અડધા કલાકમાં થશે 10 કરોડનાં મોત, 18 હજાર વર્ષ પાછળ પડી જશે દુનિયા, જાણો પરમાણુ યુદ્ધ થશે તો શું થશે???

અડધા કલાકમાં થશે 10 કરોડનાં મોત, 18 હજાર વર્ષ પાછળ પડી જશે દુનિયા, જાણો પરમાણુ યુદ્ધ થશે તો શું થશે???

યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ ચરમસીમાએ પહોંચી ગયું છે. રશિયાએ યુદ્ધમાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની ધમકી પણ આપી છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને રશિયા પરમાણુ ફોર્સને એલર્ટ રહેવાનો આદેશ આપ્યો છે. યુક્રેન પર હુમલા પહેલાં તેમના ભાષણમાં વ્લાદિમિર પુતિને દુનિયાના દરેક દેશને ધમકી આપતાં કહ્યું હતું કે જો કોઈપણ દેશે આ યુદ્ધમાં દખલગીરી કરવાનો પ્રયત્ન કર્યો તો તેમને પરમાણુ હથિયારનો ઉપયોગ કરવો પડશે અને એને કારણે આખું યુરોપ બરબાદ થઈ શકે છે.

પરમાણુ યુદ્ધથી મિનિટોમાં જ હજારો લોકોનાં મોત થઈ શકે છે. 1945માં પણ જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ હુમલો કર્યો હતો ત્યારે પણ આવું જ થયું હતું. આ હુમલો કરાયો ત્યારે જ ગણતરીની મિનિટોમાં લાખો લોકોનાં મોત થયાં હતાં. આ બ્લાસ્ટની અસર પણ એટલી હતી કે એ પછીનાં પણ ઘણાં વર્ષો સુધી લોકો મરતા રહ્યા હતા.

યુદ્ધ નિર્ણાયક સ્થિતિમાં પણ જોખમ ટળ્યું નથી

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધમાં પરમાણુ યુદ્ધનું જોખમ વધી ગયું છે. જોકે આ યુદ્ધ હવે નિર્ણાયક સ્થિતિમાં પહોંચી ગયું છે, પરંતુ જોખમ ટળ્યું છે એવું કહી શકાય નહીં. અમેરિકા સહિત પશ્ચિમ દેશ યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને પહેલાં જ ચેતવણી આપી છે કે જો કોઈપણ દેશ આ યુદ્ધમાં દખલગીરી કરશે તો ખૂબ પરિણામ ભોગવવાં પડશે. નિષ્ણાતો પુતિનની આ ધમકીને પરમાણુ યુદ્ધ સાથે જોડીને જોઈ રહ્યા છે.
જાપાન પરમાણુ હુમલો સહન કરી ચૂક્યું છે અને જે લોકો એમાંથી બચી ગયા છે તેઓ આજે પણ એ દિવસને યાદ કરીને કંપી ઊઠે છે. પરમાણુ યુદ્ધ બીજું કશું જ નહીં, પરંતુ બરબાદી જ લાવે છે.

પરમાણુ યુદ્ધ થશે તો શું થશે?

સ્વિટ્ઝર્લેન્ડની એક સંસ્થા ઈન્ટરનેશનલ કેમ્પેન ટુ અબોલિશ ન્યૂક્લિયર વેપન (ICAN) છે. આ સંસ્થાને 2017માં નોબેલ પીસ પ્રાઈઝ પણ મળ્યું છે. ICANના જણાવ્યા પ્રમાણે, એક પરમાણુ બોમ્બ એક ઝટકામાં લાખો લોકોના જીવ લઈ લે છે. જો આવા બોમ્બ 10 અથવા વધારે સંખ્યામાં ફોડવામાં આવે તો લાખો-કરોડો લોકોનાં મોત થશે. એની સાથે સાથે જ ધરતીનું સંપૂર્ણ ક્લાઈમેટ સિસ્ટમ ખરાબ થઈ જશે.

લાખો-કરોડોનાં મોત

ICANના જણાવ્યા પ્રમાણે, એક પરમાણુ બોમ્બ આખા શહેરને બરબાદ કરી દે છે. જો આ યુદ્ધની સ્થિતિમાં મોટી સંખ્યામાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવે તો એમાં કરોડો લોકોનાં મોત થશે. એ ઉપરાંત જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધ થાય તો મૃતકોની સંખ્યા 10 કરોડનો આંકડો પાર કરી દેશે.
મુંબઈ જેવા શહેરમાં એક કિમીના અંતરમાં 1 લાખથી વધારે લોકો રહે છે. જો ત્યાં હિરોશિમા જેવો પરમાણુ બ્લાસ્ટ કરવામાં આવે તો એક સપ્તાહમાં 8.70 લાખ જેટલા લોકોનાં મોત થશે. જો અમેરિકા અને રશિયા વચ્ચે પરમાણુ યુદ્ધમાં 500 પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે તો અડધો કલાકમાં જ 10 કરોડથી વધારે લોકોનાં મોત થઈ જશે.
એટલું જ નહીં, જો કોઈ યુદ્ધમાં દુનિયામાં આવેલા 1% કરતાં પણ ઓછાં પરમાણુ હથિયારનો ઉપયોગ કરવામાં આવે તો એનાથી 2 અબજ લોકો ભૂખમરાની સ્થિતિમાં સપડાશે. એની સાથે જ આખી હેલ્થ સિસ્ટમ બરબાદ થઈ જશે. પરમાણુ હુમલામાં ઘાયલ થયેલા લોકોની સારવાર પણ શક્ય હોતી નથી.

1000 કિલો ટન પરમાણુ બોમ્બથી 100 કિમી સુધીનો વિસ્તાર ખાક થઈ જાય

ડિફેન્સ મુદ્દે નિષ્ણાત સંદીપ થાપરે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે જો 30 કિલો ટન પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે તો 4 કિલોમીટર સુધીનો વિસ્તાર સંપૂર્ણ રીતે નાશ પામે છે. જો 1000 કિલો ટન બોમ્બથી હુમલો કરવામાં આવે તો એની અસર 100 કિમી સુધી જોવા મળે છે. આ બરબાદી સર્ક્યુલર ફોર્મમાં થાય છે. આ હુમલા હિરોશિમા અને નાગાસાકિ કરતાં વધારે નુકસાન પહોંચાડી શકે છે. હિરોશિમા પર હુમલો કરવામાં આવેલો બોમ્બ 15 કિલો ટનનો હતો, જ્યારે નાગાસાકી પર કરવામાં આવેલા હુમલાનો બોમ્બ 20 કિલો ટનનો હતો. એણે આખા શહેર બરબાદ કરી દીધા હતા. રશિયા કોઈ એક શહેર પર હુમલો કરવાની તાકાતવાળો પરમાણુ બોમ્બ વાપરી શકે છે અથવા એનાથી પણ વધારે નુકસાન કરી શકે એવા પણ બોમ્બનો ઉપયોગ કરી શકે છે.

ધરતીની સંપૂર્ણ ક્લાઈમેટ સિસ્ટમ બગડી જશે

જે પરમાણુ બોમ્બ હિરોશિમામાં પડ્યા હતા એ જ સાઈઝના 100 બોમ્બથી હુમલો કરવામાં આવે તો સંપૂર્ણ ધરતીની સિસ્ટમ બગડી જશે. આવું થાય તો સંપૂર્ણ ક્લાઈમેટ સિસ્ટમ બરબાદ થઈ જાય અને ખેતી પર પણ ખરાબ અસર થાય.
અત્યારે દુનિયા ગ્લોબલ વોર્મિંગ સામે ઝઝૂમી રહી છે, પરંતુ પરમાણુ યુદ્ધ થાય તો ધરતીનું તાપમાન ઝડપથી ઘટી જશે. એવું એટલા માટે કારણ કે આ હુમલામાં એટલો ધુમાડો નીકળશે અને એનું એક પડ જામી જશે. અંદાજ છે કે આવું થશે તો ઓછામાં ઓછી 10 ટકા જગ્યા પર સૂર્યપ્રકાશ પહોંચશે નહીં.
જો દુનિયાનાં બધાં પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવામાં આવશે તો એનાથી 150 મિલિયન ટન ધુમાડો ધરતીની સ્ટ્રેટોસ્ફેયરમાં જામી જશે. સ્ટ્રેટોસ્ફેયર ધરતીની બહારનું પડ છે, જે ઓઝોન લેયર પર હોય છે.
એટલું જ નહીં, પરમાણુ યુદ્ધ થયા પછી દુનિયાના મોટા ભાગના દેશોમાં વરસાદ નહીં થાય. ગ્લોબલ રેઈનફોલમાં 45%નો ઘટાડો આવશે અને ધરતીનું એવરેજ તાપમાન -7થી -8 ડીગ્રી સેલ્સિયસ થઈ જશે. તેની સરખામણી કરીએ તો 18 હજાર વર્ષ પહેલાં જ્યારે હિમ યુગ હતો ત્યારે તાપમાન -5 ડીગ્રી સેલ્સિયસ હતું. એટલે કે જો પરમાણુ યુદ્ધ થશે તો દુનિયા 18 હજાર વર્ષ પાછળ જતી રહેશે.

હિરોશિમા-નાગાસાકીમાં હુમલો થયો ત્યારે શું થયું હતું?

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જાપાન ઝૂકવા તૈયાર નહોતું. ત્યારે અમેરિકાએ તેનાં બે શહેર હિરોશિમા અને નાગાસાકી પર પરમાણુ બોમ્બથી હુમલો કર્યો હતો. 6 ઓગસ્ટ 1945ના રોજ હિરોશિમા અને 9 ઓગસ્ટ 1945માં નાગાસાકી પર પરમાણુ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો હતો.
હિરોશિમામાં બોમ્બ પડવાથી 1945ના અંત સુધીમાં 1.40 લાખ લોકોનાં મોત થયાં હતાં. નાગાસાકી પર બોમ્બ પડ્યો ત્યારે એના રેડિયેશન પહાડોને કારણે 6.7 કિમી સુધી ફેલાયા હતા. એનાથી 1945ના અંત સુધીમાં 74 હજાર લોકોનાં મોત થયાં હતાં. આ હુમલા પછી જમીનનું તાપમાન 4,000 ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું હતું.
પરમાણુ બોમ્બ પડવાની 10 જ સેકન્ડમાં લોકોનાં મોત થવા લાગે છે અને એની અસર દશકાઓ સુધી રહે છે. પરમાણુ યુદ્ધનાં વર્ષો પછી પણ લોકો લ્યુકેમિયા, કેન્સર અને ફેફસાંની જોખમી બીમારી સામે ઝઝૂમે છે. એટલું જ નહીં, આ યુદ્ધના કારણે હજારો-લાખો લોકોની આંખોની રોશની પણ જઈ શકે છે.

GujaratPress

Related articles

Leave a Reply

Your email address will not be published.