ગોધરા કાંડના 20 વર્ષ થયાઃ અંસારીએ કહ્યું- હું દુનિયામાં પ્રસિદ્ધ થયો, પણ ડરું છુ…

ગોધરા કાંડના 20 વર્ષ થયાઃ અંસારીએ કહ્યું- હું દુનિયામાં પ્રસિદ્ધ થયો, પણ ડરું છુ…

ગુજરાત રાજ્યમાં ગોધરાકાંડ અને એ પછી ફાટી નીકળેલા કોમી રમખાણોને ભાગ્યે જ કોઈ ભૂલી શકે છે. પણ આ દર્દનાક દાસ્તાને ગુજરાતને હચમચાવી નાંખ્યું હતું. અનેક લોકોએ દર્દનાક કહી શકાય એવા ભયાનક માહોલનો સામનો કર્યો છે, એવામાં અનેક એવા પોસ્ટર બોય બહાર આવ્યાં કે જેમની તસવીર આ રમખાણના સમયમાં કાયમી રહી ગઈ. એ સમયે અમદાવાદના એક મુસ્લિમ યુવક કુતુબુદ્દીન અંસારીની રડતી તસવીર આજે પણ દરેક લોકોને યાદ છે.

આ તસવીરને આજે પણ કોઇ ભુલાવી શકે એમ નથી. ગોધરાકાંડના 20 વર્ષમાં આમ તો ઘણું બધુ બદલાઈ ગયું છે. રાજ્યમાં સરકાર આખી બદલી ગઈ છે. તેમની સાથે જે થયું એમને કઇ રીતે જીવી રહ્યા છે તે અંગે તે કહે છે કે, ‘તે દર્દનાક દાસ્તાન હતી. ફરી તેને યાદ કરવા માંગતો નથી. આજે લોકોની નજર અલગ છે. કોણ મિત્ર છે ને કોણ શત્રુ છે એને ઓળખી શકતો નથી’. આજે કુતુબુદ્દીન અંસારી એક નાનકડા મકાનામાં પોતાના પરિવાર સાથે શાંતિથી અમદાવાદમાં રહે છે. દરરોજ નાનું મોટું સિલાઈ કામ કરીને ગુજરાન ચલાવે છે. આગળ વાત કરતા તે કહે છે કે, અમદાવાદમાં તા. 28 ફેબ્રુઆરીના રોજ ઘણી જગ્યાએ ટોળાએ તોડફોડ કરી હતી. આ સીલસીલો એ પછી પણ ઘણા દિવસો સુધી યથાવત રહ્યો હતો.

આવી જ એક ઘટના અમદાવાદના વિસ્તાર એવા ઓઢવથી સોનીની ચાલી થઈ હતી. ભાડાના મકાનમાં એક યુવક તેની પત્ની અને નાની બાળકીને લઇને રહેતો હતો. આ સમયે ટોળા આવ્યાં અને પથ્થરમારો શરૂ દીધો. ઘર પાસે રહેલી સીડીમાં આગ લગાવી હતી. જેના કારણે પરિવાર દરવાજા બંધ કરીને અંદર પૂરાઈ ગયો હતો. બહારથી જોર જોરથી બુમો પડતી હતી અને પરિવાર અંદર ફફડતો હતો. એક એવો પણ સમય આવ્યો કે, અચાનક અવાજ બંધ થઇ ગયો. શહેરમાં આવી અજંપા ભરી સ્થિતી વચ્ચે RAFના જવાનની ગાડી પત્રકારોને લઇને એરપોર્ટ બાજુ જઈ રહી હતી.

આ ગાડી ત્યાં રોકાઇ હતી. જ્યાં આગ લાગી હતી બે જવાન ત્યાં જઇ રહ્યાં હતાં. ગાડીમાં બેઠેલા પત્રકારે તે સમયે જણાવ્યું કે, અંદર કોઇ લાગે છે. એમને બચાવવા જોઇએ. પછી તો આ જવાનો ત્યાં ગયાં અને સળગતી વસ્તુઓ હટાવી દીધી. એક રડતો માણસ પોતે અને પોતાના પરિવારને બચાવી લેવા માટે આજીજી કરતો હતો. આ માણસની રડતી તસવીર કોઇએ પાડી લીધી હતી. પછી અંસારીની આ તસવીર આખા દેશમાં ફેલાઈ ગઈ. આ તસવીરમાં રડતો વ્યક્તિ હતો કુતુબુદ્દીન અંસારી. જેનો રડતો ચહેરો ગોધરાકાંડ રમખાણનો ‘પોસ્ટર બોય’ બની ગયો. આજે પણ એને ગોધરાકાંડ રમખાણના પોસ્ટરબોયથી ઓળખવામાં આવે છે. કુતુબુદ્દીન અંસારી અને તેના પરિવારને બચાવીને સુરક્ષિત સ્થળ સુધી પહોચાડવામાં આવ્યા હતા. આ ઘટનાના 20 વર્ષ બાદ પણ કુતુબુદ્દીન અંસારી આ જ વિસ્તારમાં રહે છે. જ્યાં મોટી માથાકુટ અને આગચંપી થઈ હતી. પોતાના પરિવારનું પેટ ભરવા માટે સિલાઇ કામ કરે છે. કુતુબુદ્દીન અંસારીએ જણાવ્યું કે, મને લોકોએ હિંમત બહુ આપી છે. પણ કોઇએ એટલી બધી મદદ નથી કરી. મારા હિંદુ મિત્રો આજે પણ એવા જ સબંધ મારી સાથે ધરાવે છે. મારી તસવીર છપાઇ ત્યારબાદ મારા અનેક હિંદુ મિત્રોએ મને ફોન કર્યા. દરેક પ્રકારની મદદ માટે તૈયારી બતાવી હતી. એ સમયે હિંદુ પોસ્ટર બોય બનેલા અશોક પરમાર પણ આજે મારા સંપર્કમાં છે.

જેની સાથે સમયાંતરે મારી વાતચીત થાય છે. હું આજે માનુ છુ કે, આવી સ્થિતિ જીવનમાં ફરી ક્યારેય ન આવવી જોઇએ. ક્યારેક લોકો જુદી જ રીતે તો ક્યાંક દયાની નજરે તમને જોવે છે. મારા જીવનમાં મેં મારી જરૂરીયાત મર્યાદિત કરી દીધી છે. જેથી મને બહુ તકલીફ પડે નહીં. પણ આજે એ ઘટના હું ભૂલીને ત્યાંથી આગળ વધી ગયો છું. બસ પછી તો સમય સમયનું કામ કરે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.