પોરબંદરના ટ્રાન્સજેન્ડર નાયબ મામલતદારને સગીર પુત્રીનો કબજો મળશે, કોર્ટે હુકમ કર્યો…

રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાં નિલેષકુમાર ભાઈશંકર મહેતા કે જેઓએ ટ્રાન્સ વુમન એટલેકે પુરુષ માંથી સ્ત્રી બન્યા છે. હાલ તેઓ બીજલ ભાઈશંકર મહેતા તરીકે ઓળખાય છે.
લગ્નજીવન સારું ન ચાલતાં છૂટાછેડા લીધા
નિલેશના પ્રથમ લગ્ન મીતલ સાથે થયેલા. તેઓને પુત્રીનો જન્મ થયેલો, બાદ તેઓનું લગ્નજીવન સુખરૂપ નહી ચાલતાં તેઓએ છુટાછેડા લીધા હતા. તે સમયે પુત્રીને કાયમી ધોરણે તેણીના કુદરતી-પિતાએ રાખવાનું નક્કી થતાં તેમના કાયદેસરના વાલીપણામાં પુત્રી વસવાટ કરતી હતી, બાદ નિલેશે પુનઃલગ્ન હેમાંગી સાથે કરેલા અને હેમાંગીને પણ તેમના અગાઉના લગ્નજીવનથી પુત્રી પ્રાપ્ત થયેલ હતી, હેમાંગી તથા નિલેશના લગ્નજીવનમાં મનમેળ ન હોવાથી હેમાંગીએ નિલેશની સગીર પુત્રી મહેકને લઈને માવતરે ચાલ્યા ગયેલા. બાદ નિલેશ એટલેકે બીજલ દ્વારા પોતાની સગીર પુત્રી મહેકનો કબ્જો સર્ચ વોરંટથી મેળવવા માટે પોરબંદરની કોર્ટમાં અરજી દાખલ કરેલી. ચીફ કોર્ટે બીજલની માંગણી ફગાવી દીધેલી.
ટ્રાન્સજેન્ડરે પુત્રી માટે કોર્ટના હુકમને પડકાર્યો
બાદ બીજલ દ્વારા જિલ્લા અદાલતમાં કોર્ટના હુકમને ગેરકાયદેસરનું હોવાનું જણાવી પડકારેલો. જેમાં ટ્રાન્સજેન્ડર કરી હાલમાં સ્ત્રી બની ગયેલા હોય, તે સંજોગોમાં સગીર પુત્રીના પહેલા જે પિતા હતા તે હવે સ્ત્રી બની ગયેલા હોય, તેથી સગીર પુત્રી તેને પિતા કહેશે કે માતા કહેશે? સગીર પુત્રીના માનસ ઉપર વિપરીત અસર થાય તેમ હોય તેવા તર્ક રજૂ કર્યા હતા. જ્યારે બીજલ તરફે ધારાશાસ્ત્રી એમ.જી.શીંગરખીયા તથા સલીમ ડી. જોખીયા હાજર રહેલા અને તેઓએ જણાવેલ કે, હાલના કિસ્સામાં હેમાંગી કે, જેઓ સગીર પુત્રીના ઓરમાન માતા છે. ગાર્ડિયન એન્ડ વોર્ડસ એકટની જોગવાઈ મુજબ હાલમાં હેમાંગી પાસે જે સગીર પુત્રીનો કબ્જો ગેરકાયદેસરનો ગણાય. બીજલ સગીર પુત્રીના કુદરતી વાલી થાય છે.
કોર્ટે પુત્રીનો કબજો સોંપવા આદેશ કર્યો
નીચેની કોર્ટના ભુલ ભરેલા નિર્ણયથી ન્યાયનું હિત જ નહિ, પરંતુ સગીરનું હિત પણ જોખમમાં મુકાયેલું હોવાથી એવી દલીલો રજૂ કરતા, જિલ્લા અદાલતે રેકર્ડ ઉપર રજૂ થયેલ હકીતોને ધ્યાને લઈ ટ્રાન્સ વુમન બીજલ મહેતાની માંગણી વ્યાજબી અને કાયદેસરની હોવાનું માની નીચેની અદાલતનો હુકમ ક્ષતિયુકત ગણી તેને રદ કરેલ અને બીજલને સગીર પુત્રી સોંપવા હુકમ કર્યો છે.