લેખનીય છે કે, રશિયાએ યુક્રેનના અનેક મિલેટ્રી બેસ પર પણ સ્ટ્રાઈક કરી છે. યુક્રેનના ચાર શહેરોમાં મિસાઈલ હુમલા થયા છે. યુક્રેનની રાજધાની કિવ પર ક્રુઝ અને બેલિસ્ટિક મિસાઇલોથી હુમલો કરવામાં આવ્યો છે. કિવ, ખાર્કિવ સહિત ચાર શહેરો પર મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. ત્યારે, સામે યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દરેક હુમલાના જવાબ આપવામાં આવશે. રશિયાને રોકવા માટે આજે EU અને UNમાં મહત્ત્વની બેઠક મળી છે. બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને નાટોને પણ ધમકી આપી છે કે જો યુક્રેનને સહયોગ આપશો તો પરિણામ પણ ભોગવવાં પડશે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.