UPની જીતનો જશ્ન ગુજરાતમાં, મોદીનો રોડ-શો, અમદાવાદથી ગાંધીનગર સુધી કેસરિયો લહેરાયો, ટોપી, બેનર, હોર્ડિંગ બધું જ કેસરી…

UPની જીતનો જશ્ન ગુજરાતમાં, મોદીનો રોડ-શો, અમદાવાદથી ગાંધીનગર સુધી કેસરિયો લહેરાયો, ટોપી, બેનર, હોર્ડિંગ બધું જ કેસરી…

કોરોનાકાળ પછી પ્રથમ વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચ એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે. કમલમ સુધીના રોડ શોમાં તેમની સાથે મુખ્યમંત્રી પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ પણ ખુલ્લી થારમાં જોવા મળે છે. પીએમ મોદી ખુલ્લી જીપમાં ભાજપ લખેલી કેસરી ટોપી સાથે જનતાનું અભિવાદન ઝીલી રહ્યા છે. એરપોર્ટથી કમલમ સુધીના રસ્તા પર મયુર ડાન્સ, કુચીપુડી, ભારતનાટ્યમ જેવી પ્રસ્તુતિથી વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

વિધાનસભા ચૂંટણી સુધી ભાજપના નેતાઓ કેસરી ટોપી પહેરશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોમાં સૌથી આકર્ષણને વાત ભાજપની કેસરી કલરની ટોપી છે. આ કેસરી કલરની ટોપીમાં ભાજપ લખેલું છે. કમલમ ખાતેના કાર્યાલયમાં પ્રદેશ બેઠકમાં તેમજ સાંજે યોજાનારા પંચાયત સંમેલનમાં હાજર રહેનારા તમામ બે લાખ લોકો આ કેસરી કલરની ટોપી પહેરીને હાજર રહેશે.સરપંચ સંમેલનમાં બે લાખ લોકો આજે કેસરી ટોપી પહેરીને હાજર રહેશે. ભાજપની કેસરી કલરની ટોપી આપવામાં આવી છે તે હવે વિધાનસભાની ચૂંટણી સુધીના ભાજપના દરેક કાર્યક્રમમાં ભાજપના તમામ નેતાઓ, કાર્યકર્તાઓ અને લોકોએ પહેરવાની રહેશે.

અમુક રૂટ ડાયવર્ટ કરાયા, ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ: વડાપ્રધાનના આગમનને લઈને અમદાવાદમાં ડફનાળાથી એરપોર્ટ સર્કલ સુધીનો રોડ બંધ કરવામાં આવ્યો છે. માત્ર ભાજપના કાર્યકરોની બસ અને ગાડીને જ જવા દેવામાં આવે છે. એરપોર્ટ જનારા મુસાફરોને ટિકિટ જોઈને જવા દેવાય છે. અન્ય લોકોને બીજા રૂટ પર ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવી, પ્રદીપ પરમાર એરપોર્ટ સર્કલ પહોંચ્યા હતા. સમગ્ર બંદોબસ્ત અને વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું કે, આગામી ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થશે. આ પરિણામ પરથી સ્પષ્ટ છે. ગુજરાતમાં પ્રવાસને લઈ કાર્યકર્તામાં પણ જોશ છે.

રાજ્યપાલ, CM-CR, અને મેયરે એરપોર્ટ પર આવકાર્યા:​​​​​​​ અમદાવાદ એરપોર્ટ પર વડાપ્રધાનનું આગમન થયું ત્યારે તેમનો ભાવ ભર્યો સત્કાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ સાંસદ અને ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કર્યો હતો. મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર, પોલીસ વડા આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓએ PMનું અભિવાદન કરી તેમને આવકાર્યા હતા.

પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ સહિતના નેતાઓને રોડ શોની જવાબદારી: પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ મેયર બીજલ પટેલ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ રોડ શૉની જવાબદારી સંભાળી રહ્યા છે. કમલમની બહાર ભાજપના જે નેતાઓ પ્રદેશ બેઠકમાં ભાગ લેવાના છે તે જ નેતાઓની ગાડીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે, અન્ય કોઈ વ્યક્તિઓને એમની આસપાસ પણ ન આવવા દેવા સૂચના આપવામાં આવી છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું કે 4 રાજ્યોમાં ભાજપની જીત થઈ છે. જેથી ઉત્સાહ વધી રહ્યો છે અને તે જ ઉત્સાહ સાથે અલગ અલગ સમાજના લાખો લોકો પીએમ મોદીના સ્વાગત માટે રોડ શૉ માં આવ્યા છે.અમને અલગ અલગ જવાબદારી આપી છે તે પ્રમાણે અમે અત્યારે કામ કરી રહ્યા છીએ.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.