પાટીદાર કારખાનેદારની હ’ત્યા, ભૂમાફિયા મયૂરસિંહ, ભરત, અમિત સામે પણ નોંધાઈ ફરિયાદ…

રાજકોટની રાધાકૃષ્ણ સોસાયટીમાં બનેલ હત્યાના બનાવ મામલે યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ ત્રણ જેટલા આરોપીઓ વિરૂધ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. યુનિવર્સિટી પોલીસની તપાસમાં મયુરસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા, ભરત ઉર્ફે ભૂરો નારણભાઈ સોસા તેમજ અમિત રમેશભાઈ ભાણવડીયા નામના શખ્સોના નામ ખુલ્યા પામ્યા છે. યુનિવર્સિટી પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરૂધ્ધ અવિનાશભાઈ કુરજીભાઈ ધુલેશીયાનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા આઈપીસીની કલમ 302 (IPC 302) તેમજ 120bનો ઉમેરો કરવામાં આવ્યો છે.
તેમજ આરોપી મયુરસિંહ અનિરુદ્ધ સિંહ જાડેજા તેમજ અમિતભાઈ રમેશભાઈ ભાણવડીયા બંનને હથિયાર લાયસન્સ નો પરવાનો ધરાવતા હોય તે બંનેનો હથિયાર લાયસન્સ નો પરવાનો રદ કરવાની પ્રક્રિયા પણ કરવામાં આવી છે.
શું બન્યો હતો સમગ્ર બનાવ?
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટી માં ભૂમાફિયાઓ નો આતંક સામે આવ્યો હતો. ભુમાફિયાઓ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી લોકોને સસ્તા ભાવે મકાન વહેંચવા બાબતે દબાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભુમાફિયાઓ દ્વારા ચાર દિવસ પૂર્વે રાત્રિના સમયે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જે મામલે અવિનાશભાઈ કુરજીભાઈ ધુલેશીયા નામના વ્યક્તિને ગંભીર ઈજા પહોંચતા તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
ત્યારે 17 ફેબ્રુઆરીના રોજ અવિનાશભાઈ કુરજીભાઈ ધુલેશીયા નું સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં હત્યાના પ્રયાસનો બનાવ હત્યામાં પલટાયો હતો. સમગ્ર બનાવમાં યુનિવર્સિટી પોલીસ દ્વારા પ્રથમ હિરેન કરસનભાઈ વાઢેર, વિજય ભાઈ રાઠોડ તેમજ પરેશ ચૌહાણ નામના આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.ત્યારબાદ યુનિવર્સિટી પોલીસ દ્વારા બીજા તબક્કામાં રવિ સોમાભાઈ વાઢેર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તપાસ દરમિયાન વધુ ત્રણ આરોપીઓના નામ ખૂલતાં તેમની વિરુદ્ધ પણ હત્યા તેમજ કાવતરૂં રચવાના સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
શું બન્યું હતું શુક્રવારના રોજ?
ગુરુવારની મોડી રાત્રે અવિનાશભાઈ ધુલેશીયા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. ત્યારબાદ પરિવારજનોમાં તેમજ આડોશ પાડોશના લોકોમાં આક્રોશની લાગણી જોવા મળી હતી. ખુદ અવિનાશભાઈના પુત્ર તેમજ તેમની માતા દ્વારા અવિનાશભાઈની લાશ સ્વીકારવાનો ઇનકાર પણ કરવામાં આવ્યો હતો. શુક્રવારના રોજ પીએમ રૂમ ના પટાંગણમાં મહિલાઓ દ્વારા રાજકોટ પોલીસ વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. તેમજ બંગડીઓના ઘા પણ કરવામાં આવ્યા હતા.
અંતે મામલો થાળે ન પડતાં રાજકોટના સાંસદ મોહન કુંડારિયા, ગુજરાત ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા, રાજકોટના મેયર પ્રદીપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને પાટીદાર નેતા પુષ્કર પટેલ સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.
સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવેલ નેતાઓ દ્વારા સૌપ્રથમ પીડિત પરિવારજનોને સાંત્વન આપવામાં આવી હતી. મીડિયા સાથેની વાતચીતમાં સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલાની તપાસ રાજકોટ શહેર પોલીસ સિવાયના પોલીસ અધિકારીઓ દ્વારા કરવામાં આવશે.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવશે
એક સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમની રચના પણ કરવામાં આવશે. જે ટીમની અધ્યક્ષતા આઇપીએસ કક્ષાના અધિકારી કરશે. સાંસદ મોહન કુંડારિયા ને સવાલ પૂછવામાં આવ્યો હતો કે, રાધે કૃષ્ણ સોસાયટીના રહેવાસીઓ છેલ્લા ત્રણ વર્ષ થી ભૂમાફિયાઓ નો આતંક સહન કરી રહ્યા છે ત્યારે અત્યાર સુધીમાં શા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમની વહારે નહોતા ગયા. જેના જવાબમાં સાંસદ મોહન કુંડારિયાએ જણાવ્યું હતું કે, સમગ્ર મામલા અંગે મને માત્ર બે દિવસ પૂર્વે જ જાણ થવા પામી છે.
ત્રણ વર્ષથી રાધે કૃષ્ણ સોસાયટી ના રહીશો પર ભૂમાફિયાઓનો આતંક
જાણકારોનું માનીએ તો ભૂમાફિયાઓ નો આતંક જે છેલ્લા ત્રણ વર્ષથી રાધે કૃષ્ણ સોસાયટી ના રહીશો પર વર્તાવવામાં આવી રહ્યો હતો. તેની પાછળ માત્ર પોલીસની જ નીતિ જવાબદાર નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક રાજકોટ સ્થિત ભાજપના નેતાઓના છુપા આશિર્વાદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કારણકે સોસાયટી ના રહેવાસીઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, તેમના દ્વારા ભૂમાફિયાઓ ના આતંક મામલે સીએમ વિજય રૂપાણી તેમજ પીએમ સહિતનાઓ ને ફરિયાદ કરવામાં આવી હતી.