પાડોશી દેશમાં પેટ્રોલમાં રૂ.50 અને ડીઝલમાં રૂ.75નો વધારો, ભારતમાં પણ વધી શકે છે ભાવ, જાણો કેટલો?

શ્રીલંકા ખાતે ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન (IOC)ની સહયોગી કંપનીએ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલની છૂટક કિંમતોમાં વધારો કર્યો છે. એક મહિનામાં સતત ત્રીજી વખત આ પ્રકારે વધારો કરવામાં આવ્યો છે. શ્રીલંકામાં હવે પેટ્રોલની કિંમત 254 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત 214 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. જોકે તેમ છતાં ભારતની સરખામણીએ દરિયા વડે ઘેરાયેલા એવા આ દેશમાં તેલ સસ્તું જ છે કારણ કે, 3.32 શ્રીલંકન રૂપિયાની વેલ્યુ હાલ ભારતના 1 રૂપિયા જેટલી છે.
આગામી દિવસોમાં ભારતમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 20થી 25 રૂપિયાનો વધારો થઈ શકે છે
યુક્રેન પરના રશિયન હુમલા બાદ પશ્ચિમી દેશો રશિયા પર પ્રતિબંધ લગાવી રહ્યા છે અને આ કારણે પણ તેલ અને ગેસની કિંમતો વધી રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમત 139 ડોલર પ્રતિ બેરલે પહોંચી ગઈ છે. છેલ્લા 7 દિવસોમાં અમેરિકી ડોલરની સરખામણીએ શ્રીલંકન રૂપિયામાં 57 રૂપિયાનો ઘટાડો થયો છે. તેલ કંપનીના કહેવા પ્રમાણે તેમના પાસે કિંમતો વધારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. હજુ પણ ભારે નુકસાન સહન કરવું પડશે.
ભારતમાં પણ પડશે અસર: તેલ કંપનીઓએ આપણાં ત્યાં 3 નવેમ્બરથી પેટ્રોલની કિંમતોમાં કોઈ ફેરફાર નથી કર્યો. પરંતુ ત્યારથી અત્યાર સુધીમાં કાચું તેલ 33 ડોલર પ્રતિ બેરલથી પણ વધારે મોંઘુ થયું છે. કિંમતોનો આ વધારો આગળ પણ ચાલુ રહી શકે છે. ચૂંટણીના કારણે મોદી સરકારે 129 દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં કોઈ વધારો નથી કર્યો. તેવામાં આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં 20થી 25 રૂપિયાનો વધારો થઈ શકે છે.