એક એવું ગામ જ્યાં સ્ત્રીઓ જ રમે છે હોળી: 500 વર્ષથી હોળીના દિવસે પુરુષો ઘરમાં કેદ રહે છે, બહાર નીકળે તો ઘાઘરા-ચોળી પહેરાવીને ગામમાં ફેરવવામાં આવે છે, જાણો શા માટે???

એક એવું ગામ જ્યાં સ્ત્રીઓ જ રમે છે હોળી: 500 વર્ષથી હોળીના દિવસે પુરુષો ઘરમાં કેદ રહે છે, બહાર નીકળે તો ઘાઘરા-ચોળી પહેરાવીને ગામમાં ફેરવવામાં આવે છે, જાણો શા માટે???

ઉત્તર પ્રદેશના હમીરપુર જિલ્લામાં કુંડૌરા નામનું એક ગામ આવેલું છે. ગામની વસ્તી માંડ પાંચ હજારની છે. પરંતુ રસપ્રદ વાત એ છે કે આ ગામમાં પુરુષોના હોળી રમવા પર પ્રતિબંધ છે. માત્ર મહિલાઓની ટોળીઓ જ હોળી રમી શકે છે. છોકરીઓ અને તમામ ઉંમરની મહિલાઓ સવારના પહોરમાં ઢોલ-નગારાં સાથે બહાર નીકળે છે અને ઘેર ઘેર જઇને ફાગ ગાય છે. છેલ્લા પાંચ સૈકાથી આ પરંપરા ચાલી આવે છે. આ દિવસે સ્ત્રીઓ તમામ પ્રકારની સ્વતંત્રતાનો આનંદ માણે છે. આખું વર્ષ ગામના વડીલોની સામે ઘૂમટા તાણીને ફરતી સ્ત્રીઓ પણ પુરુષોને ઘરમાં પૂરીને હોળીની મજા માણે છે. જો ગામનો કોઈ પુરુષ ભૂલથીયે મહિલાઓની વચ્ચે પહોંચી જાય, તો તેની ધોલાઈ પણ થઈ શકે છે. એમને ઘાઘરા-ચોળી પહેરાવીને આખા ગામમાં ફેરવવામાં આવે છે.

ઘૂમટા ફગાવીને હોળી પર સ્ત્રીઓના ઠુમકા: ગામના ભૂતપૂર્વ પ્રધાન અવધેશ યાદવે ફોન પર ‘દિવ્ય ભાસ્કર’ને કહ્યું કે ગામમાં માત્ર સ્ત્રીઓ દ્વારા જ રમાતી હોળીનો ઇતિહાસ સૈકાઓ જૂનો છે. પૂર્વજોની આ પરંપરાનું પાલન આજે પણ ભારે ઉલ્લાસભેર કરવામાં આવે છે. આ વખતની હોળીની પણ તૈયારીઓ સ્ત્રીઓએ જોરશોરથી શરૂ કરી દીધી છે.

અવધેશ યાદવનું કહેવું છે કે હોળીના પહેલા દિવસે પુરુષો રંગે રમે છે, પરંતુ બીજા દિવસે, એટલે કે ધુળેટીના દિવસે માત્ર મહિલાઓ અને છોકરીઓ એકઠી થઇને આ રંગોનો ઉત્સવ ઊજવે છે. એમની ટોળીઓ આખા ગામમાં બિનધાસ્ત ફરે છે. વહુઓને આ કાર્યક્રમમાં કોઈ વિઘ્ન ન નડે તે માટે તમામ પુરુષો પોતપોતાનાં ઘરોમાં પુરાયેલા રહે છે અથવા તો ગામની બહાર ખેતરોમાં જઇને ખેતીવાડીનું ધ્યાન રાખે છે. છેક દિવસ આથમે પછી જ તેઓ ગામમાં પ્રવેશે છે. કોઈપણ પુરુષને મહિલાઓની આ હોળી જોવાની સુદ્ધાં મનાઈ છે. જો એ દિવસે રસ્તામાં કોઈ પુરુષ દેખાઈ જાય, તો તેનું આવી બને છે.

ફાગની શરૂઆત મંદિરથી થાય છે: અવધેશે આપેલી માહિતી પ્રમાણે સ્ત્રીઓ રામ-જાનકી મંદિરથી ફાગ કાઢીને આ સમગ્ર ઉત્સવની શરૂઆત કરે છે. ફાગ કાઢતી વખતે કોઈ પુરુષ તેને જોઈ શકતા નથી. એટલે સુધી કે ફોટો કે વીડિયો લેવાની પણ મનાઈ હોય છે.

આ અનોખી પરંપરા દરમિયાન જો કોઈ વ્યક્તિ પરમિશન વિના ફોટો પાડતી પકડાઈ જાય તો તેને ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે. એના પર મોટો દંડ પણ લાગી શકે છે. લાકડીઓના ઠોંસા મારી મારીને એને ગામની બહાર હાંકી કાઢવામાં આવે છે.

સાસુ-વહુઓ સાથે મળીને ડાન્સ કરે છે: આ ગામની મહિલાઓનું કહેવું છે કે ગામમાં જ્યારે તેઓ પરણીને આવે છે, ત્યારથી જ આ અનોખી પરંપરાનો ભાગ બની જાય છે. બુંદેલખંડનું આ એકમાત્ર એવું ગામ છે, જ્યાં આજે પણ આ પરંપરાનું પાલન થાય છે. ફાગ કાઢતી વખતે સાસુ-વહુઓ સાથે મળીને ઉલ્લાસભેર ડાન્સ કરે છે. સ્ત્રીઓ એકબીજાને ગુલાલ લગાવે છે અને છેક સાંજે જાતભાતની રસોઈ બનાવીને ઘરના પુરુષોને જમાડે છે.

ડાકુઓએ હોળી પર ગ્રહણ લગાડેલું: ગ્રામવાસીઓનું કહેવું છે કે થોડા દાયકાઓ પહેલાં હોળીના દિવસે ગામલોકો રામ-જાનકી મંદિરમાં હોળીના ફાગ ખેલી રહ્યા હતા. એ જ વખતે મેમ્બર સિંહ નામનો ડાકુ ત્યાં ધસી આવ્યો. મેમ્બર સિંહ પર પોલીસે ઇનામ પણ જાહેર કરેલું. એણે ગામના રાજપાલ નામના એક વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી નાખેલી. એ પછી ગામમાં ઘણાં વર્ષ સુધી હોળી મનાવવામાં આવી નહોતી.

ઘણાં વર્ષ પછી ગામની સ્ત્રીઓએ મળીને પુરુષોને હોળીની ઊજવણી ફરીથી શરૂ કરવા માટે મનાવ્યા. તેઓ ન માન્યા તો તેમણે રસ્તો કાઢ્યો કે પહેલા દિવસે માત્ર પુરુષો રંગે રમે અને બીજા દિવસે માત્ર સ્ત્રીઓ હોળીની ઊજવણી કરશે, જેમાં પુરુષો હાજર નહીં રહે.

GujaratPress

Leave a Reply

Your email address will not be published.


Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275

Notice: ob_end_flush(): failed to send buffer of zlib output compression (1) in /home3/bollywoodknot/gujaratpress.com/wp-includes/functions.php on line 5275