પટેલ પરિવાર પર એજન્ટોએ કલોલમાં કર્યુ ફાયરિંગ, ભત્રીજા અને તેની પત્ની સાથે…

પટેલ પરિવાર પર એજન્ટોએ કલોલમાં કર્યુ ફાયરિંગ, ભત્રીજા અને તેની પત્ની સાથે…

રૂપિયાની ખાતરી કરવા માટે દિલ્હીના એજન્ટે માણસો પટેલ પરિવારના ઘરે મોકલ્યા હતા. અમેરિકા પહોંચ્યા પછી પેમેન્ટ આપવાની વાતને લઈને વિવાદ થયો અને એજન્ટોએ ફાયરિંગ કરી દીધુ હતુ. સદનસીબે ગોળી સોફામાં વાગી હતી.

એજન્ટોએ ફાયરિંગ કરતા સદનસીબે વિષ્ણુભાઈ ખસી ગયા હતા અને ગોળી સોફામાં જઈને વાગી હતી. અચાનક વિષ્ણુભાઈનો પુત્ર આવી ગયો અને તેણે મોબાઈલ ફોન છૂટ્ટો મારતા રૈયાનના હાથમાંથી રિવોલ્વર નીચે પડી ગઈ હતી. એટલે સાથીદારો રિવોલ્વર ઉઠાવીને ભાગ્યા હતા.

હાઈલાઈટ્સ: અમેરિકા જવાના મોહમાં કલોલના પટેલ પરિવાર પર ફાયરિંગની ઘટના. એજન્ટોએ પીડિતના ભત્રીજા અને તેની પત્નીને અમેરિકા મોકલવાની વાત કરી હતી. એજન્ટોએ દંપતીને અમેરિકા મોકલવા માટે રૂપિયા 1 કરોડ 10 લાખમાં ડીલ નક્કી કરી હતી.

ગાંધીનગરઃ US-Canada બોર્ડર ક્રોસ કરતી વખતે -35 ડિગ્રી ઠંડીમાં થીજી જતા કલોલના ડિંગુચા ગામનો પટેલ પરિવાર મોતને ભેંટ્યો હતો. ત્યારે અમેરિકાનો મોહ રાખવાનો આવો જ એક બીજો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના પણ કલોલની જ છે. વિગત એવી છે કે, કલોલથી એક દંપતી દિલ્હીથી અમેરિકા (want to go America) જવા માટે રવાનું થયું હતું. આ દંપતી દિલ્હી પહોંચે એ પહેલાં જ એજન્ટોએ કલોલમાં આવીને રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી. બાદમાં પટેલ પરિવાર પર ફાયરિંગ (firing on patel family) કર્યુ હતુ. બાદમાં ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એજન્ટનો સંપર્ક કર્યો: પ્રાપ્ત રિપોર્ટ મુજબ, કલોલના પંચવટી વિસ્તારમાં આવેલા મારૂતિ બંગલોમાં રહેતા વિષ્ણુભાઈ માણેકલાલ પટેલ કિરાણા સ્ટોર્સ ચલાવે છે. તેમનો ભત્રીજો વિશાલ અને તેની પત્ની રૂપાલી અમેરિકા જવા માગતા હતા. એટલે તેમના મિત્ર મહેશ વ્યાસે એજન્ટને ઓળખતા હોવાની વાત કરી હતી. એ પછી ગઈ તારીખ 18 જાન્યુઆરીના રોજ વિષ્ણુભાઈએ નારણપુરામાં રહેતા એજન્ટ ઋત્વિક પારેખ અને ચાંદખેડામાં રહેતો એજન્ટ દેવમ ગોપાલભાઈ બ્રહ્મભટ્ટ સાથે એક મીટિંગ કરી હતી.

1 કરોડ 10 લાખમાં ડીલ નક્કી થઈ: આ બંને એજન્ટોએ વિષ્ણુભાઈને ખાતરી આપી હતી કે દોઢ મહિનામાં તેઓ દંપતીને દિલ્હીથી અમેરિકા મોકલી આપશે. બંને એજન્ટોએ વિશ્વાસ અપાવ્યો કે, તેઓ દિલ્હીથી ગ્રૂપ તૈયાર કર્યા બાદ સીધા અમેરિકા મોકલી આપે છે. આ દંપતીને અમેરિકા મોકલવા માટે એજન્ટોએ રૂપિયા 1 કરોડ 10 લાખની વાત કરી હતી. સાથે જ એવું કહ્યું હતું કે, બે દિવસમાં અડધુ પેમેન્ટ આપવાનું રહેશે. બાદમાં બંને પક્ષ વચ્ચે આ ડીલ ફાઈનલ થઈ હતી. ડીલ ફાઈનલ થયા પછી બંને એજન્ટોએ જણાવ્યું કે, 23મી જાન્યુઆરીના રોજ દંપતીની ટિકિટ આવી જશે એટલે દિલ્હી આવવાનું રહેશે.

અમેરિકા જવા માટે રવાના થયા: જો કે, એજન્ટોના કહ્યા મુજબ, ટિકિટ ન આવતા વિષ્ણુભાઈએ એજન્ટને ફોન કર્યો હતો. એ સમયે ઋત્વિક પારેખે જણાવ્યું કે આગળથી ટિકિટનું બુકિંગ બંધ હોવાથી 27 જાન્યુઆરીએ ટિકિટ આવશે. જો કે, એ પછી 4 ફેબ્રુઆરીની ટિકિટ આવી હતી. એજન્ટે કહ્યું હતું કે દંપતી અમેરિકા પહોંચે એટલે અડધુ પેમેન્ટ આપવાનું રહેશે. પછી બાકીનું પેમેન્ટ દોઢ મહિનામાં પુરૂ કરવાનું રહેશે. બાદમાં ઋત્વિક એરપોર્ટ સુધી મૂકવા ગયો હતો અને દેવમ પેસેન્જરોને લઈને દિલ્હી જવા નીકળ્યો હતો.

પૈસાની ખાતરી કરવા એજન્ટોને ઘરે મોકલ્યા: અમેરિકા જવા માટે નીકળ્યા પછી દિલ્હીના એજન્ટે દેવમ પાસે રૂપિયાની વાત કરી હતી. જેથી દેવમે ઋત્વિકને જણાવ્યું કે દિલ્હીના માણસો આવતો હોવાથી તેઓને વિષ્ણુભાઈના ઘરે લઈ જવા પડશે. બાદમાં ઋત્વિક કલોલ પહોંચ્યો અને ફોન કરતા રૈયાન અને તેના બે ઈસમ આવ્યા હતા. આ તમામ લોકો રૂપિયા માટે રાત્રે નવ વાગ્યાની આસપાસ વિષ્ણુભાઈના ઘરે પહોંચ્યા હતા. આ ચારેય એજન્ટોએ વિષ્ણુભાઈ પાસે રુપિયાની માગણી કરી હતી. એટલે વિષ્ણુભાઈએ જણાવ્યું કે, અમેરિકા પહોંચે એટલે રૂપિયા આપવાની વાત થઈ હતી. આ સમયે વિષ્ણુભાઈએ 80 લાખની રોકડ રકમ પણ તેઓને બતાવી હતી. આ દરમિયાન મામલો થોડો બીચક્યો હતો અને જોતજોતામાં એજન્ટોએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું.

એજન્ટોએ ફાયરિંગ કરી દીધું: એજન્ટોએ ફાયરિંગ કરતા સદનસીબે વિષ્ણુભાઈ ખસી ગયા હતા અને ગોળી સોફામાં જઈને વાગી હતી. અચાનક વિષ્ણુભાઈનો પુત્ર આવી ગયો અને તેણે મોબાઈલ ફોન છૂટ્ટો મારતા રૈયાનના હાથમાંથી રિવોલ્વર નીચે પડી ગઈ હતી. એટલે સાથીદારો રિવોલ્વર ઉઠાવીને ભાગ્યા હતા. આ દરમિયાન વિષ્ણુભાઈએ બૂમાબૂમ કરી મૂકી હતી. એટલે રૈયાન અને તેના બે માણસો ઊભી પૂંછડિયે ભાગ્યા હતા. જો કે, ઋત્વિક પહેલેથી જ ઈજાગ્રસ્ત હોવાથી તે ભાગી શક્યો નહીં અને બધાએ તેને ઝડપી પાડ્યો હતો. ઘટનાની જાણ થતા ઋત્વિકના પિતા અને ભાઈ કલોલ પહોચ્યા હતા. પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. બીજી તરફ, કલોલ તાલુકા પોલીસે અમેરિકા જવા રવાના થેલા એજન્ટ દેવમને પરત લાવવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.