અમદાવાદીએ 1.5 લાખનું ડિવાઇસ વિક્સાવ્યું, પૂર્વ CM આનંદીબેનના નિવાસસ્થાન UPના રાજભવનમાં મોબાઇલ-લેપટોપથી માટી વિનાની ખેતી થાય છે…

ટેકનોલોજીના વિકાસ દરેક ક્ષેત્રમાં જોવા મળી રહ્યો છે. તેમાં પણ હવે કૃષિ ક્ષેત્રમાં પણ ટેકનોલોજીએ ક્રાંતિકારી પરિવર્તનો લાવ્યા છે. અમદાવાદના યુવકે ટેકનોલોજીની મદદથી નવા જ પ્રકારની ખેતી શરુ કરી છે. ગૌરવ શાહ નામના અમદાવાદી યુવકે માટી વિના અને મોબાઈલ કે લેપટોપ દ્વારા વિશ્વના કોઈ પણ ખૂણે બેસીને ખેતી થઇ શકે તેવી ટેકનોલોજી વિકસાવી છે.
કોરોનાકાળમાં લોકો હાઈજીનને લઈ જાગૃત થયા: કોરોનાકાળ દરમિયાન ગૌરવ શાહને ઘરે બેઠા વિચાર આવ્યો હતો કે હવે લોકો હાઈજીન તરફ વળ્યા છે. જેમાં ખાસ કરીને ખાણી પીણી ખૂબ જ હાઈજીન થઇ રહ્યા છે અને બીજી તરફ જંતુનાશક દવા અને રસાયણિક ખાતરના ઉપયોગથી ઉગાડેલી શાકભાજીના કારણે કેન્સર જેવી બીમારીઓ પણ થવા લાગી છે, જેથી હાઈજેનિક અને જંતુનાશક દવા વિનાની ખેતી થાય તો લોકોને તાજી અને કુદરતી રીતે ઉગેલા શાકભાજી મળી શકે.
ડિવાઈસ બનાવી હાઇડ્રોપોનિક્સ ખેતી શરૂ કરી: ગૌરવ શાહે એક ડિવાઈસ બનાવી કે જે ખેતરમાં લગાવી તેના દ્વારા ખેતરમાં પાકને પાણી, ગરમી, ઠંડી, ખાતર તથા અન્ય જરૂરિયાત લાગે તો તે જાણી શકાય અને મોબાઈલ કે લેપટોપ દ્વારા તે આપી પણ શકાય. આ ઉપરાંત હાયડ્રોપોનિક્સ ખેતી પણ શરુ કરી હતી, જે માટી વિના જમીનથી ઉપર થઇ શકે છે.આ ખેતી બંધ રૂમમાં કે ધાબા પર પણ થઇ શકે છે. આ ખેતી માટે વાતાવરણ પ્રમાણે અલગ અલગ વસ્તુઓની જરૂર પડે છે. ઠંડા વાતાવરણમાં આ ખેતી ખુબ જ સારી રીતે થઈ શકે છે.
છોડના વિકાસથી લઈ તાપમાન ઇન્ટરનેટથી જાણી શકાય છે: હાયડ્રોપોનિક્સ ખેતીમાં છોડને પાણીમાં ઉગાડવામાં આવે છે. જેના માટે સારા વાતાવરણની જરૂર પડે છે. આ ખેતીમાં જંતુનાશક દવાનો ઉપયોગ કરવો પડતો નથી. મોબાઈલ દ્વારા મોનિટરિંગ કરી શકાય છે, જેમાં છોડનો વિકાસ, જરૂરી પાણી, તાપમાન સહિતની બાબતો ઇન્ટરનેટથી જાણી શકાય છે. જે વસ્તુની જરૂર હોય તે એક ક્લિક દ્વારા આપી શકાય છે. સામાન્ય રીતે શાકભાજી સીઝન પ્રમાણે ઉગે છે, જ્યારે આ ખેતીમાં કોઈ પણ સિઝનમાં કોઈ પણ શાકભાજી ઉગાડી શકાય છે.
ગૌરવ શાહ ઓફિસમાં બેસી ઓપરેટ કરે છે ફાર્મ: ગૌરવ શાહ દ્વારા ભારતમાં 50 અલગ અલગ જગ્યાઓ પર હાયડ્રોપોનિક્સ ફાર્મ ઉભા કરવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના ગવર્નર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના નિવાસસ્થાન એટલે કે રાજભવન ખાતે પણ આ ફાર્મ ઉભું કરવામાં આવ્યું છે. અન્ય ફાર્મને ગૌરવ શાહ પોતાની ઓફિસમાં બેસીને ઓપરેટ કરે છે, પરંતુ સુરક્ષાના કારણે રાજભવનનું ફાર્મ ઓપરેટ કરવા તેમની પાસેથી એક્સેસ લઈને રાજભવનના અધિકારી પાસે રાખવામાં આવ્યું છે.
વાતાવરણ પ્રમાણે જરૂરી ડિવાઈસ લાવવું જરૂરી: ગૌરવ શાહે વાતચીતમાં જણાવ્યું હતું કે, આ પ્રકારની ખેતીના કારણે પેસ્ટીસાઈડ વિના તાજા શાકભાજી મળે છે. આ ખેતીમાં પાણીનો 90 ટકા બચાવ થાય છે, એકનું એક પાણી રોટેટ થાય છે. ઓફ સિઝનમાં પણ કોઈપણ શાકભાજી કે ફળ ઉગાડી શકાય છે. આ ખેતીની ડિવાઈસ 1 થી 1.50 લાખમાં આવે છે. જેનાથી મોબાઈલથી ખેતી થઇ શકે છે, જ્યારે મોટું ફાર્મ ઉભું કરવું હોય ત્યાં વાતાવરણ પ્રમાણે જરૂરી ડિવાઈસ લાવવું પડે છે તે માટે અલગ ખર્ચ થાય છે.
કેનેડા અને યુરોપમાં પણ આવું ફાર્મિંગ ચાલે છે: ગૌરવ શાહે વધુમાં ઉમેર્યું કે, વિશ્વભરમાં આ ટેકનોલોજી પોપ્યુલર છે ખાસ કરીને ઠંડા પ્રદેશો એવા કેનેડા અને યુરોપમાં આવું જ ફાર્મિંગ ચાલે છે. ઇન્ડિયામાં આ ટેકનોલોજી નવી છે. અમે એક વર્ષમાં જ અમે 50થી વધુ ફાર્મ ઉભા કરી દીધા છે.
હાઇડ્રોપોનિક્સ પદ્ધતિ શું છે?: હાઇડ્રોપોનિક્સ મૂળ ગ્રીક શબ્દ છે, જેમાં હાઇડ્રો એટલે પાણી અને પોનિક્સ એટલે શ્રમ થાય છે, એટલે કે ફળ, ફૂલ અને શાકભાજી જમીનને બદલે પાણીમાં ઉગાડવાને હાઇડ્રોપોનિક્સ કહેવામાં આવે છે. આ પદ્ધતિ મુજબ જમીન કરતાં માત્ર 10 ટકા પાણીની જરૂરિયાત રહે છે. ખાસ પ્રકારની પાઇપલાઇનથી સેટઅપ તૈયાર કર્યા બાદ એની જાળવણી માટે માત્ર પોષકતત્ત્વો અને પ્લાન્ટનો નહિવત ખર્ચ થાય છે. આ પ્લાન્ટ ઘરની બાલ્કની અથવા તો અગાસીમાં કરી શકાય છે. આ પદ્ધતિનો ઇઝરાયલ, જર્મની, અમેરિકા અને ચીનમાં ઉપયોગ થઇ રહ્યો છે.
હાઇડ્રોપોનિક્સ ખેતી કેવી રીતે કરવી?: માટી રહિત ખેતી કરવા માટે તમારે જરૂરી પોષક તત્વો, રેતી, કાંકરા, પરલાઇટ વગેરેની જરૂર પડે છે. જેમાં કોઈ કુંડા, નળીવાળી ટાંકી, પાઈપ, બેગ વગેરેનો ઉપયોગ એ પ્રકારે કરવામાં આવે છે કે પાણીનો પ્રવાહ હંમેશાં જળવાઇ રહે કારણ કે પાણીની સાથે જ જરૂરી પોષક તત્વો પણ છોડને મળતા રહે.
હાઈડ્રોપોનિક્સ ખેતી શરૂ કરતા પહેલાં ટ્રેનિંગ અવશ્ય લેવી જોઇએ, જેના માધ્યમથી એ જાણકારી મળે છે કે જે છોડને તે લગાડવા જઈ રહ્યા છે અથવા જે ખેતી કરવા ઈચ્છો છો તેને કયા પ્રકારે અને કેટલી માત્રામાં પોષણની જરૂર પડશે. છોડના મૂળને ઓક્સિજન કયા પ્રકારે ઉપલબ્ધ કરાવી શકાય. છોડને લગાડવા માટે કયા પ્રકારનું સેટઅપ લગાવવામાં આવે અને કયા પાકને કેટલા તાપમાનની જરૂર પડશે.