લતાજી સાથે જોડાયેલો દર્દનાક કિસ્સો: લતાતાઈને સ્લો પોઇઝન આપવામાં આવ્યું હતું, 3 મહિના પથારીમાં રહ્યાં, કોણે ઝેર આપ્યું તે ખબર હોવા છતાં કેમ ચૂપ રહ્યાં?

લતા મંગેશકર જ્યારે 33 વર્ષનાં હતાં ત્યારે તેમને ઝેર આપીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. લતા મંગેશકરે જાતે જ આ અંગે વાત કરી હતી. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, ‘મંગેશકર્સ આ અંગે વાત કરવાનું પસંદ કરતા નથી, કારણ કે અમારા જીવનનો એ સૌથી ભયાવહ સમય હતો. વર્ષ 1963 હતું. મને એટલી નબળાઈ આવી ગઈ કે હું પથારીમાંથી માંડ માંડ જાતે ઊભી થઈ શકતી હતી. પરિસ્થિતિ એવી હતી કે હું મારી જાતે ચાલી પણ શકતી નહોતી.’
ડૉક્ટર્સે ક્યારેય ગાવાની ના નહોતી પાડી. વેબ પોર્ટલ ‘બોલિવૂડ હંગામા’ના અહેવાલ પ્રમાણે, જ્યારે લતાજીને પૂછવામાં આવ્યું કે ડૉક્ટર્સે તેમને એમ કહ્યું હતું કે હવે તે ક્યારેય ગાઈ શકશે નહીં? આના જવાબમાં તેમણે કહ્યું હતુ કે આ સાચું નથી. ઝેર આપવાની ઘટનાની સાથે સાથે આવી કાલ્પનિક વાતો પણ કરવામાં આવતી હતી. તેમને ક્યારેય ડૉક્ટર્સે એમ નહોતું કહ્યું કે તે ગાઈ શકશે નહીં. તેમના ફેમિલી ડૉક્ટર આર. પી. કપૂરે એમ કહ્યું હતું કે તે તેમને ઊભાં કરીને જ રહેશે. જોકે, તે સ્પષ્ટતા કરવા માગે છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવી વાતો વહેતી થઈ હતી, પરંતુ તેમણે ક્યારેય તેમનો અવાજ ગુમાવ્યો નહોતો.
ત્રણ મહિના પથારીમાં રહ્યાં હતાં. લતાજીના મતે, ડૉક્ટર કપૂરની સારવાર બાદ તેઓ ધીમે ધીમે ઠીક થયાં હતાં. તેમણે કહ્યું હતું, ‘આ વાતની પુષ્ટિ થઈ ગઈ હતી કે મને ધીમું ઝેર આપવામાં આવતું હતું. ડૉ.કપૂરની સારવાર તથા મારા દૃઢ સંકલ્પે મને નવું જીવન આપ્યું. ત્રણ મહિના સુધી પથારીમાં રહી અને પછી હું ગીતો રેકોર્ડ કરવાને લાયક થઈ હતી.’
હેમંત કુમાર રેકોર્ડિંગ પર લાવ્યા હતા. ઠીક થયા બાદ લતાજીનું પહેલું ગીત ‘કહીં દીપ જલે કહીં દિલ’ હેમંત કુમારે કમ્પોઝ કર્યું હતું. ભારત રત્ન ગાયિકાએ કહ્યું હતું, ‘હેમંત દા ઘરે આવ્યા અને મારી માતાની પરમિશન લઈને મને રેકોર્ડિંગ સ્ટૂડિયો લઈ ગયાં હતાં. તેમણે માતાને વચન આપ્યું હતું કે કોઈ પણ જાતનો સ્ટ્રેસ દેખાશે તો તેઓ મને તરત જ ઘરે મૂકી જશે. નસીબ સારું હતું કે રેકોર્ડિંગ સારી રીતે થઈ ગયું. મેં મારો અવાજ ગુમાવ્યો નહોતો.’ નોંધનીય છે કે લતાજીને આ ગીત માટે ફિલ્મફેર અવોર્ડ મળ્યો હતો.
મજરૂહ સાહેબનો લતાજીની રિકવરીમાં મહત્ત્વનો રોલ,.લતાજીના મતે, તેમની રિકવરીમાં મજરૂહ સુલ્તાનપુરીનો મહત્ત્વનો રોલ છે. તેમણે કહ્યું હતું, ‘મજરૂહ સાહેબ રોજ સાંજે ઘરે આવતા અને મારી બાજુમાં બેસીને કવિતા સંભળાવતા. તેઓ દિવસ-રાત વ્યસ્ત રહેતા અને તેમને મુશ્કેલથી સૂવાનો સમય મળતો, પરંતુ મારી બીમારીના સમયે રોજ ઘરે આવતા હતા. ત્યાં સુધી કે મારા માટે ડિનરમાં બનેલું સિમ્પલ ભોજન ખાતા અને મને કંપની આપતા. જો મજરુહ સાહેબ ના હોત તો હું કદાચ તે સમયમાંથી બહાર આવી જ ના શકત.’
પુરાવા ના હોવાથી ઝેર આપનાર વ્યક્તિ વિરુદ્ધ કંઈ ના કર્યું. જ્યારે લતાજીને પૂછવામાં આવ્યું હતું કે તેમને ખ્યાલ આવ્યો હતો કે તેમને ઝેર કોણે આપ્યું હતું? તો તેમણે જવાબ આપ્યો હતો, ‘હા, મને ખબર પડી ગઈ હતી, પરંતુ અમે કોઈ કાર્યવાહી કરી નહોતી. કારણ કે અમારી પાસે તે વ્યક્તિ વિરુદ્ધ કોઈ પુરાવા નહોતા.’